Book Title: Sadhu to Chalta Bhala 1 Author(s): Prashamrativijay Publisher: Pravachan Prakashan Puna View full book textPage 9
________________ કાર્તક વદ સાતમ : કલકત્તા આવતી કાલે સવારે કલકત્તા છૂટી જવાનું. ધુમકેતુએ લખ્યું છે : દરેક નદીને પોતાના કાંઠે એક નગરી વસાવવાનું સ્વપ્ન હોય છે. કલકત્તા હુબલી નદીનું સાકાર થયેલું સ્વપ્ન છે. અહીં કરોડ માણસ વસે છે. બંગાળની ખાડીમાં ભરતી આવે ત્યારે હુબલી નદીની છાતી પહોળી થાય છે. એના લાલભૂખરાં પાણી પર અગણિત હોડકાં ઝૂલતાં હોય છે. જહાજથી માંડીને તરાપા સુધીનાં જલવાહનો, રસ્તા પર ભાગતાં સરેરાશ વાહનો, ગોકળગાય કરતાં થોડી વધુ ઝડપથી ચાલતી ટ્રામ, વિમાન-હેલિકોપ્ટર અને ચાર્ટર્ડ પ્લેન જેવાં વાયુવાહનો, જમીનની ભીતરમાં ચાલતી ટ્રામ-વેથી કલકત્તાને સંતોષ નથી. કલકત્તામાં ઘોડાગાડી જેવી માણસગાડી પણ છે. માણસ ખેંચીને ભાગે તેવી માણસગાડી. ૨૦૦ કિલો સુધીનું વજન ભારે ન લાગે તેવી પૈડાની રચના હોવા છતાં આ તુઘલખી સવારી દીઠી ન ગમે. કલકત્તામાં ઘોડાની જગ્યા સરેરાશ આદમીને આપવામાં આવી છે. વજન ઉપાડો અને ગાડી ભગાવો. કલકત્તામાં ચકચકાટ રાજમાર્ગો અને ગંદીગોબરી ગલીઓ છે. ઊંચી ઈમારતો અને તૂટેલી ઝૂંપડીઓ છે. આલીશાન સ્મારકો અને ખદબદતા ઉકરડા છે. કલકત્તા પંચરંગી પ્રજાનું મહાનગર છે. શંભુમેળો શબ્દ ખોટો પડે. આ કલકત્તા એક સરનામું સાચવીને બેઠું છે. ૧૩૯, કોટન સ્ટ્રીટ, દંત કથાઓના દાગીનાઓથી લદાયેલા બાબુલોકોની આ દેવભૂમિ છે. કલકત્તાની આબાદી જયારે માત્ર દોઢ લાખની હતી ત્યારનો આ સરનામાનો દબદબો જારી છે. આ મુલ્કમશહૂર સરનામાની બાદબાકી ન તો જૈનો કરી શકે, ન તો બંગાળી બાબુઓ. આ સરનામે કાર્તિકીયાત્રાની વિશ્વવિખ્યાત ધ્વજા રહે છે. આ ધ્વજાની ઊંચાઈનાં માન સાચવવા દર વરસે કલકત્તાની ટ્રામ-વેના તાર કપાય છે. આ સરનામું સરકારી ચોપડે નોંધાયું છે : ૧૩૯, કોટન સ્ટ્રીટ, પંચાયતી મંદિર, બડા બજાર, તુલાપટ્ટી. આ જિનાલયનું સરનામું છે, શ્રી શાંતિનાથ દાદાનું સરનામું છે, કલકત્તાના મૂળનાયક પ્રભુનું. પહેલાં અહીં ઘરદેરાસર હતું. મૂળનાયક હતા શ્રી આદિનાથ ભગવાનું. આ પ્રભુની પ્રાણપ્રતિષ્ઠા ચંપાપુરીમાં થઈ. પ્રભુ અજીમગંજ થઈ કલક્તા પધાર્યા, પ્રતિષ્ઠા થઈ. પછી ઘરદેરાસર સંઘને સોંપાયું. નવા મૂળનાયક થયા શાંતિનાથ દાદા. એકવીસ શિખરની કોરણીવાળું ભવ્ય દેરાસર થયું. રસ્તેથી દૂર હતું મંદિર. પરંતુ કાલાકર સ્ટ્રીટ યોજના આવી તેમાં રસ્તો વિશાળ બન્યો અને મંદિરની સામે ચોગાન બની ગયું. સો વરસ પૂર્વે આ મંદિરના ચોપડે ઇસ્ટ ઇંડિયા કંપનીની ૩00 રૂ.ની પંજી નોંધાયેલી પડી હતી. સરકારનું આયંગર કમીશન, ભારતનાં મંદિરોની વ્યવસ્થા તપાસવા નીકળ્યું. તેણે આ મંદિરજીની વ્યવસ્થા જોયા બાદ ઉદ્ગાર કાઢ્યા : “અમે વ્યવસ્થાનો જે આદર્શ મનમાં બાંધ્યો છે તે અહીં અક્ષરશઃ અમલમાં છે.’ સંગેમરમરની બાંધણી. નાજુક કમાન, નકશીદાર જાળીઓ. ઊંચા ગુંબજ, ચળકતા પંચકળશ. પ્રવેશદ્વાર દક્ષિણમુખી અને મૂળનાયકજી ઉત્તરમુખી. બારમાસી પર્યુષણનો માહોલ, આ છે તુલાપટ્ટી મંદિરનો પરિચય. કેનીંગ સ્ટ્રીટમાં શ્રી મહાવીરસ્વામીનું દેરાસર છે. અમે થોડા દિવસ રોકાયા હતા. કલકત્તામાં આ પ્રભુનો મહિમા ઘણો છે. અમારું ચોમાસું ભવાનીપુરમાં થયું હતું. શ્રી મનમોહન પાર્શ્વનાથ ભગવાનની છાયામાં પ્રભુના દરબારમાં સદા સુવાસ સાંપડી છે. મનમોહન દાદાનાં દર્શન કલકત્તાવાસીઓ શ્રદ્ધાવિભોર થઈને કરે છે. આવતી કાલે સવારે આ બધું જ પાછળ રહી જવાનું. આજે કલકત્તાનો અમારો છેલ્લો દિવસ. કાર્તક વદ અમાસ : સરગાછિ | પરમ દિવસે મઠમાં ઉતારો હતો. રામકૃષ્ણ, વિવેકાનંદ જેવા એમના સંતોના ફોટા મંદિરમાં ઉપર જડેલા. મઠના સાધુઓ જાતે રસોઈ બનાવે. સંકુલની સાફસૂફી કરે. ભણવામાં ઓછો સમય ગાળે. આપણા સાધુઓમાં અભ્યાસનું સ્તર હજી જળવાયું છે. પાર વિનાની ગાથાઓ ગોખવાની. સંસ્કૃતના નિયમો મોઢે કરવાના જ. વાંચન સખત કરવાનું. દર વરસે કેટલાં લાખ શ્લોકપ્રમાણ સાહિત્ય વાંચ્યું તેનો હિસાબ રાખવાનો. આ સાધુઓમાં આવો સઘન અભ્યાસ નહીં હોય. હશે તો આ સૌને એમાં પ્રવેશ મેળવવો બાકી હશે. સેવાભાવી સાધુઓ અભ્યાસુ ન લાગ્યા. ગઈ કાલે રાધામંદિરના આશ્રમમાં એ સંપ્રદાયના સાધુઓ જોયા. એક તો ખાસ મળવા આવ્યા. તરત જ પ્રભાવિત થયા. હથેળી બતાવી કહે, હમારા હાથPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 107