Book Title: Sadhu to Chalta Bhala 1 Author(s): Prashamrativijay Publisher: Pravachan Prakashan Puna View full book textPage 7
________________ પાંચમા આરાનો વિહાર કાર્તક વદ છઠ : કલકત્તા ચોમાસા પછી વિહાર થાય ત્યારે દેરાસરમાં દર્શન કરવાની ક્ષણો ભારેખમ બની જાય. ચાર મહિના જે ભગવાનના ખોળે વીતાવ્યા, તેમનાથી દૂર જવું ના ગમે. પ્રભુની આંખમાં જાણે ઠપકો વંચાય : બસ ? અમને મૂકીને ચાલ્યા ? ભગવાનની માફી માંગીએ. ચાર મહિનામાં જોઈએ તેવી ભક્તિ ના થઈ, ઘણી વાર ઉતાવળે દર્શન કર્યા, ક્યારેક દર્શન કરવામાં મોડું થયું, કોઈ વખત સામૂહિક ચૈત્યવંદન કરવામાં અંગત વાર્તાલાપ થઈ ના શક્યો. ભગવાને બધું ચલાવી લીધું. ભગવાનને તો આપણી વગર ચાલવાનું જ છે. આપણને ભગવાન વગર નહીં ચાલે. અકારું લાગશે થોડા દિવસ. ભગવાન મલકાટ સાથે આપણને જોયા કરે : ‘વિહાર કરો છો ? તમારા વિહાર તો પાંચમા આરાના, જયાં જવાના ત્યાં બેસી પડવાનાને ઉંધવાના. અમે તો વિહારમાં કદી બેઠા નથી. વિહારના પ્રોગ્રામ અમે બનાવ્યા નથી. અમે તો જંગલવિહારી હતા. તમે બધા રોડવિહારી છો. તમારા વિહાર તો ભાઈ, મજા કરવાના વિહાર છે.' ભગવાનને જવાબ આપવાની ત્રેવડ ન રહે. ભગવાન સામે હાર જ કબૂલીએ. ભગવાન આશીર્વાદ આપે. પ્રયાણ થાય. કાર્તક વદ છઠ : દાદાવાડી સાંજ ઢળી રહી છે. આજનો દિવસ તીર્થયાત્રાનો દિવસ છે. સેંકડો ભાવિક સાથે પૂરો એક કલાક ભક્તિમાં રહ્યા. પછી વ્યાખ્યાન થયું. આગામી ચાતુર્માસ પાવાપુરીમાં થાય તેની વિનંતી થઈ. વિદાયગીત ગવાયું. મોડી બપોરે બધું પત્યું. કલકત્તાની કેન્દ્રભૂમિ આ દાદાવાડી છે. મુર્શિદાબાદી જિનાલયો પર આ જિનાલયનાં શિલ્પની બેઠી અસર છે. રાજમહેલ સમું આ જિનાલય સો વરસ પુરાણું છે. આ દેરાસરની સ્થાપત્યકલા બેહદ સુંદર છે. જિનાલયનાં વિશાળ પગથિયાં ચડીને મંદિર બહારની ઓસરીમાં ઊભા રહી ઉપર જોયું. છતમાં રંગીન કાચ જડ્યા છે. સૂરજનો તડકો કાચમાંથી ચળાઈને ઓસરીની ફરસ પર, સાત રંગ લઈને પડે, તડકાના ટુકડાઓમાં અલગ અલગ રંગો ચમકે. જિનાલયમાં મુખ્ય દ્વારથી પ્રવેશ થાય. પરંતુ દર્શન કરીને આ જ દરવાજેથી બહાર નીકળવાની ધૂનમાં ભગવાનને પીઠ થઈ જતી હોય છે, તે આ જિનાલયમાં સંભવિત નથી. બહાર નીકળવાના દરવાજા જુદા છે. મુખ્યદ્વારની બન્ને તરફ, બે દરવાજેથી નીકળીએ ત્યારે પીઠ ભગવાનને ન પડે, તે માટે રંગમંડપને વિશાળ પહોળાઈ આપવામાં આવી છે. ગભારાની બન્ને બાજુની ખુલ્લી જગ્યામાં પીઠ પડે, ભગવાનને નહીં. એટલે મુખ્ય દરવાજાની સામે જ પિત્તળનાં ચમકદાર સળિયાની નાકાબંધી છે. બાજુના દરવાજેથી અંદર પ્રવેશ થયો. આંખો ઝળાહળ થઈ ગઈ.. ભીંતો અને સ્તંભો અને બારણાંઓ પર કાચનું જડતર. ઈટાલીના ઝુમ્મર અને એકસો આઠ દીવા મૂકી શકાય તેવા જબ્બર ઝુમ્મર અને કાચની હાંડીઓ. ભમતીમાં કાચને લીધે પ્રતિબિંબોની માયાજાળ સર્જાય. એક, બે, ત્રણ, ....દસ, અગિયાર....અઢાર, ઓગણીસ, તમતમારે ગયા જ કરો. એક દીવો એ અરીસાઓની વચ્ચે આવે તો બન્ને અરીસ દીપકની હારની હાર જલી ઉઠે, ગભારાની જમણી, ડાબી ભીંતો પર બહારની તરફ પ્રાચીન લેખ છે. તેમાં સ્તોત્રો લખેલાં છે. રંગમંડપની ભીંતોમાં છેક ઉપર બેનમૂન ચિત્રો. આવા ખૂબસૂરત ચિત્રોને આટલે દૂર શીદ રાખ્યા હશે ?નજર ન પહોંચે એટલા માટે કે પછી નજર ન લાગે એવો મોહ ? હશે એવું જ કોઈ કારણ. જિનાલયનું મુખ્યધામ ગભારો. ભગવાન શ્રી શીતલનાથ પ્રભુના પ્રતિમાજી. દૂધિયા રંગનું સ્ફટિક હોય છે ? સ્ફટિકને સફેદ મોતીનો લેપ થતો હશે ? પ્રભુમૂર્તિને જોઈને સવાલો જાગે. આરસની આવી ઊંડી ધવલતા કયાંય જોવા ન મળે. હાથ અડાડીશું તો પીગળી જશે, એવી ભીતિ લાગે, મૂર્તિની નાજુક્તા જોઈને, મુખમુદ્રા જોઈને શ્રી જ્ઞાનવિમલજીના શબ્દો યાદ આવે : પ્યારેPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 107