________________
१७
અનંગસુંદરીનો સંગ જો કૃતપુણ્યને કરાવવામાં આવે તો તેનો ત્યાગ રંગ હળદરિયા રંગની જેમ ઉડી ગયા વિના નહીં રહે. કહ્યું છે કે; ‘જેવી સોબત તેવી અસર’.
ધનેશ્વર શેઠે કહ્યું, ‘‘દેવી ! તમારી વાત વ્યવહારપ્રિય લોકો માટે પરમ ઉપયોગી છે પરંતુ આપણા પુત્રને આ વાતોની કોઈ પરવાહ નથી. આપણા પુત્રને ઉત્તમ ભાવના છે. તેણે ઉત્તમ માર્ગ પસંદ કર્યો છે. જેમ કોઈ મકાન તૈયાર કરવામાં વર્ષો લાગે, તેમ ઉચ્ચ ભાવનારૂપી ઈમારત બનાવવામાં વર્ષોનો સમય લાગે છે પરંતુ તેને પતિત થવામાં માત્ર થોડીક ક્ષણો પૂરતી છે. આપણો પુત્ર ભાગ્યશાળી છે માટે સન્માર્ગે ચડયો છે, ત્યારે વિના કારણ શા માટે તેના માર્ગમાં બાધારૂપ બનો છો? દેવી! અધમાધમ વૃત્તિનો ત્યાગ કરી પુત્રની શુભ પ્રવૃત્તિની અનુમોદના કરો. તેના રાહના કંટક ન બનો.’’
ધનેશ્વર શેઠે શેઠાણીને સમજાવવાનો ખૂબ પ્રયત્ન કર્યો પરંતુ શેઠાણીએ પોતાની હઠ છોડી નહીં. અંતે એવો નિર્ણય કર્યો કે, ‘ધન્યાથી જ કાર્ય પૂર્ણ થતું હોય તો ગણિકાનો આશરો શા માટે લેવો?’ સુભદ્રા શેઠાણીએ મોકો જોઈ એક દિવસ ધન્યાને બોલાવી કહ્યું. ‘‘વહુ બેટા! પુત્રને પરણાવી અમે લહાવો તો લઈ લીધો પણ પૌત્ર-પૌત્રીને રમાડવાના અમારા કોડ ક્યારે પૂર્ણ થશે? સ્ત્રીને મન માતૃત્વ સિદ્ધિ જ સૌથી મોટી સિદ્ધિ ગણાય.''
ધન્યા કુલીન કન્યા હતી. ધન્યા કૃતપુણ્યના રંગે રંગાઈ ચૂકી હતી. તેણે કહ્યું, ‘‘પૂજ્ય માતાજી! હું પણ આવા ‘લહાવા’ માણવા જ આ ઘરમાં આવી હતી. શરૂઆતમાં ખેદના તરંગો મારા નાનકડા હ્રદયમાં સમાતા ન હતા, પરંતુ જેમ પારસમણિના સંગથી લોઢું બદલાઈ જાય, તેમ આપના વૈરાગી પુત્રના સંગે હું પણ રંગાઈ ગઈ છું. માનવભવની સૌથી મોટી સિદ્ધિ ત્યાગ છે. આપની અનુજ્ઞા અને આશિષ મળી જાય તો આ સિદ્ધિ સદેહે ઉતરી આવે.’’
ધન્યાનો જવાબ સાંભળી સુભદ્રા શેઠાણી છક્ક થઈ ગયાં. ‘કૃતપુણ્યને અનંગસુંદરી(રંગસુંદરીની પુત્રી)નો રંગ લગાડવામાં હવે ઢીલ કરવી બિલકુલ પાલવે તેમ નથી. પુત્ર ! જો દીક્ષા લેશે તો અમારું શું થશે ?' એવું વિચારી સુભદ્રા શેઠાણી સીધા ધનેશ્વરશેઠ પાસે આવ્યા. શેઠાણીને શોકાતુર અને અધીરા જોઈને ધનેશ્વર શેઠ ચમકી ગયા. પ્રિયાની મુખમુદ્રા પર આજે ખેદનાં રજકણો છવાયેલાં હતાં. શેઠાણીનું વદનકમળ કરમાઈ ગયું હતું. શેઠે કહ્યું, ‘‘દેવી ! તમારા દિલની વાત સત્વરે કહો.’’ શેઠાણીનું હૈયું ભરાઈ આવ્યું. આંખોમાંથી ઉનાં ઉનાં આંસું ટપકી પડ્યાં.
શેઠે કહ્યું, ‘‘દેવી ! શું કોઈ અમંગળ થયું છે? શું કોઈ ઉપદ્રવ થયો છે ? જલદી કહો તમારા હૃદયમાં કઈ વાત ઉધમ મચાવી રહી છે ?’’ છેવટે ધીરજ લાવીને ગળગળા અવાજે તેમણે પુત્રવધૂ સાથે થયેલા વાર્તાલાપનો સાર કહી સંભળાવ્યો. સ્ત્રીની હઠ આગળ શેઠ લાચાર બન્યા. તેમણે લોકલજ્જા, કુળની મર્યાદા અને પ્રતિષ્ઠાને પગની એડી નીચે ચગદીને પુત્રને વિલાસી માર્ગે જોડવા તેની જ ઉંમરનાં ચાર-પાંચ વિલાસી મિત્રોને શોધી કાઢયા. આ મિત્રો સાતે વ્યસનોના અઠંગ ખેલાડી હતા.
શેઠે મિત્રોને ભલામણ કરી કે, “કૃતપુણ્યને વિલાસ માર્ગે જોડો. ધનની ચિંતા કરશો નહિ.’’ મિત્રો કૃતપુણ્યને પ્રથમ વસંતોત્સવમાં લઈ ગયા. ત્યાં કેટલીક રમણીઓ કામદેવને ઉત્તેજન કરે