Page #1
--------------------------------------------------------------------------
________________
જૈન ધર્મના આદિ (પ્રથમ) તીર્થંકર ભગવાન ઋષભદેવના નિર્વાણકલ્યાણકની પાવનભૂમિ
શ્રી અષ્ટાપદ મહાતીર્થ
[સાહિત્ય મેં પ્રતિકૃતિ મેં સંશોધન]
લેખક
૩ ડૉ. કુમારપાળ દેસાઈ D
Page #2
--------------------------------------------------------------------------
________________
શ્રી ચોવિશી
અષ્ટાપદે શ્રી આદિ જિનવર, વીર પાવાપુરી વરું, વાસુપૂજ્ય ચંપાનયર સિદ્ધયાં, નેરૈવત ગિરિવરું; સમેત શિખરે વીસ જિનવર, મુક્તિ પહુંચ્યા મુનિવરું, ચઉવીસ જિનવર નિત્ય વંદું, સયલ સંઘ સુહેકરું.
www.jainelibrary.com
Page #3
--------------------------------------------------------------------------
________________
શ્રી અષ્ટાપદ મહાતીર્થ
• સાહિત્ય •
• પ્રતિકૃતિ • • સંશોધન •
Page #4
--------------------------------------------------------------------------
________________
જૈન સેન્ટર ઓફ અમેરિકા, ન્યૂયોર્ક
૪૩-૧૧ ઈથાકા સ્ટ્રીટ, એલ્મર્હસ્ટ, ન્યૂયોર્ક-૧૧૩૭૩, યુ.એસ.એ. ફોનઃ (૭૧૮)-૪૭૮-૯૧૪૧ ફેક્સઃ (૭૧૮) ૪૭૮-૯૧૪૪ E-mail: info@nyjaincenter.org Web: www.nyjaincenter.org
લેખક
પ્રથમ આવૃત્તિ
પ્રકાશક
भुद्र
:
:
ડૉ. કુમારપાળ દેસાઈ
એપ્રિલ ૨૦૦૯
ડૉ. રજનીકાંત શાહ
Dr. R. Shah
6 East, 45th Street, Suite 1100 New York, NY 10017, USA E-mail : doctorrshah@yahoo.com
પારસ પ્રિન્ટ્સ
૩૪, કાવસજી પટેલ સ્ટ્રીટ, ૧૭, લખાની ટેરેસ, પહેલે માળે, ફોર્ટ, મુંબઈ.
ફોન
૨૨૮૨ ૫૭૮૪.
-
2
Page #5
--------------------------------------------------------------------------
________________
નિવેદન શ્રી અષ્ટાપદ મહાતીર્થ અંગેનું આ પુસ્તક પ્રગટ કરતાં અમને હૃદયમાં આનંદનો અનુભવ થાય છે. નાનકડાં બીજમાંથી વિશાળ વૃક્ષ વિકસે અને એક ઝરણામાંથી મોટી નદી થાય એ રીતે શ્રી અષ્ટાપદ મહાતીર્થની કલ્પના આજે અનેક ક્ષેત્રોમાં વિકસી રહી છે.
ન્યૂયોર્કમાં આવેલા જૈન સેન્ટર ઓફ અમેરિકાએ જિનાલય અને અન્ય ધાર્મિક પ્રવૃત્તિઓના વિકાસ માટે એના નૂતન ભવનનું નિર્માણ કર્યું. આપણે જાણીએ છીએ કે જગતના ધર્મોમાં જૈન ધર્મ અતિ પ્રાચીન ધર્મ છે અને વિશ્વના અનેક દેશોમાં એની ધર્મભાવનાઓનું પાલન કરનારાઓ વસે છે, આથી ન્યૂયોર્કના જૈન સેન્ટરે જૈન ધર્મના તમામ ફિરકા અને સંપ્રદાયો સાથે મળીને પોતપોતાની રીતે ધર્મઆરાધના કરી શકે એવા વિચારથી જૈન ભવનનું નિર્માણ કર્યું. આ ભવનના બીજા માળે ભમતીમાં ચોવીસ તીર્થકરોની મૂર્તિઓ બિરાજમાન કરવાની ઇચ્છા હતી, પરંતુ એટલી વિશાળ જગ્યા નહીં હોવાથી રત્નોની ચોવીસ પ્રતિમા બનાવીને રત્નમંદિર સર્જવાનું નક્કી કર્યું.
