________________
૩૪
સમય પાંખો લગાવીને ઉડતો રહ્યો. બાર વર્ષના વહાણા વાઈ ગયા. ધનદેવ શેઠે લોકમુખે સાંભળ્યું કે ધનપતિ સાર્થવાહ બે દિવસમાં રાજગૃહી નગરીમાં પડાવ નાખવાનો છે. વીરદત્તને ખસેડવાની સુવર્ણ તક સાધી લેવાની પૂર્વ ભૂમિકા સર્જવા ચારે પુત્રવધૂઓને શેઠ-શેઠાણીએ એકાંતમાં બોલાવી વિચાર વિમર્શ કરતાં કહ્યું,
જુઓ, વીરદત્તને જે સ્વાર્થ સાધવા આપણે અહીં લઈ આવ્યા હતા, એ સ્વાર્થ તમને ચારેને માતૃત્વ મળી જતાં સિદ્ધ થઈ ચૂક્યો છે. રાજા આપણું ધન પચાવી પાડે એવો ભય પણ હવે રહ્યો નથી. તેથી હવે વીરદત્તને આપણા ધનનો ભાગીદાર બને તે પૂર્વે કાલે રાતના ઉપાડી પાછો સાથે ભેગો કરવાનો છે. આ વાત પેટમાં (ગુપ્ત) જ રાખજો.” છેતરપીંડીનું આ નવું નાટક જોઈ ચારે સ્ત્રીઓ સ્તબ્ધ બની ગઈ. લાચાર સ્ત્રીઓ સાડીના છેડેથી આંસુ લૂછવા લાગી.
કૃતપુણ્ય પ્રેમાળ ભાષા અને આનંદી સ્વભાવના કારણે ચારે સ્ત્રીઓના હૃદયમાં મજબૂત સ્થાન મેળવ્યું હતું. તિજોરીનું તાળું તોડવું સહેલું છે પણ કોઈના પ્રેમ-વિશ્વાસને તોડવો સહેલો નથી. સ્વાર્થોધતાનું નાટક ભજવાતું જોઈ ચારે પુત્રવધૂઓ ઉકળી ઉઠી પરંતુ અસંમતિ કે સત્યાગ્રહનો અવાજ ઉઠાવવો નિરર્થક હતો. ચંડિકા સ્વરૂપ શેઠાણીની ધાકધમકી આગળ પુત્રવધૂઓ મૌન બની ગઈ. તેમના ચહેરા પર વિષાદ છવાયો. જમાનાના ખાધેલા શેઠથી તે અજાણ ન હતું પરંતુ શેઠ-શેઠાણી વીરદત્તને વળાવી આવવાના નિર્ણયમાં અડગ હતા.
શેઠ-શેઠાણીની વિદાય પછી પુત્રવધૂઓ એકાંતમાં એકઠી થઈ. તેમના અંતરમાં ક્રોધાનલ ભભૂકી ઉઠયો પરંતુ લાચાર હોવાથી કંઈ કરી શકે તેમ ન હતી. અંતે ચારે પુત્રવધૂઓએ ટાઢીબોળ બની નિર્ણય કર્યો કે, “ભાતા નિમિત્તે બનાવેલા મોદકમાં અમૂલ્ય રત્નો ગુપ્ત રીતે છૂપાવી કૃતપુણ્યને આપી તેમના ઉપર ઉપકાર કરવો.”
બીજે દિવસે ચાર મોટા મોદક ગુપ્ત રીતે તૈયાર કરી એક થેલી (વાંસળી)માં ભર્યા. કૃતપુણ્યના ભોજનમાં સંધ્યા સમયે ઘેન ભેળવવામાં આવ્યું, તેથી ભોજન કર્યા પછી તે ઘસઘસાટ ઊંધી ગયો. પુત્રવધૂઓએ છુપાઈને તેના ખેસના છેડે રત્નગર્ભિત મોદકની થેલી બાંધી દીધી.
રાત્રિનો અંધકાર જામતો ગયો. મુનીમે રથ તૈયાર કર્યો. શેઠાણી અને ચારે વહુઓ રથમાં બેઠી. કશો ફોડ પાડયા વિના ઘસઘસાટઘોરતા વીરદત્તને ઉપાડી ગોદડી પાથરી ખાટલામાં સુવડાવ્યો. મુનીમે ખાટલો ઉપાડી રથમાં મૂક્યો. રથને સાર્થના ડેરાની દિશામાં હાંકી મૂકયો. સાર્થવાહનો પડાવ આવ્યો ત્યાં રથ ઉભો રહી ગયો. જ્યાંથી બાર વર્ષ પૂર્વે વીરદત્તને અપહરણ કરી લાવવામાં આવ્યો હતો, ત્યાં જ તેના તૂટેલી ફૂટેલી ગોદડીવાળા ખાટલા પર સુવડાવવામાં આવ્યો. મુનીમ, શેઠાણી અને પુત્રવધૂઓ કાર્ય પૂર્ણ કરી પાછા વળ્યા.
સુખનું સામ્રાજ્ય સ્વપ્નની જેમ વિખેરાઈ ગયું. આ બાર વર્ષના ગાળામાં કૃતપુણ્યએ કદી પોતાની ધન્યાને યાદ પણ કરી ન હતી. શેઠે સવાર પડતાંની સાથે વીરદત્તની અણધારી વિદાયના સમાચાર નગરમાં ફેલાવ્યા. વીરદત્તની હકાલપટ્ટીને શેઠે ‘ભાગેડુ વૃત્તિ' તરીકે ખતવી પોતાની રચેલી