Book Title: Sadhu to Chalta Bhala 1
Author(s): Prashamrativijay
Publisher: Pravachan Prakashan Puna

View full book text
Previous | Next

Page 63
________________ ૧૪ શ્રી અયોધ્યા અને શ્રાવસ્તી ચૈત્ર સુદ સાતમ : અયોધ્યા અયોધ્યામાં પાંચ તીર્થંકર ભગવંતોનાં કલ્યાણક છે. શ્રી ઋષભદેવ ભગવાન્, શ્રી અજિતનાથ ભગવાન્, શ્રી અભિનંદન સ્વામી ભગવાન્, શ્રી સુમતિનાથ ભગવાન્, શ્રી અનંતનાથ ભગવાન. પહેલી પૂજા કરે તેને આખા દિવસની બધી પૂજાનો લાભ મળે તેમ પહેલાં તીર્થંકરને અવતાર આપે તે ભૂમિને ચોવીશેય પ્રભુના અવતારનો લાભ મળે, આ લાગણીનું સમીકરણ જો સાચું હોય તો અયોધ્યામાં માત્ર પ્રથમ તીર્થંકર પ્રભુ થયા હોત તોય તે ધન્યનગરી ગણાત. આ તો સોનામાં સુગંધ ભળી છે. એમ કહેવું પણ અધૂરું લાગે છે. સોનામાં માત્ર સુગંધ જ ભળે, અહીં તો એક પ્રભુની પાછળ ચાર બીજા પ્રભુ થયા. દરિયામાં દરિયા ભળ્યા છે આ તો. આ નગરીને નામ પણ કેટલાં બધાં મળ્યાં છે ? અયોધ્યા, અવધ, અવધ્યા, કોશલા, વિનીતા, સાકેત, ઈક્ષ્વાકુભૂમિ, રામપુરી, કોશલનગરી. અયોધ્યાનું અદ્યતન નામ છે : અવધ, અહિંસા જેવું જ મધમીઠું નામ અ-વધ. જિનાલય એક જ છે. પાંચેય પ્રભુનાં પ્રતિમાજી અને પગલાઓ વિશિષ્ટ રીતે રાખવામાં આવ્યાં છે. મૂળનાયક શ્રી અજિતનાથ ભગવાન્ જેમાં બિરાજવાના છે તે નવાં દેરાસરનું કામ ચાલુ હતું. જૂનું દેરાસર બહારથી કંઈક અંશે મસ્જિદ જેવું દેખાય છે. અંદર ભમતી છે. નીચે પણ અને પહેલાં માળે પણ. દેવાધિદેવનાં કલ્યાણકોને સાક્ષાત્ જુહારતા હોઈએ તેવા ભાવથી વારંવાર દર્શન કર્યાં. પ્રભુ એક વાર પધારે તે ભૂમિ પણ સદાકાળ પાવન થઈ જાય. અહીં તો પ્રભુ લાંબો સમય રહ્યા. ત્રિલોકાનંદની ગંગા અહીંથી કલ્યાણકની ક્ષણોમાં ૧૧૪ અનેકવાર વહી. એ ક્ષણનો નાનો સરખો અંશ હજી ટકી ગયો હોય તો એ ઝીલવો હતો. ક્ષણ તો પંખીની જેમ ઊડી ગઈ હતી. એનો આછેરો ફફડાટ સાંભળવો હતો. તેનાય નસીબ નહીં. પ્રભુના પગલાં હતાં, અસંખ્ય દેવોનું અર્ચાધામ. પ્રભુની પ્રતિમા હતી, અસંખ્ય આરાધકોનું આસ્થાગૃહ. પ્રભુજીની આંખો હતી, અસંખ્ય ભક્તોનું આલંબન. પ્રભુની મુખમુદ્રા હતી, અસંખ્ય ભાવિકોનું શ્રદ્ધાકેન્દ્ર. તરસ છીપાઈ નહીં, ભૂખ શમી નહીં. ખૂબ ભેટ્યા પ્રભુને. ભમતીની વચોવચ ઊંચું સમવસરણ મંદિર છે. શ્રી આદિનાથ ભગવાનની જન્મભૂમિ હોવા છતાં અયોધ્યાના મૂળનાયક શ્રી આદિનાથ ભગવાન્ નથી, કેમ કે અયોધ્યામાં સૌથી પહેલા કેવલી થનારા તીર્થંકર ભગવાન્ શ્રી અજિતનાથ ભગવાન છે. એટલે જ શ્રી અજિતનાથ ભગવાન્ અહીંના મૂળનાયક છે. (શ્રી આદિનાથદાદાનું કેવળકલ્યાણક શ્રી પુરિમતાલ તીર્થમાં છે.) મૂળનાયક ભગવાનનાં કેવળજ્ઞાન કલ્યાણકનું મંદિર આ સમવસરણ છે. ચૌમુખી પગલાં છે. પ્રભુની માલકૌંસબદ્ધ દેશના ચાલતી હશે ત્યારનો માહોલ કેવો હશે ? દેવોની, રાજાઓની ભીડ. દૂર દૂર ચાલી આવતા શ્રદ્ધાળુઓની કતાર, આભમાંય દૂરથી ઉડી આવતા દેવોની કતાર હશે જ વળી. ચારેય દિશામાં પ્રભુનાં તેજ ઝળહળતાં હશે. અષ્ટ મહાપ્રાતિહાર્ય, અપ્રતિમ વૈભવ, અલૌકિક આડંબર બધું જ પ્રભુનાં તેજથી ઢંકાઈ જતું હશે. કોલાહલ થતો જ નહીં હોય, પ્રભુનો ધારાબદ્ધ અવાજ ભવોભવના સંતાપ શમાવતો હશે. આંખો ભીંજાતી હશે. અંતર ઉજળાં થતાં હશે. ઘણું બધું પરિવર્તન થતું હશે. અજીબોગરીબ શાંતિમાં આત્મા નિર્મગ્ન બની જતા હશે. સમાધિમુદ્રા સૌનાં મુખ પર બંધાતી હશે. દેશના પૂરી થયા પછીય ભાવનાં આંદોલન ઉચ્ચ દશામાં જ રમતાં હશે. ચૈત્ર વદ આઠમ : અયોધ્યા યુગલિકો અહીં પહેલી વાર અકળાયા હતા. કલ્પવૃક્ષો કરમાયા હતા ને સૂક્કા ઝાડમાં આગ લાગી હતી. આદમીઓ ઝઘડવાનું શીખવા લાગ્યા હતા. પોતાનો ખોટો બચાવ કરવાની નવી પદ્ધતિ શરૂ થઈ હતી. આ વાત તે કાળની અને તે સમયની છે જ્યારે વર્તમાન ચોવીશીના એક પણ ભગવાન થયા નહોતા.

Loading...

Page Navigation
1 ... 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107