________________
૫૧ કરવામાં આવે છે. જેમ કે પ્રભુવીર અને ગોશાળો વિહાર કરતા ચૌરાક સંનિવેશ પધાર્યા હતા. ત્યાં ગોશાળાને જાસૂસ સમજીને પકડી લેવાયો હતો. આજે એ સ્થાન ચૌરા તરીકે પ્રસિદ્ધ છે. આજ રીતે જંભિક ગ્રામ અને ઋજુવાલિકાની સરખામણી મેળવીને જમુઈ શહેર અને તેની ઉલુઆ નદીને કૈવલ્યભૂમિ તરીકે ઓળખવાની સંશોધકો તૈયારી કરી રહ્યા છે. બરાકર નામમાં નામનો મેળ નથી પડતો તેવી એમની દલીલ છે. આ વાહિયાત પ્રયત્નથી તીર્થની આશાતના થાય છે તેવું એ સંશોધકોને સમજાવે કોણ ? અઢી સહસ્રાબ્દીથી ચાલી આવતી પરંપરાના વિચ્છેદ કરવાનો હક કોઈનેય ન હોઈ શકે. અલબત્ત બરાકરથી ત્રણ માઈલનાં અંતરે જમક નામનું ગામડું નદી કિનારે જ છે. જૈભિકગ્રામની નજીકનો શબ્દ જમક જ હોઈ શકે, જમુઈ નહીં.
આ સંશોધકોની રજૂઆત કબૂલવાનું મન નથી થતું તેનું બીજું પણ એક કારણ છે. એક વિદ્વાન છે અહીંના. તેમણે ક્ષત્રિયકુંડ પ્રભુનું જન્મસ્થાન છે તે પૂરવાર કરવા પુરાવા એકઠા કર્યા. દિગંબરો અને ભારત સરકાર ક્ષત્રિયકુંડને સ્વીકારવા તૈયાર નથી તેની સામે એ ભાઈએ કામ ઉપાડ્યું એટલે ભાવના એમની સારી. સવાલ પર્વતનો જ આવ્યો. કોઈ શાસ્ત્રોમાં પ્રભુવીર પર્વત ઉપર જનમ્યા તેવું વાંચવા નથી મળતું—એવી દિગંબરોની મુખ્ય દલીલ સામે એ ભાઈ કલ્પસૂત્રના બે પાઠ લઈ આવ્યા. એક, રૂચક પર્વત પરથી દિકુમારી આવી હતી તે. બીજો, પ્રભુએ જન્માભિષેક વખતે અંગૂઠાથી પર્વત કંપાવ્યો છે. બન્ને પાઠોનો કેવો અનર્થકારક વિનિમય થયો ? પહેલા શાસ્ત્રપાઠ મુજબ તો દુનિયાના દરેક તીર્થકરો પર્વત પર જનમ પામ્યા તેવું નક્કી થાય. કેમ કે રૂચક પરથી જ અમુક દિમારી આવે છે. મુદ્દે, રૂચક પર્વત તો સાવ અલગ છે તેનું એ ભાઈને જ્ઞાન નથી. બીજા શાસ્ત્રપાઠ મુજબ મેરુપર્વતના કંપનો પ્રસંગ એ ભાઈ સમજ્યા નથી. હવે આ જ ભાઈ બરાકર નદીનો છેદ ઉડાડે ને ઋજુવાલુકા નદીને જમુઈ શહેરની ઉલુઈ નદીમાં ખતવી દે તે માને કોણ ?
- આજે ઋજુવાલુકા તીર્થ કૈવલ્યભૂમિ તરીકે પૂજાય છે. તે જ સૌથી મોટો પુરાવો છે. દિમાગ ચલાવવામાં શ્રદ્ધાને ઠેસ પહોંચે તે તો ચાલે જ કેમ ? કરુણતા એ છે તે ભાઈને અખિલ ભારતીય ઇતિહાસક્સ સંમેલનમાં શિખરજી મુકામે અધિકૃત સ્વીકૃતિ મળી છે. અહો રૂપમ્, અહો ધ્વનિ.
