________________
કલ્પસૂત્ર
જૈનોની શ્વેતામ્બર પરંપરામાં પર્યુષણના દિવસો દરમિયાન ‘કલ્પસૂત્ર’ વાંચનાની પ્રથા સૈકાઓથી ચાલી આવી છે. ‘કલ્પસૂત્ર'નું ખરું નામ ‘પર્યુષણાકલ્પ’ છે. એ ઉપરથી પણ પ્રતીત થાય છે કે આ ગ્રંથની રચના પર્યુષણાપર્વ માટે થયેલી છે. આ ગ્રંથના રચનાર છેલ્લા શ્રુતકેવલી પૂજ્ય શ્રી ભદ્રબાહુસ્વામી છે. વસ્તુત: ‘કલ્પસૂત્ર’ અથવા ‘પર્યુષણાકલ્પ’ એ સ્વતંત્ર ગ્રંથ નથી. પરંતુ ભદ્રબાહુસ્વામીએ રચેલા ‘દશાશ્રુતસ્કંધ' નામના એક વિસ્તૃત ગ્રંથનો તે એક ભાગ છે. ‘દશાશ્રુતસ્કંધ'માં દશ અધ્યયન આપવામાં આવ્યાં છે. એમાંનું આઠમું અધ્યયન તે ‘પર્યુષણાકલ્પ’ છે. આ અધ્યયનનું પઠન-વાંચન પર્યુષણના દિવસોમાં કરવાનો મહિમા હોવાથી એનું મહત્ત્વ એક સ્વતંત્ર ગ્રંથ જેટલું બની ગયું છે.
કલ્પ એટલે આચાર. કલ્પ એટલે નીતિ, વિધિ અથવા સમાચારી. વાચક ઉમાસ્વાતિએ કહ્યું છે તે પ્રમાણે જ્ઞાન, શીલ અને તપની જે વૃદ્ધિ કરે અને દોષોનો નિગ્રહ કરે તે કલ્પ. જૈન શાસ્ત્રોમાં એવા દશ પ્રકારના કલ્પ દર્શાવવામાં આવ્યા છે, જેમ કે આચેલક્યકલ્પ, વ્રતકલ્પ, પ્રતિક્રમણકલ્પ, માસકલ્પ વગેરે. એમાં પર્યુષણાકલ્પ ઘણો મહત્ત્વનો છે, કારણ કે પર્યુષણ એ આરાધનાનું મોટામાં મોટું વાર્ષિક પર્વ છે.
પર્યુષણ એ લોકોત્તર પર્વ મનાય છે. એ પર્વના દિવસો દરમિયાન કલ્પસૂત્રનું વાચન અને શ્રવણ અત્યંત પવિત્ર મનાયું છે. કલ્પસૂત્રનો મહિમા દર્શાવનારાં અનેક વિધાનો પૂર્વાચાર્યોનાં મળે છે. કલ્પસૂત્ર કલ્પવૃક્ષની જેમ મનોવાંછિત ઋદ્ધિ, સમૃદ્ધિ અને આત્મિક સુખ આપે છે. પૂર્વાચાર્યોએ કહ્યું છે કે જે માણસ જિનશાસનની પ્રભાવના કરવાપૂર્વક એકાગ્ર ચિત્તે એકવીસ વાર શ્રદ્ધાસહિત કલ્પસૂત્રનું શ્રવણ કરે છે તે ભવસાગરને જલદી તરી જાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org