________________
બાધકભાવ કઈ રીતે સંગત થાય છે તે જણાવીને કાળવિશેષે તેની બાધ્યબાધતા જણાવાય છે
इत्थं परस्परापेक्षावपि द्वौ बाध्यबाधकौ । प्रायोऽत्र चरमावर्ते, दैवं यत्नेन बाध्यते ॥१७-२६॥
આ રીતે પ્રવાહની અપેક્ષાએ દેવ અને પુરુષકાર પરસ્પર સાપેક્ષ હેતુ હોવા છતાં બન્ને પરસ્પર બાધ્ય અને બાધક બને છે. પ્રાયે કરી ચરમાવર્તકાળમાં પ્રયત્નથી દૈવ બાધિત થાય છે.”-આ પ્રમાણે છવ્વીસમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય સ્પષ્ટ છે કે અત્યાર સુધી પૂર્વ શ્લોકોથી જણાવ્યા મુજબ દૈવ અને પુરુષકાર : બંન્ને પરસ્પર સાપેક્ષ રીતે ફળની પ્રત્યે કારણ હોવાથી જ ઉપર જણાવ્યા મુજબ પોતાના પ્રાધાન્યની અપેક્ષાએ બીજાના બાધક પણ થાય છે. અન્યથા બેમાંથી એક જ કારણ હોય અને તેને બીજાની અપેક્ષા ન હોય તો તે અકારણનો બાધ થવાનો પ્રસગ્ન જ નહીં આવે. કારણ કે જે કારણ જ ન હોય તો તેનો કોઈ કઈ રીતે બાધ કરે ? જે; એમાં પ્રધાન કારણ હોય છે, તે; બીજા અપ્રધાનનો બાધ કરે છે.
ચરમાવર્તકાળમાં પ્રાયે કરી દૈવનો બાધ પુરુષકાર(પ્રયત્ન)થી થાય છે. ગમે તેવું કર્મ હોય તો પણ મોટા ભાગે પુરુષકારથી તેનો બાધ થતો હોય છે. કોઈ વાર શ્રીનંદિષણ મુનિ વગેરેની જેમ તેવા પ્રકારની કર્મની સફલિષ્ટ અવસ્થામાં પુરુષકારથી કર્મનો બાધ થતો નથી. તેને લઈને વ્યભિચાર ન આવે એ માટે શ્લોકમાં પ્રાયઃ આ પદનું ઉપાદાન કર્યું છે.