________________
૧૮
તેવી ક્રીડાઓ કરી રહી હતી પરંતુ કૃતપુણ્યને તેમાં રસ ન પડયો. ત્યાંથી મિત્રો સાથે સંગીત શાળામાં ગયો. સંગીતનો સુરીલો નાદ, વીણાનો મધુર ઝંકાર, ગણિકાનું નૃત્ય, તબલાના તાલની જમાવટથી કૃતપુણ્યમાં વિલાસની જ્યોત કંઈક અંશે પ્રગટી. તેની સંગીત પ્રત્યેની રસીકતાને વિલાસી મિત્રોએ પારખી લીધી. કૃતપુણ્યની નબળાઈનો લાભ લઈને વિલાસ-વાટિકાનો રસજ્ઞ બનાવવા મિત્રો તેને ગણિકાના આવાસે લાવ્યા.
અનંગસુંદરી એટલે ધરતી પર રૂપ-સૌંદર્યનું એક છલકાતું સરોવર! જેમ સરોવરના કાંઠે બેસેલું પક્ષી સરોવરમાં ચાંચ બોડ્યા વિના ન જાય, તેમ અનંગસુંદરી પાસે આવેલો ભડવીર પણ તેને માણ્યા વિના જાય, તે બિલકુલ સંભવિત ન હતું. કુદરતે એના શરીર ઉપર રૂપ, દેહલાલિત્ય અને યૌવનને ખુલ્લા હાથે વેર્યું હતું.
યુવાનોએ અનંગસુંદરીની માતા અક્કાની સમક્ષ પોતાનું આવવાનું પ્રયોજન કહ્યું. અક્કાએ અનંગસુંદરીને બોલાવી કહ્યું, ‘‘આ ધનેશ્વર શેઠનો પુત્ર કૃતપુણ્ય છે. શેઠની ફરિયાદ છે કે તેમની પૂત્રવધૂ ધન્યા કૃતપુણ્યને સંસારનો એકડો શીખવી શકી નથી. આજથી આ કામ તારે કરવાનું છે. કૃતપુણ્યને નખશીખ રંગરાગે રંગવાની જવાબદારી તારી છે. તે બદ્દલ શેઠ અઢળક ધન આપવા તૈયાર છે. બોલ, આ કામ તારાથી થશે ?’’
અનંગસુંદરીને પોતાના રૂપનું અને આવડતનું અભિમાન હતું. તેણે ગર્વિષ્ઠ બની કહ્યું, ‘“કૃતપુણ્ય શું નોખી માટીનો ઘડાયો છે? અગ્નિ પાસે મીણને ઓગળવું જ પડે. વિરાગીને રાગી બનાવવો મારા માટે જરાય મુશ્કેલ નથી. કૃતપુણ્ય પર સંસારનો રંગ ચડાવીને જ જંપીશ.''
મિત્રો કૃતપુણ્યને વેશ્યાના પાશમાં સપડાવી બહાનું કાઢી રફુચક્કર થઈ ગયા. તેમણે શેઠને સારા સમાચાર આપી ધન મેળવ્યું.
મિત્રો દ્વારા અનંગસુંદરીની વાત સાંભળી શેઠ-શેઠાણીને હ્રદયે ધરપત થઈ. તેમને થયું કે, ‘આ રંગશાળામાં આવી કૃતપુણ્ય સંસારના સરવાળા-ગુણાકાર કરવામાં જરૂર પાવરધો બની જશે.' કૃતપુણ્યએ રંગમહેલની ભીંતો પર વિવિધ પ્રકારના જાતીયોચિત ચિત્રોનું ચિત્રામણ જોયું. જે પુરુષો અહીં આવતા તે પોતાની રુચિ અનુસાર ચિત્રોનું નિરીક્ષણ કરવામાં તન્મય બની જતા. તે પુરુષની રુચિ આદિને યોગ્ય વર્તાવ બતાવી ગણિકા સત્કાર આદિ દ્વારા ખુશ કરતી અને તેના વર્તનથી ખુશ થઈ પુરુષો પુષ્કળ ધન આપી સંતોષ પ્રગટ કરતા હતા.
કૃતપુણ્યને પોતાની જાત ઉપર અતૂટ વિશ્વાસ હતો કે,‘પોતે લોખંડી માનવ છે, મીણનું પૂતળું નહીં. અનંગસુંદરી મને અંશમાત્ર ન ડગાવી શકે.’ પરંતુ જે નિર્માણ થવાનું હોય તે અવશ્ય થઈને જ રહે
છે.
અનંગસુંદરી ચોસઠ કળામાં પ્રવીણ હતી તેનું રૂપ અપૂર્વ હતું. યૌવનના ઉધાનમાં પ્રવેશી ચૂકેલી શુભ સ્ફટિક સમાન દીપ્તિમાન કાયા, સમુન્નત ભાલ, કેતકીના ફૂલ ૧ જેવાં સુંદર પ્રફુલ્લ નયનો, મહુડાની કળી જેવો કપોલપ્રદેશ, દાડમની કળી જેવી સુડોલ દંતપંક્તિ, જયાકુસુમ જેવા લાલચટક