________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૮૫
ભાગ-૧ ] શુભરાગને વિષકુંભ એટલે કે ઝેરનો ઘડો કહ્યો છે. અશુભથી બચવા શુભરાગ આવે ખરો, પણ એ સર્વ હેય છે.
અહો ! દેવાધિદેવ જિનેન્દ્રદેવની વાણી ઝીલીને ભગવાનના આડતિયા થઈને કુંદકુંદાચાર્ય જાહેર કરે છે કે ભગવાનનો માલ આ છે. અમને જે ધર્મ કે ચારિત્ર પ્રગટયું તે શું ચીજ છે? કહે છે કે નિરંતર ઝરતો-આસ્વાદમાં આવતો એવો સુંદર જે આનંદ તેની છાપવાળું પ્રચુરસંવેદનસ્વરૂપ જે સંવેદન તે અમારો નિજવૈભવ એટલે કે ચારિત્ર છે. અહો! ધર્મની મુદ્રા શું? તો જેમ ચલણી નોટ પર મુદ્રા મુખ્ય છે તેમ સુંદર આનંદ-અતીન્દ્રિય આનંદ એ ધર્મની મુદ્રા છે અને એ મુખ્ય છે. અહો ! અતીન્દ્રિય આનંદમાં ઝૂલતાં દિગંબર સંતોએ કહેલો વીતરાગમાર્ગ અપૂર્વ છે. તેમનાં રચેલાં આ શાસ્ત્રો તે પરમાગમ છે.
સમ્યગ્દર્શનમાં રાગથી ભિન્ન અને સ્વભાવથી અભિન્ન એવા એકત્વવિભક્ત આત્માની દષ્ટિ હોય છે. ત્યાં પણ અતીન્દ્રિય આનંદનો સ્વાદ અલ્પ પ્રમાણમાં હોય છે. ચોથા ગુણસ્થાનમાં સુંદર આનંદનો સ્વાદ અલ્પ આવે છે તો પાંચમા ગુણસ્થાનવર્તી શ્રાવકને તે વિશેષ આવે છે. તેના કરતાં મુનિઓને તો પ્રચુર સ્વસંવેદન હોય છે એટલે પ્રચુર આનંદ હોય છે. આચાર્ય કહે છે આવા પ્રચુર આનંદની મુદ્રાવાળું જે ચારિત્ર-ધર્મ તે વડે અમારા નિજવૈભવનો જન્મ છે.
એમ જે જે પ્રકારે મારા જ્ઞાનને વિભવ છે તે સમસ્ત વિભવથી દર્શાવું છું. જો દર્શાવું તો સ્વયમેવ પોતાના અનુભવ-પ્રત્યક્ષથી પરીક્ષા કરી પ્રમાણ કરવું. આચાર્યદેવ જિજ્ઞાસુ શ્રોતાને કહે છે કે પુણ્ય-પાપના ભાવોથી ભિન્ન અને પોતાના
સ્વરૂપચૈતન્યથી અભિન્ન એવા એકત્વવિભક્ત આત્માને હું સર્વ વૈભવથી બતાવું છું તે તું પ્રત્યક્ષ અનુભવ કરીને પ્રમાણ કરજે. અમે કહીએ છીએ માટે નહીં, પણ અંતરમાં જે “શુદ્ધ, બુદ્ધ, ચૈતન્યઘન, સ્વયંજ્યોતિ, સુખધામ” એવો આત્મા બિરાજે છે તેનો સ્વાનુભવ પ્રત્યક્ષથી નિશ્ચય કરજે, તેથી તને સુખ થશે, મોક્ષ થશે. સમયસાર નાટકમાં કહ્યું કે
અનુભવ ચિંતામનિ રતન, અનુભવ હૈ રસકૂપ,
અનુભવ મારગ મોખકૌ, અનુભવ મોખસ્વરૂપ. અમારો વૈભવ તો અમારી પાસે રહ્યો. તેથી તું રાગાદિથી ભિન્ન પડી સ્વયં પોતે જ શાંતિ અને આનંદનું પ્રત્યક્ષ વેદન કરી પ્રમાણ કરજે. તેથી તને ધર્મ થશે. આઠ વર્ષની બાલિકા પણ અંતરમાં ભાન કરી આવો અનુભવ કરી શકે છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com