________________
ભાવના સુધારે ભવોભવ
ભાવના સુધારે ભવોભવ
પ્રશ્નકર્તા : આમાં મરેલાઓને પણ આપણે જે ક્ષમાપના કરીએ છીએ, આપણે જે કંઈ સંબોધન કરીએ, એ એને પહોંચે ખરું?
દાદાશ્રી : એને પહોંચાડવાનું નથી. એ માણસ મરી ગયો અને તમે અત્યારે એના નામની ગાળો ભાંડો, તો તમે ભયંકર દોષમાં પડો. આમાં એવું કહેવા માગે છે. એટલે અમે ના કહીએ છીએ કે મરી ગયેલાનું પણ નામ ના દેવું. બાકી પહોંચાડવા – ના પહોંચાડવાનો સવાલ નથી. ખરાબ માણસ હોય અને બધું ઊંધું કરીને મરી ગયો, પણ એનું ભૂંડું પછી ના બોલવું
અત્યારે રાવણનું અવળું ન બોલાય. કારણ કે હજુ એ દેહધારી છે. એટલે એને ‘ફોન’ પહોંચી જાય. ‘રાવણ આવો હતો ને તેવો હતો’ બોલે, તેને પહોંચી જાય.
આપણા કોઈ સગાવહાલાં મરી ગયેલાં હોય અને તેની લોકો નિંદા કરતા હોય, તો આપણે વચ્ચે નહીં ભળવું. વચ્ચે ભળ્યા હોય તો આપણે પછી પસ્તાવો કરવો કે આવું ન થવું જોઈએ. કોઈ મરી ગયેલા માણસની વાતો કરવી એ ભયંકર ગુનો છે. જે મરી ગયો હોય, એનેય આપણા લોક તો છોડતા નથી. એવું કરે કે ના કરે લોકો ? તે એવું ના જોઈએ, આપણે એવું કહેવા માગીએ છીએ. એમાં બહુ મોટું જોખમ છે.
તે વખતે પહેલાંના ‘ઓપીનિયન’થી આ બોલાઈ જવાય. તે આ કલમ બોલતા જાવ, તો પેલી વાત બોલાય તો દોષ ના બેસે. આ હુક્કો પીતા જઈએ અને બોલતા જઈએ કે ‘ના પીવાય, ના પીવડાવાય ને કર્તા પ્રત્યે ન અનુમોદાય તેવી શક્તિ આપો.' તો એનાથી કરારો છૂટા થાય, નહીં તો પુદ્ગલનો સ્વભાવ ગુલાંટ મારવાનો છે. એટલે આ ભાવના ભાવવાની.
જગત કલ્યાણ કરવાની શક્તિ આપો ! પ્રશ્નકર્તા : ૯. “હે દાદા ભગવાન ! મને જગતકલ્યાણ કરવાનું નિમિત્ત બનવાની પરમ શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો.' આપણે આ કલ્યાણની ભાવના કરીએ, તો એ કઈ રીતે કામ કરે ?
દાદાશ્રી : તમારો શબ્દ એવો નીકળે કે પેલાનું કામ થઈ જાય. પ્રશ્નકર્તા : પૌગલિક કે ‘રિયલ’નાં કલ્યાણની આપ વાત કરો છો?
દાદાશ્રી : પુદ્ગલનું નહીં, આપણે તો ‘રિયલ’ ભણી જાય તેની જ જરૂર. પછી ‘રિયલ’ના સહારાથી આગળ થઈ જાય. આ ‘રિયલ’ મળે તો પેલું ‘રિલેટિવ' મળે જ ! આખા જગતનું કલ્યાણ કરો એવી ભાવના કેળવવાની. એ ગાવા ખાતર બોલવાનું નહીં, ભાવના ભાવવી. આ તો લોકો ગાવા ખાતર ગાય, જેમ શ્લોક બોલતા હોય એવું.
પ્રશ્નકર્તા : સાવ નવરો બેઠો હોય તો એના કરતાં આવી ભાવના ભાવે તો એ ઉત્તમ કહેવાય ?
દાદાશ્રી : બહુ સરસ. ખરાબ ભાવ તો ઊડી ગયા ! એમાંથી જેટલું થયું એટલું ખરું, એટલું તો કમાયા !
પ્રશ્નકર્તા : એ ભાવનાને મિકેનિકલ ભાવના કહી શકાય ?
દાદાશ્રી : ના. મિકેનિકલ કેમ કહેવાય ? મિકેનિકલ તો એ વધારે પડતો એમ ને એમ પોતાને ખ્યાલમાં ના રહે ને બોલ્યા કરતો હોય તો મિકેનિકલી !
આમાં કરવાનું કશું નથી ! પ્રશ્નકર્તા: આમાં લખ્યું છે કે “મને શક્તિ આપો, શક્તિ આપો', તો એવું વાંચીએ તો આપણને શક્તિ મળી જાય ?
દાદાશ્રી : ચોક્કસ ! આ “જ્ઞાની પુરુષ’ના શબ્દો છે !! વડાપ્રધાનની ચિઠ્ઠી હોય અને અહીં આગળના એક વેપારીની ચિઠ્ઠી હોય, એમાં ફેર નહીં ?! કેમ બોલ્યા નહીં તમે ? હા, એટલે આ ‘જ્ઞાની પુરુષ’નું છે. આમાં બુદ્ધિ વાપરે તો માણસ ગાંડો થઈ જાય. આ તો બુદ્ધિ બહારની વસ્તુઓ છે.