________________
૧
।। નમો નાણસ્સ।। ભૂમિકા
મધ્યકાળ એટલે સુંદરતમ બોધકથાઓનો અદ્વિતીય કાળ! વિદ્વાન સર્જકોએ અઢળક બોધ કથાઓનો વિશિષ્ટ ખજાનો માનવજાતને નજરાણામાં ભેટ ધર્યો છે. ભાગ્યેજ એવી કોઈ કથા હશે કે, જેમાં જૈન જગતના મહાપુરુષોના ચરિત્ર અને બોધકથાઓની રસલહાણ ન હોય. જૈન સાહિત્યના મહારથીઓએ ધર્મ અને અધ્યાત્મ જેવા ભારેખમ વિષયને બોધકથાઓ દ્વારા સરળ, રસપ્રદ બનવવામાં મૂલવી ન શકાય એવડું મોટું યોગદાન પ્રદાન કર્યું છે.
આપણા આગમ ગ્રંથોમાં કથાનો મહાસાગર હિલોળાં લઈ રહ્યો છે. આ આગમ સાહિત્યના આધારે સમય જતાં જૈન મનીષીઓએ નિર્યુક્તિ, ભાષ્ય, ચૂર્ણિ, ટીકા અને વૃત્તિઓની રચના કરી. જુદા જુદા વૃત્તિકારોએ કથાઓને વિસ્તૃતરૂપે આલેખી. એક જ વિષય ઉપર અનેક કથાઓ ઉતરી.
ઉપદેશપ્રાસાદ, ઉપદેશમાલા, ઉપદેશપદ, શીલોપદેશમાલા, શીલાતરંગિણી, પુષ્પમાલા પ્રકરણ, યોગશાસ્ત્ર, ભરતેશ્વરબાહુબલી વૃત્તિ જેવાં આગમેત્તર ગ્રંથોમાં ઢગલાબંધ રસિક કથાઓ કંડારેલી છે.
કથા કે વાર્તા કહેવી કે સાંભળવી અબાલ-વૃદ્ધ સહુને હંમેશાં પ્રિય લાગે છે. પછી, તે કથા આપવીતિ હોય કે પરવીતિ હોય. આ એક મનોવૈજ્ઞાનિક સત્ય છે. કથાને આકર્ષકરૂપથી કર્ણપ્રિય ઉચ્ચારણ અને સહજ ભાવાભિવ્યક્તિ સાથે પ્રસ્તુત કરનાર સમાજનો પ્રિય બને છે.
આપણી ભવ્ય સંસ્કૃતિના વારસાની, સમૃદ્ધ પરંપરાનું, સનાતન વિચારધારાનું, ઈતિહાસની ઉજ્વળતાનું વિસ્મરણ ન થાય અને લોકોનું ખમીર ઓસરી ન જાય તે માટે જૈનાચાર્યોએ પોતાની લેખણી દ્વારા મહાન વિભૂતિઓની પરમ તત્ત્વની અમરકથાઓને લોકમાનસ સુધી પહોંચાડવાનો ભગીરથ પ્રયાસ કર્યો છે.
પરવર્તી સાહિત્યકારોએ પણ જનમાનસની રુચિનો લાભ લઈ પોતાના પ્રસ્તુતીકરણને પ્રભાવશાળી અને સતર્ક બનાવવા કથાઅંશોમાં ઘટાડો કે વધારો કરી કથાને સુંદર ઓપ આપ્યો છે. ઉત્તમ વ્યક્તિઓના જીવન ચરિત્રો માનવીને ઉદાત્ત-ઉત્તમ પરિણામ હાંસલ કરાવે છે તેથી સુજ્ઞ મનીષીઓએ કથાવસ્તુમાં દેવાંશી માનવીઓ જેવા કે - ત્રેસઠ શલાકા પુરુષો, ગીતાર્થ મુનિવરો, સતી સ્ત્રીઓ, રાજવીઓ અને શ્રેષ્ઠીઓને જ પસંદ કર્યા છે.
દીર્ઘદૃષ્ટા પૂવાચાર્યોએ કથાની સાથે જૈન ધર્મના આચાર-વિચારો, તત્ત્વજ્ઞાન, કર્મવાદ, સદાચાર, પુનર્જન્મ જેવાં સિદ્ધાંતોને કથાપ્રવાહમાં ગૂંથ્યાં છે. લોકોને ધર્મના માર્ગે વાળવા અને પાશ્ચાત સંસ્કૃતિના વાયરાથી બચાવી ભારતીય સંસ્કૃતિનું પોષણ કરવું, એ સાહિત્યના મહારથીઓની આગવી સૂઝ હતી.
દાનધર્મનો મહિમા વર્ણવતી આદર્શોન્મુખી આવી જ એક ઐતિહાસિક કથા ‘કયવન્ના