Book Title: Agam 08 Ang 08 Antkrutdashang Sutra Sthanakvasi
Author(s): Bhartibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
| વર્ગ ૩ /અધ્ય.૮
_
૯૧
|
ભાવાર્થ:- આ પ્રમાણે હે જંબૂ! શ્રમણ ભગવાન મહાવીરે આઠમા અંગ અંતગડદશા સૂત્રના ત્રીજા વર્ગના આઠમા અધ્યયનનો આ અર્થ પ્રતિપાદિત કર્યો છે.
વિવેચન :
શિક્ષા પ્રેરણાઃ- (૧) વીતરાગી ભગવાન અરિષ્ટનેમિએ સોમિલ બ્રાહ્મના કુકૃત્યને પણ શ્રી કૃષ્ણ સન્મુખ ગુણ રૂપે પ્રગટ કર્યું. (૨) મહાપુરુષોના સત્સંગથી પ્રચંડ કોપ પણ નિષ્ફળ થઈ જાય છે. (૩) કુકર્મ કરતી વખતે વ્યક્તિ ભવિષ્યનો વિચાર નથી કરતી અને કકર્યો કર્યા પછી ભયભીત બને છે અને વિચાર કરે છે. પરંતુ પાછળથી વિચારો કરવા તેના માટે નિરર્થક જ હોય છે. અતઃ પહેલાં વિચારીને પછી જ કામ કરવું જોઈએ, જેથી પાછળથી પસ્તાવું ન પડે. સોમિલે જો પહેલેથી જ એવો વિચાર કર્યો હોત કે "હું છુપાઈને પણ પાપ કરીશ તોપણ સર્વજ્ઞ ભગવાન તો જાણી જ લેશે." તો તે ઘોર પાપકૃત્યથી બચી શકત.
(૪) કૃષ્ણ સોમિલની કન્યાને ગજસુકુમાલ માટે "કુંવારી કન્યાઓના" અંતઃપુરમાં જ રાખી હતી. ગજસુકુમાલ દીક્ષા લઈ લે તોપણ કુંવારી કન્યાની અન્ય કોઈ સાથે પણ પાણિગ્રહણ વિધિ થઈ શકે. પ્રચંડ ગુસ્સો કરવો કે મુનિની વાત કરવી એવો કોઈ પ્રશ્ન જ નહોતો. પરંતુ વર્તમાન સમયે કોઈ ખાસ કારણ ન હોય તેમ છતાં પૂર્વ ભવનાં કોઈ ઉત્કૃષ્ટ નિમિત્તો મળી જતાં હોય છે. સોમિલના કોપનું મુખ્ય કારણ પણ પૂર્વભવનું વેર જ હતું. ગજસુકમાલના જીવે પૂર્વ ભવમાં સોમિલના મસ્તક પર ગરમાગરમ રોટલો બંધાવીને તેના પ્રાણોનું હરણ કરાવ્યું અને ખુશીનો અનુભવ કર્યો હતો. તે જ કર્મો ઉદયમાં આવ્યાં હતાં. તેને ગજસુકુમાલે પોતાના કર્મોનું કર્જ ચૂકવવાનું સમજીને સહર્ષ સ્વીકારી લીધાં. તે ઘટના લાખો ભવો પહેલાની હતી તે જ આશયથી આ સૂત્રમાં કહેવામાં આવ્યું છે કે લાખો ભવોના સંચિત કર્મોની સોમિલે ઉદીરણા કરાવી અને ક્ષય કરવામાં નિમિત્ત બન્યો.
(૫) પાપી વ્યક્તિ પોતાના પાપોના ભારથી સ્વતઃ જ સોમિલની જેમ દુઃખી થાય છે અને લોકોમાં નિંદાને પાત્ર બને છે. પરમાત્મા કોઈને દુઃખી કરતા નથી.
II વર્ગ-૩ : અધ્ય-૮ સંપૂર્ણ II