આ સમયગાળામાં જયપુરમાં શ્રી અષ્ટાપદ તીર્થનો પટ જોવા મળ્યો. શ્રી અષ્ટાપદ તીર્થ એટલે ભગવાન ઋષભદેવના નિર્વાણ કલ્યાણકની પવિત્ર ભૂમિ. હિમાલયની હૂંફાળી ગોદમાં આવેલા અષ્ટાપદ પર્વત પર ભગવાન ઋષભદેવના પુત્ર ચક્રવર્તી રાજા ભરતદેવે સિંહનિષદ્યાપ્રાસાદ' નામના રત્નમંદિરયુક્ત મહેલ(પ્રાસાદ)ની રચના કર્યાનો ઉલ્લેખ મળ્યો અને તેને પરિણામે ન્યૂયોર્કના જૈન સેન્ટરમાં થનારા રત્નમંદિરને અષ્ટાપદ તીર્થની રચના કરીને મૂકવાનો નવીન વિચાર જાગ્યો.
Page #6
--------------------------------------------------------------------------
________________
અને તેને પરિણામે અષ્ટાપદ વિશેનું તમામ સાહિત્ય મેળવવા પ્રયાસ કર્યો. પ્રાચીન જૈન અને હિંદુ ગ્રંથોથી માંડીને તિબેટી ભાષામાં લખાયેલા આ વિષયના સાહિત્યને એકત્રિત કરવામાં આવ્યું. અષ્ટાપદનાં સ્તવનો, પૂજા અને સ્તુતિઓ સંગ્રહિત કર્યા તેમજ હિમાલયમાં આવેલા કૈલાસમાનસરોવરની યાત્રાએ ગયેલા પ્રવાસીઓના અષ્ટાપદ પર્વત અંગેના અનુભવોની સાહિત્ય સામગ્રી મેળવી. આજે આ લુપ્ત મનાતા તીર્થની શોધ માટે ભૂસ્તરશાસ્ત્રીઓ અને પુરાતત્ત્વવિદો ઉપરાંત સ્પેશ સેટેલાઈટથી માહિતી મેળવવા પ્રયાસ ચાલે છે.
છેલ્લાં પાંચ વર્ષથી શ્રી અષ્ટાપદ તીર્થવિષયક સાહિત્ય અને સંશોધનની પ્રવૃત્તિને ગુજરાતના પ્રસિદ્ધ સાહિત્યકાર પદ્મશ્રી ડૉ. કુમારપાળ દેસાઈની સતત પ્રેરણા મળતી રહી છે. અત્યારસુધીમાં અષ્ટાપદના સાહિત્ય તથા સંશોધક વિષયક ૧૬ વોલ્યુમ ઝેરોક્ષ રૂપે તૈયાર કર્યા છે અને એમના પ્રયત્નને પરિણામે આ પુસ્તિકા અમે તૈયાર કરી શક્યા છીએ.
આ પુસ્તિકાના પ્રકાશન માટે શ્રી દિનેશભાઈ શાહ, પુષ્પાબહેન શાહ અને તેમના પરિવારજનોએ આપેલા ઉદાર સહયોગની અમે આભારસહ નોંધ લઈએ છીએ.
આ પુસ્તિકા દ્વારા અષ્ટાપદ મહાતીર્થના સંશોધન અંગેના અમારા પ્રયાસોમાં આપ પણ સહભાગી બનશો એવી અપેક્ષા રાખીએ છીએ. જય જિનેન્દ્ર.
- ડૉ. રજનીકાંત શાહ
Page #7
--------------------------------------------------------------------------
________________
સ્વ. શા કકલદાસ હીરાચંદ અજબાણી
ગં. સ્વ. ભુરીબેન કકલદાસ અજબાણી
અજબાણી પરિવારના સૌજન્યથી
o
Page #8
--------------------------------------------------------------------------
________________
ISe 5
આજ દેવ અરિહંત નમું, સમરું તારું નામ,
જ્યાં જ્યાં પ્રતિમા જિણ તણી, ત્યાં ત્યાં કરું પ્રણામ; શત્રુંજય શ્રી આદિદેવ, નેમ નમું ગિરનાર, તારંગે શ્રી અજિતનાથ, આબુ ઋષભ જુહાર; અષ્ટાપદ ગિરિ ઉપરે, જિ ન ચઉવિસે જોય મણિમય મૂરતિ માનશું, ભરતે ભરાવી સોય.