પોષ સુદ અગિયારસ : જમુઆ તીર્થભૂમિ પર ચાલવા છતાં સ્પર્શનાનો લાભ નથી મળતો કેમ કે ડામરરસ્તે ચાલવું પડે છે. ભગવાન ધૂળિયા મારગે પગલાં માંડતાં, ક્યારેક કેડી રસ્તે પધારતા. કોરા મેદાનો અને ખેતરો પરથી પણ નીકળતા. પ્રભુનાં પગલાં પડતા તે ભૂમિના અણુઅણુમાં સત્ત્વ સીંચાતું. પ્રભુ ચાલી જાય તે પછી તે માટીમાં પ્રભુનો અણસાર સાંપડતો. પગલાની કતાર પણ સર્જાતી. એ માટીનો સ્પર્શ પામવાનો લાભ ચૂકી જવાય છે. ગાડીઓના ધુમાડા નડે તે ઠીક છે, એના ઘોંઘાટથી કાન થાકે તેય ઠીક છે. ખમી લેવાય. પ્રભુની ચરણરજથી દૂર રહેવું પડે તે નથી ખમાતું. રોડની બાજુમાં માટી બીછાવેલી હોય છે તેના પર ચાલીને થોડો સંતોષ મેળવી લઈએ તેટલું જ પુણ્ય છે. રસ્તો તો પ્રભુનો ના જ મળે. જે દિશામાં પ્રભુ ચાલતા નીકળ્યા, એ જ દિશામાં, એ જ પંથ પર સંચરવા મળે તો કૃતાર્થતા સાંપડે. મોટા વૃક્ષો દેખાય ખેતરોમાં. એના મૂળિયાં જમીન ઘસાવાથી બહાર દેખાતા હોય. એમ થાય કે પ્રભુ આવા કોઈ વૃક્ષતળે કાઉસ્સગ કરતા હશે. વડના વૃક્ષ સાથેની સરખામણી તો ત્રિષષ્ટિમાં છે જ. આજાનુલમ્બિતભુજો જટાવાનું ઇવ પાદપક / નિયંત્રિતમનાસ્તત્ર તસ્થૌ પ્રતિમયા પ્રભુ: (૧૦-૩-૫૮) વડવાઈ લંબાવીને ઊભેલાં વૃક્ષની જેમ ભગવાન જાનુ સુધી હાથ લંબાવી ઊભા રહ્યા. પ્રભુનું મન નિયંત્રિત હતું અને પ્રભુ પ્રતિમામાં હતા. એ વૃક્ષના છાંયડે પહોંચવાનું મન થાય. ત્યાં જઈ ઊભા રહેવું. કાઉસ્સગ કરવો-નાનો તો નાનો. પ્રભુને જ માત્ર યાદ કરવા. પણ વિહાર કરીને આગલા ગામે પહોંચવાના ભારમાં એ શકય ના બને. આપણા વિહાર તો બંધનવાળા છે, સામો મુકામ નક્કી કરીને નીકળવાનું, વચ્ચેથી ટૂંકા રસ્તે પહોંચવાનું. પ્રભુનો વિહાર નિબંધ હતો. કોઈ દિશા નહીં, કોઈ ગામ નહીં, કોઈ મુકામ નહીં. સતત યાદ આવે એક ગીત :
અમે રખડતા રામ, જયાં બેઠા ત્યાં મુકામ અમે પવનની લહેરખી જેવા જ્યાં ત્યાં હરીએ ફરીએ ફોરમ જેવો જીવ અમારો અમે કશું નહીં કરીએ કાંઈ કશું નહીં કરવું એવું છે કે અમારું કામ નામ અને સરનામાં અમને લાગી રહ્યા નકામ.