________________
ભાવના સુધારે ભવોભવ
ભાવના સુધારે ભવોભવ
પ્રશ્નકર્તા પણ અમલમાં લાવવા માટે એમાં લખેલું છે, એવું કરવું પડશે ને ?
દાદાશ્રી : ના. આ વાંચવાનું જ. અમલ, એની મેળે જ આવી જશે. એટલે આ ચોપડી તમારે જોડે ને જોડે મૂકવી અને વાંચવી રોજ. તમને બધું આમાંનું જ્ઞાન આવડી જશે. આ રોજ વાંચતાં વાંચતાં એની પ્રેક્ટિસ થઈ જશે. તે રૂપ થઈ જશો. આજે એવું ના ખબર પડે કે આમાં મને શું ફાયદો થયો ! પણ ધીમે ધીમે તમને “એક્ઝક્ટ’ થઈ જશે.
આ શક્તિ માગવાથી પછી એનું ફળ આવીને ઊભું રહેશે વર્તનમાં. એટલે તમારે ‘દાદા ભગવાન” પાસે શક્તિઓ માગવાની. અને પાર વગરની અનંતી શક્તિ છે ‘દાદા ભગવાન' પાસે, જે માગો એ મળે એવી ! એટલે આ માગવાથી શું થશે ?
પ્રશ્નકર્તા : શક્તિ મળશે !
દાદાશ્રી : હા. આ પાળવાની શક્તિ આવશે ને ત્યાર પછી પળાશે. એ એમ ને એમ નહીં પળાય. એટલે તમારે આ શક્તિ માગ માગ કરવાની. બીજું કશું કરવાનું નથી, લખ્યું છે એવું એકદમ થાય નહીં અને એ થશે પણ નહીં. તમારાથી જેટલું થાય એટલું જાણવું કે થાય છે ને આટલું નથી થતું, તેની ક્ષમા માગવી. અને જોડે જોડે આ શક્તિ માગવાની એટલે શક્તિ મળશે.
શક્તિ માંગી સાધો કામ ! એક ભાઈને મેં કહ્યું કે આ નવ કલમોમાં બધું આવી ગયું. આમાં કશું બાકી રાખ્યું નથી. તમે આ નવ કલમો રોજ વાંચજો !” પછી એ કહે છે, ‘પણ આ થાય નહીં.” મેં કહ્યું, ‘હું કરવાનું નથી કહેતો, બળ્યું.” થાય નહીં એવું ક્યાં કહો છો ? તમારે તો એટલું કહેવાનું કે “હે દાદા ભગવાન, મને શક્તિ આપો.” શક્તિ માંગવાનું કહું છું. ત્યારે કહે, “આ તો મજા આવશે !” લોકોએ તો કરવાનું શીખવાડ્યું છે.
પછી મને કહે છે, “એ શક્તિ કોણ આપશે ?” મેં કહ્યું, ‘શક્તિઓ હું આપીશ.' તમે માગો એ શક્તિઓ આપવા તૈયાર છું. તમને પોતાને માગતા જ ના આવડે, ત્યારે મારે આવી રીતે શીખવવું પડે કે આવી રીતે શક્તિ માગજો. ના શીખવવું પડે ? જુઓ ને, આ શીખવાડ્યું જ છે ને બધું ? આ મારું શીખવાડેલું જ છે ને ? એટલે એ સમજી ગયા, પછી કહે છે આટલું તો થાય, આમાં બધું આવી ગયું !
આ કરવાનું નથી તમારે. તમે જરાય કરશો નહીં. નિરાંતે રોજના કરતા બે રોટલી વધારે ખાજો, પણ આ શક્તિ માંગો. ત્યારે મને કહે છે, “એ વાત મને ગમી.”
પ્રશ્નકર્તા : પહેલાં તો એ જ શંકા હોય કે શક્તિ માગે તો મળે કે નહીં ?
દાદાશ્રી : એ જ શંકા ખોટી ઠર્યા કરે. હવે એ શક્તિ માગ્યા કરે છે ને ! એટલે એ તમારે શક્તિ મહીં ઉત્પન્ન થયા પછી એ શક્તિ જ કાર્ય કરાવશે. તમારે કરવાનું નહીં. તમે કરશો તો ઇગોઇઝમ વધી જશે. “હું કરવા જઉં છું ને પછી થતું નથી” એવું થશે પાછું. એટલે પેલી શક્તિ માગો.
પ્રશ્નકર્તા: આ નવ કલમોમાં આપણે શક્તિઓ માગીએ છીએ કે આવું ન કરાય, ન કરાવાય કે ન અનુમોદાય, એટલે એનો અર્થ એવો કે ભવિષ્યમાં આવું ન થાય એના માટે આપણે શક્તિઓ માંગીએ છીએ કે પછી આપણે પાછલું કરેલું ધોવાઈ જાય એના માટે છે આ ?
દાદાશ્રી : એ ધોવાય અને શક્તિ ઉત્પન્ન થાય. શક્તિ તો છે જ, પણ એ ધોવાવાથી એ શક્તિ વ્યક્ત થાય. શક્તિ તો છે જ પણ વ્યક્ત થવી જોઈએ. તેથી દાદા ભગવાનની કૃપા માગીએ છીએ, આ અમારું ધોવાય તો શક્તિ વ્યક્ત થઈ જાય.
પ્રશ્નકર્તા: આ વાંચ્યને એ બધું, એક જબરજસ્ત વાત છે આ તો. નાનો માણસેય સમજી જાય તો આખી જિંદગી એની સુખમય જાય.