________________
(૧.૧) પ્રતિષ્ઠિત આત્માનું સ્વરૂપ
‘હું ચંદુ’થી ગયો આઉટ, ‘હું શુદ્ધાત્મા’થી થાય પાછો ઈત
પ્રશ્નકર્તા : ‘હું શુદ્ધાત્મા છું' એ કહેનાર પણ પ્રતિષ્ઠિત આત્મા ? પેલો પ્રતિષ્ઠિત આત્મા, ‘હું શુદ્ધાત્મા છું’ એવી ભજના કરે છે અને પ્રતિષ્ઠિત આત્મા પછી શુદ્ધાત્મા થઈ જાય છે ?
૧૩
દાદાશ્રી : પ્રતિષ્ઠિત એટલે આપણે માનેલો આત્મા. માનેલો છે પણ આપણે ‘હું ચંદુભાઈ' બોલ્યા કે એ જીવતો થયો. એ પાછો માનેલો આપણે આમ ‘હું શુદ્ધાત્મા-શુદ્ધાત્મા' કરોને એટલે મૂળ આત્મામાં પેસી જાય પાછો. રોંગ બિલીફથી આમાંથી બહાર પેઠો ને રાઈટ બિલીફથી બહારથી અંદર પેસી જાય પાછો, એટલે ત્યાં ખલાસ થાય. આપણે જેમ આ મૂર્તિમાં પ્રતિષ્ઠા કરીએ, તે એમાં ચેતન મૂકીએ. પછી પાછું એમ કહે કે ‘હું જ શુદ્ધાત્મા છું’ તો શુદ્ધાત્મામાં પેસી જાય. એ તો માન્યતા હતી ખાલી, પણ ચેતનની જ માન્યતાને. તેથી આ આખી દુનિયા ઊભી થઈ જાય. આ ચેતનની માન્યતાથી જ, ખાલી બિલીફ બેઠી છે તેનાથી, જ્ઞાનથી નહીં.
જેમ રાત્રે તું સૂઈ ગયો હોય ને જોડેના રૂમમાં ખખડાટ થાય તો તને મનમાં એમ થાય કે ભૂત આવ્યું કે શું ? તો પછી આખી રાત ઊંઘ આવે તને એકલાને ? હવે ત્યાં ખરેખર કશું નથી પણ બિલીફ, તે બિલીફ કેટલું બધું કાર્ય કરે છે !
એવું આ બિલીફથી તું સંસારમાં ફસાઈ ગયો હતો, તો જોને કેટલો બધો દુ:ખી થઈ ગયો હતો, નહીં ? હવે છે દુઃખ ?
પ્રશ્નકર્તા ઃ ના.