- શ્રાવક કવિ ઋષભદાસ (૧૭મી સદી)
Page #9
--------------------------------------------------------------------------
________________
શ્રી અષ્ટાપદ મહાતીર્થ
જૈન ધર્મ :
જગતના ધર્મોમાં જૈન ધર્મ એક અતિ પ્રાચીન ધર્મ છે. ભારતમાં ઉદ્દભવેલા આ ધર્મના અનુયાયીઓ ભારત ઉપરાંત આજે વિશ્વના અનેક દેશોમાં વસે છે. જૈન ધર્મ આગવું તત્ત્વચિંતન, સાહિત્ય, સ્થાપત્ય, નીતિશાસ્ત્ર, આચાર-પદ્ધતિ, વિચાર-પદ્ધતિ, ધર્મપ્રણાલી અને જીવનશૈલી ધરાવે છે.
“જિન” શબ્દનો અર્થ રાગ, દ્વેષ અને મોહને જીતનાર એવો થાય છે, જેમણે એના પર વિજય મેળવ્યો તેઓ વિતરાગ કહેવાયા. આવા જિનના અનુયાયીઓ તે જૈન અને આ જિને નિરૂપેલો ધર્મ તે “જૈન ધર્મ.”
જૈન ધર્મના વર્તમાન સમયના ૨૪ તીર્થકરોમાં ભગવાન ઋષભદેવ તે પ્રથમ તીર્થંકર છે અને ભગવાન મહાવીરસ્વામી તે ૨૪મા છેલ્લા તીર્થકર છે. જૈન ધર્મનો મુખ્ય મંત્ર નવકાર મહામંત્ર છે. જૈન ધર્મના તત્ત્વજ્ઞાનમાં કર્મવાદ વિશે ગહન ચિંતન મળે છે તેમજ જૈન ધર્મના તીર્થકરોએ મોક્ષમાર્ગ દર્શાવ્યો છે.
જૈન ધર્મમાં પાંચ યામ એટલે કે પાંચ મહાવ્રતોનો મહિમા છે અને તે પાંચ યામ છે – અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ. અહિંસાને જ પરમ ધર્મ માનનારો આ ધર્મ વૈચારિક અહિંસા અને સહિષ્ણુતાને વધુ મહત્ત્વ આપે છે. બધાં દૃષ્ટિબિંદુઓમાં રહેલાં આંશિક
Page #10
--------------------------------------------------------------------------
________________
શ્રી અષ્ટાપદ મહાતીર્થ
સત્યોને સ્વીકારી તેમનો સમન્વય કરવો તે અનેકાંત છે. અનેકાંતવાદ એવી વિશાળ દૃષ્ટિ છે, જે વસ્તુનું ભિન્ન ભિન્ન દૃષ્ટિથી અવલોકન કરે છે. અહિંસામાંથી અનેકાંતદૃષ્ટિ જન્મે છે અને અનેકાંતદૃષ્ટિને કારણે અહિંસાનું વ્યાપક દર્શન સાંપડે છે. અનેકાંતવાદ એ જૈન ધર્મની જગતને આગવી દેન છે.
જૈન ધર્મમાં મનની શક્તિ માટે પચ્ચખ્ખાણ, ધ્યાનની ઉચ્ચ ભૂમિકા માટે કાઉસગ્ગ, આંતરદોષની ઓળખ માટે પ્રતિક્રમણ, આંતરશુદ્ધિ માટે તપ, હૃદયની વીરતા અને મનની ઉદારતા દર્શાવાતી ક્ષમાપના જેવી ભાવનાઓ અપનાવવાનો બોધ મળે છે.
તીર્થંકર :
સંસાર રૂપી સમુદ્રમાંથી પાર ઊતરવા કાજે જીવાત્માઓ માટે ધર્મરૂપી તીર્થ એટલે કે ઘાટની જે રચના કરે તે તીર્થંકર. પૂર્વના ભવમાં તીર્થંકર નામકર્મ બાંધી, મનુષ્ય તરીકે જન્મી, ધાતીકર્મનો ક્ષય કરી, કેવળજ્ઞાન પામી અને સર્વ જીવોને ધર્મ પમાડવાની ભાવનાથી જે મહાન આત્માઓ આ ભગીરથ કાર્ય કરે છે, તેઓ ‘તીર્થંકર', ‘અરિહંત’ અથવા ‘જિનેશ્વર’ તરીકે ઓળખાય છે. પોતાનું આયુષ્ય પૂરું થતાં તેઓ સિદ્ધગતિ પામે છે, ત્યાર પછી ફરી જન્મ કે અવતાર લઈ તેમને સંસા૨માં પરિભ્રમણ કરવાનું રહેતું નથી.
જૈન ધર્મમાં સાધુ-સાધ્વી-શ્રાવક અને શ્રાવિકા એ ચતુર્વિધ સંઘ પણ ‘જંગમ તીર્થ' તરીકે ઓળખાય છે. તીર્થંકરો આ જંગમ તીર્થની સ્થાપના કરે છે, માટે પણ તેઓ તીર્થંકર કહેવાય છે.
