________________
૨૩
દહનની ક્રિયા પૂર્ણ થઈ. લોકો લાચારધન્યાને આશ્વાસન આપી વિખરાયા.
ધન્યા શોકમગ્ન ચહેરે બેસી રહી. સાસુ-શ્વસુરની વિદાય પછી ધન્યા માટે કસોટી અને કટોકટીનો કાળ આરંભાયો. ઘરનો છાયો કહો કે ટેકો તે તો ચાલ્યો ગયો. ધન્યા નિરાધાર બની ગઈ. તેણે સઘળાં ચિત્કારોને હૃદયમાં દાબી દુઃખોના ઉહકારનો સહેજે અવાજ ન થાય એ રીતે મોં સીવીને જીવવાનું પસંદ કર્યું.
ધન્યાના માતા-પિતા પોતાની પુત્રીને સમજાવી ઘરે લઈ જવા આવ્યા ત્યારે ધન્યાએ મક્કમપણે કહ્યું, “દીકરી તો સાસરીમાં જ શોભે. સ્ત્રીનું સર્વસ્વ તેના સૌભાગ્યમાં સમાયેલું છે. મારા સ્વામી ભલે પાછા ન ફરે પણ હું એમને ન છોડી શકું. જે કંઈ બને છે તે કર્માધીન છે. માતાજી ! હું શ્વસુર ગૃહે આવી ત્યારે તમે જ મને આશીર્વચનો સંભળાવ્યા હતા કે દુષ્ટ, દુરાચારી કે અધમ પતિને પણ દેવ માની પૂજવામાં જ સ્ત્રીની શોભા છે. મને મારા પતિમાં કોઈ દોષ દેખાતો નથી. પતિની છાયાથી જ પત્નીત્વ શોભે છે. પતિની ઉજ્જવળ છાયાએ સતીત્વ ઝળકે છે. મને અહીં કોઈ પ્રકારનું દુઃખ કે વેદના નથી.’’
માતાએ કહ્યું, ‘“પુત્રી! મેં તને શિખામણના બે બોલ કહ્યા તે બરાબર છે, પણ સંજોગો પલટાયા છે. જે વ્યક્તિ માતા-પિતાની મરણપથારીએ ન આવ્યા તેની પાછળ કઈ રીતે જન્મારો
કાઢીશ ? દીકરી મને એ વાતનું દુઃખ છે કે તું હવે એકલી પડી ગઈ છે તેથી તને તેડવા આવી છું.’’ ધન્યાએ સ્પષ્ટપણે કહ્યું, ‘‘માતાજી! સ્ત્રીની શોભા શ્વસુરગૃહે જ હોય. આપની ભાવના ઉદાત્ત છે. સ્વામીની ભૂલને જોવાનો કે તિરસ્કાર કરવાનો અધિકાર પત્નીને ન હોય. માતાજી! સંકટો
મને નાશીપાશ ન કરી શકે. અત્યારે ભલે મારી પાસે ધન નથી પણ ધન ઉપાર્જન કરવાની આવડત છે. હું ગૌરવથી જીવન વ્યતીત કરવા માગું છું. પિતાજીના હૃદયમાં વાત્સલ્ય અને પ્રેમ હોય, તેમ જ તમે મારું હિત વિચારો એ સ્વાભાવિક છે. આપ મને આશીર્વાદ આપો કે હું મારા કાર્યમાંથી વિચલિત ન બનું.’’ ધન્યાના માતા-પિતાને પોતાની સમજુ પુત્રી પ્રત્યે અત્યંત માન ઉપજ્યું.
ભાવિનો વિચાર કરીને ધન્યાએ હવે કરકસરપૂર્વક જીવન જીવવાનું શરૂ કર્યું. તેણે સૌ પ્રથમ કરકસર તો વેશ્યાવાસે વિદાય થતી લક્ષ્મીના વિષયમાં કરી.
કૃતપુણ્ય રૂપ અને રંગના નશામાં ચકચૂર હતો. આવી ચકચૂરતા ધન વિના ક્યાંથી સંભવે ? અનંગસુંદરીની માતા (અક્કા) અને વિશ્વાસુ દાસી કામિની એક ખંડમાં ગુપ્તચર્ચા કરી રહ્યાં હતાં.
કામિનીએ ચોખવટ કરતાં કહ્યું, “માતાજી! કૃતપુણ્ય શેઠના માતા-પિતા મૃત્યુ પામ્યા છે. હવે ધન મળવું પણ બંધ થઈ ગયું છે. આ શેઠને હવે ક્યાં સુધી અહીં રાખવા છે ?’’
અક્કાએ નિસાસો નાખીને કહ્યું, “કામિની મેં અનંગસેના સાથે આ વિષયમાં વાત કરી છે, પરંતુ એ તો કૃતપુણ્યમાં એટલી ગળાડુબ છે કે મારી વાત સાંભળવા જ તૈયાર નથી.''
“માતાજી ! અહીં તો જેની પાસે ધન હોય તે જ રહી શકે. આપ જ કૃતપુણ્ય શેઠને કાઢી મૂકો