Book Title: Gyansara Gyanmanjarivrutti
Author(s): Yashovijay Upadhyay, Devvachak, Ramyarenu
Publisher: Kailashnagar Jain Sangh Surat
View full book text
________________
પરિભાષાથી એટલી બધી મંડિત અને વ્યાપ્ત હોય કે તેનો ગૂઢ મર્મ પકડવા જતાં ભલભલા ગોટે ચડી જાય. સ્વભાવ-રમણતા અને વિભાવ-વિમુખતાની પરમ પરિસીમાએ આરૂઢ થયેલા સાધકના ભાવ-ભાષા-સમજવાનું, સ્વભાવવિમુખ અને વિભાવાભિમુખ એવા આપણી મતિનું ગજું પણ કેટલું હોય?
આમ છતાં, આવા સાધકપુરુષની આવી તત્ત્વમય ગ્રંથરચનાનું સંપાદન કરવાની હામ એક સાધ્વીજી મહારાજ ભીડે, તે જેટલું આશ્ચર્યજનક બને, તેટલું જ આનંદદાયક પણ અવશ્ય બની રહે તેમ છે. આવું શ્રમસાધ્ય કામ હાથ ધરવા બદલ અને તેને યથામતિ-શક્તિ પાર પાડવા બદલ તેમને અંતરથી અભિનંદન ! પોતાના પૂજ્ય ગુરુભગવંતોના આશીર્વાદ અને અનુગ્રહ સિવાય આ કાર્ય પાર પાડવાનું તેમને માટે શક્ય ન જ બન્યું હોત. એટલે તેમને આવા કાર્યમાં જોડનાર, પ્રેરનાર તથા દોરવણી આપનાર ગુરુજનોને પણ હાર્દિક અભિનન્દન આપવાં ઘટે. સાથે સાથે, આવાં, સ્વાધ્યાય અને સંશોધનનાં કાર્ય માટે અવકાશ, અવસર અને માર્ગદર્શન આપનાર, તેમના આચાર્ય ભગવંતોને પણ ઘણાં અભિનન્દન ઘટે છે.
એકંદરે સંપાદન રૂડું થયું જ છે, છતાં, સમગ્રપણે ઝીણી નજરે નિહાળતાં એમ થાય છે કે હજી પણ સંપાદિકાને વધુ માર્ગદર્શન મળ્યું હોત, તો આ સંપાદન હજી પણ રૂડું નીપજી શક્યું હોત. જો કે જે કામ થયું છે તે પણ ઓછું કે નબળું નથી જ. ખરેખર તો બૌદ્ધિક ભારે પરિશ્રમ વડે જ થઈ શકે તેવું કાર્ય આ સાધ્વીજીએ કર્યું છે, જે માટે અધ્યાત્મપિપાસુઓ તેમના ઓશીંગણ રહેશે.
આવાં બીજા અનેક કાર્યો તેઓના હાથે થાય તેવી શુભાશીષો તથા મંગલ ભાવના વ્યક્ત કરીને વિરમું છું. વિ.સં. ૨૦૬૪, શ્રાવણી પૂનમ અમદાવાદ
(૨૧)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org