Book Title: Anandghan ni Atmanubhuti 06
Author(s): Kalyanbodhivijay
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 9
________________ આત્માનુભૂતિના રસિકનો આ વિસ્મયજનક વૃત્તાંત અમે સાંભળ્યો છે, કે એ નિર્વેદી હોવા છતાં ય વેદન કરે છે, એટલું જ નહીં, પણ અનંત વેદન કરે છે. ।।સાખી ।। હજારો શાસ્ત્રો, લાખો ઉપદેશો કે સેંકડો પ્રેરણાઓ જે ફળ ન લાવી શકે એ ફળ લાવી શકે છે ‘રસ’. અલબત્ત શાસ્ત્ર વગેરેનું પ્રયોજન પણ ‘રસ’નો આવિર્ભાવ કરવાનું છે. રસ એટલે સહજ પક્ષપાત, રસ એટલે આંતરિક અભિરુચિ, રસ એટલે નૈસર્ગિક લગાવ. એક વાર આત્માનુભૂતિનો રસ જાગે, પછી એ દિશામાં સહજ પુરુષાર્થ થાય છે. એ પુરુષાર્થ જેમ જેમ થતો જાય, તેમ તેમ આત્મા પર લાગેલા આવરણો ધોવાતા જાય, આત્મરમણતા વિશુદ્ધતર બનતી જાય, અને ક્રમશઃ વીતરાગતાની પ્રાપ્તિ થાય. આ રીતે આત્માનુભૂતિનો રસ વીતરાગતામાં પરિણમે છે. આ જ વાતને બીજા શબ્દોમાં કહીએ, તો ‘આત્માનુભૂતિનો રસિક વીતરાગ બની જાય છે.’ રાગને કારણે વિષયાભિલાષા થાય છે. ભોગતૃષ્ણા જાગે છે. જેને શાસ્ત્રીય પરિભાષામાં વેદ કહે છે. વેદના ત્રણ પ્રકાર છે - (૧) પુરુષવેદ :- જેનાથી સ્ત્રીભોગની ઇચ્છા થાય. (૨) સ્ત્રીવેદ :- જેનાથી પુરુષભોગની ઇચ્છા થાય. (૩) નપુંસકવેદ :- જેનાથી સ્ત્રી-પુરુષ બંનેના ભોગની ઇચ્છા થાય. વીતરાગને આ ત્રણમાંથી એક પણ વેદ હોતો નથી. માટે તે નિર્વેદી કહેવાય છે. મહોપાધ્યાયજીએ પરમાત્માની સ્તવના કરતા કહ્યું છે – અપૂર્વકરણ ગુણસ્થાનક સુખકર, શ્રેણિ ક્ષપક મંડવાઇ, વેદ તીનો કા છેદ કરાકર, ક્ષીણમોહી બનવાઈ સખી રી આજ જીવન્મુક્તિ દિલાઇ રે આજ આનંદ કી ઘડી આઈ... ક્ષપકશ્રેણિ પર આરોહણ કર્યા બાદ જ્યારે વેદમોહનીય કર્મનો ક્ષય કરવામાં આવે છે, ત્યારે ક્ષીણમોહવીતરાગ ગુણસ્થાનકની પ્રાપ્તિ થાય છે. જ્યાં વર્તમાનમાં રાગની સંવેદના નથી, અને ભવિષ્યમાં રાગની શક્યતા પણ નથી. કારણ કે મોહનીય કર્મને મૂળમાંથી ઉખેડી દીધું છે. માટે વીતરાગ પરમાત્મા સંપૂર્ણતયા નિર્વેદી છે. આશ્ચર્યની વાત હવે આવે છે. निर्वेदी वेदन करे નિર્વેદી = વેદરહિત. એ વેદન કરે, એ વિસ્મયની વાત છે. જો નિર્વેદી છે, તો પછી એ વેદન શી રીતે કરી શકે? અને જો વેદન કરે છે, તો એમને નિર્વેદી શી રીતે કહી શકાય? સમાધાન એ છે કે અહીં જે વેદન છે, એને ભોગતૃષ્ણારૂપ નથી સમજવાનું, પણ આત્મસંવેદનરૂપ કે જ્ઞતિક્રિયારૂપ સમજવાનું છે. ભોગતૃષ્ણાથી રહિત છે, માટે વીતરાગ ભગવંત નિર્વેદી છે, સાથે સાથે જ આત્માનુભૂતિમાં મગ્ન છે, તથા જ્ઞાતાભાવે પરિણત છે, માટે વેદન કરે છે. એટલું જ નહીં આત્માના અનંત ગુણોનું સંવેદન કરે છે. અનંત દ્રવ્ય-પર્યાયોનું જ્ઞાન કરે છે, માટે એમની સંવેદના અનંત છે. वेदन करे अनंत

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32