________________
ભાવના સુધારે ભવોભવ
ભાવના સુધારે ભવોભવ
વિરાધના કરતો હોય તો નીચે ઊતરે. પણ અપરાધ કરતો હોય, તે બેઉ બાજુ માર ખાય. અપરાધવાળો પોતે આગળ વધે નહિ ને કોઈને વધવા દે નહિ. એ અપરાધી કહેવાય.
પ્રશ્નકર્તા અને વિરાધનામાંય કોઈને આગળ વધવા ના દેને ?
દાદાશ્રી : પણ વિરાધનાવાળો સારો. કોઈકે જાણ્યું તો પછી એ કહે કે, “શું જોઈને તમે આમ ચાલ્યા ? આ બાજુ અમદાવાદ હોતું હશે ?!” તો પાછો ય ફરે પણ અપરાધી તો પાછો ય ના ફરે ને આગળ વધે ય નહીં. વિરાધનાવાળો તો ઊંધો ચાલે પણ પડી જાય !
પ્રશ્નકર્તા : પણ પાછા ફરવાનો ચાન્સ ખરો વિરાધનાવાળાને ? દાદાશ્રી : હા, પાછા ફરવાનો ચાન્સ તો ખરોને ! પ્રશ્નકર્તા : અપરાધવાળાને પાછા ફરવાનો ચાન્સ ખરોને ?
દાદાશ્રી : એ તો પાછો જ નથી ફરતો ને આગળ વધતો નથી. એનું કોઈ ધોરણ જ નહીં. આગળ વધે નહીં ને પાછળ જાય નહીં. જ્યારે જુઓ ત્યારે ત્યાં ને ત્યાં જ, એનું નામ અપરાધ.
પ્રશ્નકર્તા : અપરાધની ડેફિનેશન શી છે?
દાદાશ્રી : વિરાધના એ ઇચ્છા વગર થાય અને અપરાધ ઇચ્છાપૂર્વક થાય.
પ્રશ્નકર્તા : એ કઈ રીતે થાય, દાદા ?
દાદાશ્રી: તંતે ચઢ્યો હોય તો એ અપરાધ કરી બેસે. જાણે કે અહીં વિરાધના કરવા જેવું નથી છતાં વિરાધના કરે. જાણે છતાં વિરાધના કરે એ અપરાધમાં જાય. વિરાધનાવાળો છૂટે, પણ અપરાધવાળો ના છૂટે. બહુ તીવ્ર ભારે અહંકાર હોય, તે અપરાધ કરી બેસે. એટલે આપણે પોતાની જાતને કહેવું પડે કે, ‘ભાઈ, તું તો ગાંડો છે. અમથો પાવર લઈને ચાલે
છે. આ તો લોક નથી જાણતા પણ હું જાણું છું કે તું કેવો છે ? તું તો ચક્કર છે.’ આ તો આપણે ઉપાય કરવો પડે. પ્લસ અને માઈનસ કરવું પડે, એકલા ગુણાકાર હોય તો ક્યાં પહોંચે ? એટલે આપણે ભાગાકાર કરવા. સરવાળા-બાદબાકી નેચરને આધીન છે, જ્યારે ગુણાકારભાગાકાર મનુષ્યના હાથમાં છે. આ અહંકારથી સાતનો ગુણાકાર થતો હોય તો સાતથી ભાગી નાખવાનો એટલે નિઃશેષ !
પ્રશ્નકર્તા: કોઈની નિંદા કરીએ એ શેમાં આવી જાય ?
દાદાશ્રી : નિંદા એ વિરાધનામાં ગણાય. પણ પ્રતિક્રમણ કરીએ તો જતું રહે. એ અવર્ણવાદ જેવું છે. તેથી તો આપણે કહીએ છીએ કે કોઈની નિંદા ના કરીશ. તોયે લોકો પાછળથી નિંદા કરે છે. અલ્યા, નિંદા ના કરાય. આ વાતાવરણમાં બધા પરમાણુઓ જ ભરેલા છે. પહોંચી જાય છે બધું. કશું એક શબ્દ પણ કોઈનાં માટે બેજવાબદારીવાળો ના બોલાય. અને બોલવું હોય તો કંઈક સારું બોલ. કીર્તિ બોલ, અપકીર્તિ ના બોલીશ.
એટલે કોઈની નિંદામાં ના પડવું. કીર્તન ના કરાય તો વાંધો નહીં, પણ નિંદામાં ના પડશો. હું કહું છું કે નિંદા કરવામાં આપણને શો ફાયદો ? એમાં તો બહુ નુકસાન છે. જબરજસ્ત નુકસાન જો કદી આ જગતમાં હોય તો નિંદા કરવામાં છે. એટલે કોઈનીય નિંદા કરવાનું કારણ ના હોવું જોઈએ.
અહીં નિંદા જેવી વસ્તુ જ ના હોય. આપણે સમજવા માટે વાતો કરીએ છીએ, શું ખરું ને શું ખોટું ! ભગવાને શું કહ્યું? કે ખોટાને ખોટું જાણ ને સારાને સારું જાણ. પણ ખોટું જાણતી વખતે એની પર કિંચિત્માત્ર દ્વષ ના રહેવો જોઈએ અને સારું જાણતી વખતે એની પર કિંચિત્માત્ર રાગ ના રહેવો જોઈએ. ખોટાને ખોટું ના જાણીએ તો સારાને સારું જાણી શકાય નહીં. એટલે વિગતવાર આપણે વાત કરવાની. જ્ઞાનીની પાસે જ જ્ઞાન સમજાય.