________________
૨૭
કાશીરાજને એવું મન થયું છે કે આ કામ હવે એ આવીને કરે; એટલે જો કોઈ બીજાં આવીને આવું સારું કામ કરતું હોય તો મારે એને એ સોંપવું જોઈએ; આથી હું હવે છૂટો થાઉં છું. મારે લડીને અને પ્રજાનું લોહી રેડાવીને રાજ્ય નથી કરવું.” આ એક નાનકડી વાર્તાનો તમે વિચાર કરો. એમાં ક્ષમા અને પ્રેમની વાત રહેલી છે. આપણા આત્મામાં જે દિવ્યત્વ પડ્યું છે, એની આ વાતમાં ઓળખાણ છે.
પ્રજાજનો તો રાજાની આ વાત સાંભળીને કહે:
“રાજન્, તમારે માટે, તમારી ખાતર તો અમારાં માથાં આપવા અમે તૈયાર છીએ. હુકમ આપો. અમે કાશીલરાજ સામે લડી લઈએ.”
કોશલરાજે કહ્યું: “મિત્રો! પ્રેમ અને ક્ષમા કોઈ દિવસ કોઈનાં માથાં માગતાં નથી. એ તો પ્રેમથી પોતાનું અર્પણ કરે છે.
“જેને રાજ્ય જોઈતું હોય, જેને સત્તા જોઈતી હોય એ રાજા માથાં માગેઃ મારે કાંઈ જોઈતું નથી. હું તો તમારો સેવક હતો.”