________________
૨૮
બાહુમાં સમાવી લીધી. ધન્યા શરમાઈ ગઈ. તેણે પોતાનું મુખકમળ નીચે નમાવી લીધું. તેણે પતિને હાથ જોડી ખેદ ન કરવા કહ્યું. ત્યારબાદ ધન્યા પતિની સરભરામાં વ્યસ્ત બની. સ્નાનાદિથી નિવૃત્ત થયા બાદ તેણે આસન આપી કૃતપુણ્યને જમવા બેસાડયો. તે સાડલાથી પવન ઢોળવા લાગી. અન્નપૂર્ણા સમાન ધન્યાના હાથની રસોઈ ખાતાં ખાતાં કૃતપુણ્ય આંગળા ચાટવા લાગ્યો. તેણે આજે પેટ ભરીબે ખાધું.
ત્યાર પછી ધન્યાએ બાર બાર વર્ષના હિસાબ-કિતાબ ટૂંકમાં દર્શાવ્યા. કૃતપુણ્યે પોતાનો હિસાબ બતાવતાં કહ્યું, ‘“મારા જીવનમાં બાર વર્ષના હિસાબનું સરવૈયું માત્ર રાગાંધતા જ ગણી શકાય. પિતાજીએ શૂન્યમાંથી સર્જન કર્યું, મેં કુલાંગારે સર્જનનું વિસર્જન કર્યું. મારા કારણે ઘરબાર, વ્યાપાર આદિમાં અધઃપતન થયું છે.’’ કૃતપુણ્ય ખિન્ન મને પોતાને કોસતો રહ્યો.
ધન્યાએ દિલાસો આપતાં કહ્યું, ‘‘સ્વામીનાથ! જે થઈ ગયું તે થઈ ગયું. તેનું સ્મરણ કરીને મનોવેદના સિવાય તમે કંઈ જ મેળવવાના નથી. નિરાશાને છોડી ભવિષ્યનો વિચાર કરો. લક્ષ્મી પ્રારબ્ધને આધીન છે. પુરુષાર્થ કરશો તો લક્ષ્મી ખેંચાઈને પાછી આવશે. સિદ્ધિ સાહસને વરે છે, અને સાહસ ઉત્સાહથી વૃદ્ધિગત થાય છે. હતાશા છોડી સાહસ કરશો તો સિદ્ધિને આપના ચરણોની દાસી બનવું જ પડશે.’’
ધન્યાના પ્રેરક વચનો સાંભળી કૃતપુણ્યનું કૌવત પાછું બેઠું થયું. ઉદાસીનતા ઉડી ગઈ. સંકટ સમયે ઉપયોગમાં આવે તે માટે શાણી ધન્યાએ ગુપ્ત રીતે હજાર સુવર્ણમુદ્રાઓ સાચવીને રાખી હતી, તે સોનામહોરો લઈ આવી. કૃતપુણ્યે આ ધન જોઈ પરદેશ જઈ વ્યાપાર કરવાનો નિશ્ચય કર્યો. કૃતપુણ્ય પોતાની પત્ની સાથે વાર્તા વિનોદ કરતો હતો ત્યારે અનંગસુંદરી (દેવદત્તા) ઘરે આવી. અક્કા સાથે કલહ થતાં તે ઘર છોડી અહીં આવી હતી. તે પોતાના અલંકારો સાથે લાવી હતી. “તેણે અલંકારો વેંચી તેમાંથી અર્ધું ધન ગૃહ વ્યવહાર અને અર્ધું ધન વ્યાપાર માટે વાપર્યું. બંને સ્ત્રીઓ સગી બહેનોની જેમ રહેવા લાગી.
રાજગૃહી નગરીમાં સાર્થવાહો (વણઝારા)નું વેપારાર્થે અવાગમન ચાલુ રહેતું હતું. કોઈ સાર્થવાહનો સથવારો ગોતીને કૃતપુણ્યને પરદેશ વ્યાપારાર્થે વળાવવાનો ધન્યાએ નિર્ણય કર્યો. લોકો દ્વારા ધન્યાને સમાચાર મળ્યા કે આઠ દિવસ પછી ધનપતિ સાર્થવાહ પરદેશ પ્રયાણ કરવાના છે. ધન્યાના આનંદનો કોઈ પાર ન રહ્યો. તેણે કૃતપુણ્યને કહ્યું, ‘‘સ્વામીનાથ ! આપને નગરમાં કોઈ કામ નથી આપતું, લોકો નિંદા કરે છે. તેમાંથી બચવાનો એક ઉપાય છે. જો આપ ધનપતિ સાર્થવાહ સાથે પરદેશ જશો તો લક્ષ્મી અને ગુમાવેલી કીર્તિ પ્રાપ્ત થશે. સાર્થવાહ ઉદાર અને મોટા મનના છે. સાર્થમાં ૧. ભરહેસરની વૃત્તિ અનુસાર ધન્યા પાસે ઘરમાં કાંઈ જ ધન ન હતું. તે ચરખો કાંતી ઘરનું ગુજરાન ચલાવતી હતી. વિકટ પરિસ્થિતિમાં કામ લાગે તે માટે ચતુર ધન્યાએ હજાર સુવર્ણ મુદ્રાઓ સાચવીને રાખી હતી.
યતીન્દ્રવિજયજી કૃત ‘શ્રી કયવન્ના ચરિત્રમ્’માં દેવદત્તા ગણિકાનો કૃતપુણ્યના બાબતે અક્કા સાથે ઝઘડો થતાં વેશ્યાવાસ છોડી પોતાના અલંકાર કૃતપુણ્યના ઘરે લાવી. તે વેચી જે ધનરાશિ એકઠી થઈ તેમાંથી વ્યાપાર માટે ધન વાપરવાનો નિશ્ચય થયો.