________________
૯૪
અમૃતવેલની સઝાય તેથી તે ચોરનું મારણ કરવું જ ઉચિત છે. ધર્મને ધારણ કરતાં અને મોહરાજા રૂપી ચોરને મારતાં જ્ઞાનાવરણીયાદિ અષ્ટવિધ કર્મો આત્મામાં રહેતાં નથી. અર્થાત્ કર્મોનો નાશ થાય છે. તેનાથી અવશ્ય મુક્તિપ્રાપ્તિ થાય છે. આ રીતે મોહને મારવો આ બીજો ઉપાય છે.
(૩) જૈનશાસ્ત્રોનું નિરંતર અધ્યયન કરવાથી જ્ઞાનની સાથે સાથે વૈરાગ્યની વૃદ્ધિ થાય છે તે જ્ઞાન રૂપી પાણીથી વીતરાગ પરમાત્મા પ્રત્યેની શ્રદ્ધા રૂપી વેલડી ઘણો જ વિસ્તાર પામે છે. માટે વધારેમાં વધારે હે જીવ! તું સ્વાધ્યાય કર, શાસ્ત્રોનો અભ્યાસ કર, વિશાળ જ્ઞાનદશા પ્રાપ્ત કર. સમ્યજ્ઞાન અને શ્રદ્ધાનું બલ વધતાં કર્મોનું જોર ઘટી જાય છે. જે આત્માઓમાં સમ્યજ્ઞાન અને સમ્યગ્દર્શનનો વિકાસ થાય છે. તેમાં કર્મો સઘળાં ય અકિંચિત્કર બની જાય છે. માટે હે જીવ! તું તારા જીવનમાં મુક્તિપ્રાપ્તિના આ ત્રણે ઉપાયો અપનાવ. અર્થાત્ સ્વીકાર કર. આ ત્રણે ઉપાયોથી કર્મરાજાનું જોર ઘટી જતાં આ જીવની તુરત જ નિયમા મુક્તિ થાય છે. રદી રાગ વિષ દોષ ઉતારતા, ઝારતા ઠેષ રસ શેષ રે ! પૂર્વ મુનિ વચન સંભારતાં, વારતા કર્મ નિઃશેષ રે !
ચેતન ! જ્ઞાન અજુવાળીએ III