Book Title: Jain Darshan Paribhasha Kosh
Author(s): Kundkundacharya, Tarachand Manekchand Ravani
Publisher: Ajit Ravani

View full book text
Previous | Next

Page 2
________________ નિવૃત્તિની અણમોલ નિપજ સતત પ્રવૃત્ત જીવનને અંતે પૂર્ણતયા નિવૃત્તિ લેવાનું આવે તે ઘણાને વસમુ થઇ પડે છે. તેને કારણે કેટલાંક માણસો તો ડિપ્રેશનમાં આવી જાય છે તો વળી કેટલાંકનો સ્વભાવ ચીડીયો થઇ જાય છે. તો બીજી બાજુ થોડાક એવા લોકો પણ જોવા મળે છે કે જેઓ યુવાનીના દિવસોની પ્રવૃત્તિ કરતાં પણ નિવૃત્તિનો ઉત્તમ ઉપયોગ કરી લે છે. આવા અપવાદ જેવા જે થોડાક માણસો જોવા મળે છે તેમાંના એક છે શ્રી તારાચંદભાઇ રવાણી. તેમનો પ્રવૃત્તિકાળ તો ઉજવળ હતો જ પણ તેમનો નિવૃત્તિકાળ તો તેનાથીય ઉજમાળો બની ગયો. શ્રી તારાચંદભાઇ એક સફળ પ્રકાશક હતા. તેમણે તેમની કારકિર્દી દરમિયાન લગભગ ૧૫૦૦ થી ૧૮૦૦ જેટલાં સુંદર અને સરસ પુસ્તકોનું પ્રકાશન કર્યું હતું. વ્યવસાયમાં તેમનું નામ આગલી હરોળમાં હતું. પરંતુ તેમનું સમગ્ર કુટુંબ અમેરિકા સ્થાયી થતાં તેમને પણ અમેરિકા જવાનું થયું. તેથી તેમનો વ્યવસાય સમેટી લઈને તેમણે વિદેશની વાટ પકડી. સ્વભાવે તેઓ અભ્યાસી અને ધર્મ પ્રત્યેની અભિરૂચી પહેલેથી જ તેથી અમેરિકા ગયાપછી તેમણે વિત્ત ઉપાર્જનથી મુક્ત રહીને ધર્મ સાધી તેમણે અહીં-તહીંથી જૈન ધર્મનાં પુસ્તકો મંગાવીને તેનું પરિશીલન કરવા માંડ્યું. દરમિયાન તેમના વાંચવામાં આગમ ગ્રંથો પણ આવતા. આ વાચન દરમિયાન તેમને લાગ્યું કે જૈન ધર્મના પારિભાષિક શબ્દોનો અર્થ સમજ્યા વિના ધર્મના હાર્દને સ્પર્શી શકાય તેમ નથી. વળી તેમણે તે પણ જોયું કે અજૈનો તો શું પણ ધાર્મિક ગણાતા ઘણા જૈનો પણ ધર્મના પારિભાષિક શબ્દોના અર્થ સમજ્યા વિના કેવળ ક્રિયાઓમાં અને વિધિવિધાનોમાં વ્યસ્ત રહે છે. તેથી તેનું જે ફળ મળવું જોઇએ તેનાથી તેઓ વંચિતરહી જાય છે.આ વાત લક્ષમાં આવતા તેમણે અનાયાસે સહજ ભાવે જૈન ધર્મના પારિભાષિક શબ્દોની નોંધ કરવા માંડી અને તે સામે તેના અર્થ લખવા લાગ્યા. તે વખતે તેમના મનમાં આવો કોઇ શબ્દકોશ તૈયાર કરવાનો વિચાર સ્પષ્ટ નહિ પણ અજાણતાં એ દિશામાં તેમના પગરણ થયાં. ધીમે ધીમે તેમની નોંધના કાગળો વધતા જ ગયા. આમને આમ લગભગ વીસેક વર્ષ નીકળી ગયા અને નોંધપાત્રોને ઢગલો થઇ ગયો. દરમિયાન કાળ તો કાળનું કામ કરતો રહ્યો અને શ્રી તારાચંદભાઇ આ લોક છોડીને પરલોક ગમન કરી ગયા. શ્રી તારાચંદભાઇના મૃત્યુ પછી એક વખત તેમના પુત્ર શ્રી અજીતભાઇ રવાણી અને તેમના ભત્રીજા શ્રી અનંતભાઇ રવાણીને વિચાર આવ્યો કે આ શબ્દ-અર્થ ભંડોળ ઘણું કિંમતી છે. સ્વાન્તઃ સુખાય થયેલા શ્રી તારાચંદભાઇના આ ભગીરથ કાર્યને બહુજન હિતાય ગ્રંથસ્થ કરીએ તો જૈન શાસનની અમૂલ્ય સેવા થશે. આ શબ્દ ભંડોળના કાગળો છૂટા-છવાયા આમ તેમ પડેલા અમેરિકામાં અને તેને ગ્રંથસ્થ કરવા માટેની સુવિધા ભારતમાં. આ સંજોગોમાં શ્રી અનંતભાઇએ આ કાર્યની બધી જ જવાબદારી પોતાને શિરે લઇ ગુજરાતના વિદ્વાનોનો સંપર્ક સાધ્યો અને પોતાના સંબંધોને આગળ કરીને આ ભગીરથ કાર્ય શરૂ કરાવ્યું. પરિણામે લગભગ અઢાર વર્ષની જહેમત પછી આ કોશ તૈયાર થયો અને “જૈનદર્શન પરિભાષા કોશ” તરીકે તેનું ડિઝિટલ પ્રકાશન થયું. આ પરિભાષા કોશ ૧૧૫૦ જેટલાં પેજમાં પથરાયેલ છે. દરેક પેજ ઉપર ડબલ કોલમમાં પારિભાષિક શબ્દો અને તેના સરળ અર્થો આપવામાં આવ્યા છે. ઘણી જગ્યાએ તો શબ્દોની વિસ્તૃત સમજ પણ આપવામાં આવી છે. જૈન ધર્મની પાસે અત્યારે આ પ્રકારનો વિસ્તૃત પારિભાષિક શબ્દકોશ ગુજરાતીમાં નથી ત્યારે આ શબ્દકોશ ધર્મના સર્વ જિજ્ઞાસુ અને અભ્યાસી માણસોને અત્યંત ઉપયોગ થઇ પડશે એ વાત નિઃશંક છે. શ્રી તારાચંદભાઇએ જાણતા-અજાણતાં આ ભગીરથ કાર્ય કર્યુ છે અને તેમ કરીને તેમણે ધર્મની ઘણી સેવા કરી છે. તેમના પુત્ર શ્રી અજિતભાઇ રવાણીએ આ શબ્દકોશનું પ્રકાશન કરીને પિતાના કાર્યને દીપાવ્યું છે શાસનની સારી સેવા કરી છે. શ્રી અનંતભાઇ ના સાથ સહયોગ અને પહેલ વિના આ કાર્ય કદાચ ન થઇ શકયું હોત. આવા ધર્મકોશને આવકારતાં મને અત્યંત આનંદ થાય છે. જેને ધર્મના કોઇપણ અભ્યાસીને આ કોશ ઘણો સહાયક થઇ પડશે તેની મને ખાત્રી છે. - ચંદ્રહાસ ત્રિવેદી

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 ... 1117