8
Page #11
--------------------------------------------------------------------------
________________
શ્રી અષ્ટાપદ મહાતીર્થ
તીર્થં
તારે તે તીર્થ. તીર્થને પ્રવર્તાવે તે તીર્થંકર. તીર્થ એટલે ઘાટ અથવા તો કિનારો.
ઘોર સંસાર સમુદ્રમાં સફર કરતાં જહાજોને એમની સફર પૂરી કરાવી કાંઠે પહોંચાડે તે તીર્થ ! તારણ સ્થળ ! અહીં પહોંચ્યા પછી માનવીને દુન્યવી જોખમ વેઠવાનાં હોતાં નથી અને એ સતત આધ્યાત્મિક પ્રગતિ સાધે છે. જૈન ધર્મમાં તીર્થનું સવિશેષ મહત્ત્વ છે. સ્વયં તીર્થંકરો દેશના (ઉપદેશ) આપતા પહેલાં સમવસરણ (ધર્મપરિષદ)માં ‘નમો તિત્વમ’ પદનું ઉચ્ચારણ કરીને તીર્થનો મહિમા કરે છે અને ભાવતીર્થોને નમસ્કાર કરે છે.
આવાં તારણસ્થળો એટલે કે તીર્થો બે આવ્યા છે.
એક ભાવ તીર્થ અને બીજાં દ્રવ્ય તીર્થ.
બંનેનો ઉદ્દેશ આત્માની પવિત્રતા જગાડવાનો છે. રાગ-દ્વેષના બંધન ઢીલા કરીને આખરે નિર્મૂળ કરવાનો છે. ભાવતીર્થ એટલે અરિહંતો, સિદ્ધો, આચાર્યો, ઉપાધ્યાયો, સાધુઓ અને શ્રાવકો.
પ્રકારના કલ્પવામાં
જૈન ધર્મમાં સંઘને પણ એક તીર્થ લેખવામાં આવ્યો છે. તીર્થંકર ભગવાન સ્વયં મોક્ષમાર્ગને અનુસરનાર એવા સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા જેવા ચતુર્વિધ સંઘને તીર્થનું ગૌરવ આપે છે. આ ગૌરવ તે જૈન ધર્મની વિરલ વિશિષ્ટતાનું સૂચન કરે છે. જગતના અન્ય ધર્મોમાં ધર્મનું પાલન કરનારાઓને આટલો ઊંચો દરજ્જો આપવામાં આવતો નથી. એમને તીર્થ સમાન હોવાનું માન અપાતું નથી. એ તીર્થના
9
Page #12
--------------------------------------------------------------------------
________________
શ્રી અષ્ટાપદ મહાતીર્થ
ઉપાસક ગણાય, પરંતુ સ્વયં તીર્થસ્વરૂપ ન ગણાય. જૈન ધર્મે પોતાના સંઘના સાધુ, સાધ્વી ઉપરાંત શ્રાવક, શ્રાવિકાને પણ તીર્થસ્વરૂપ હોવાનું ગૌરવ આપ્યું છે. આ જ બાબત માનવી સાધનાથી કેટલું બધું પ્રાપ્ત કરી શકે છે એની જિકર કરી જાય છે. આમાં તીર્થંકર ટોચ પર બિરાજે છે અને તેથી જ તેઓ સંઘના આરાધ્ય દેવ અને દેવોને પણ વંદનીય એવા દેવાધિદેવ ગણાય છે.
દ્રવ્યતીર્થ એટલે મંદિરો, દેરાસરો, સ્તૂપો, ગુફાઓ અને ચૈત્યો.
દરેક ધર્મને જેમ તીર્થો હોય છે તેમ વિશાળ ભારત વર્ષમાં અને વિદેશોમાં જૈનોના ઠેર ઠેર નાનાં મોટાં તીર્થો અને દેરાસરો મળે છે.
પાંચ મુખ્ય તીર્થ : જૈનોના સકલ તીર્થોમાં પણ પાંચ તીર્થો આંગળીને વેઢે ગણવામાં આવે છેઃ અષ્ટાપદ, સમેતશિખર, આબુ, ગિરનાર અને શત્રુંજય.
આ પાંચ મહિમાવંતા તીર્થોમાં એકમાત્ર અષ્ટાપદ તીર્થ આજે લુપ્તપ્રાય: છે, તે અંગે અત્યારે સંશોધન ચાલી રહ્યું છે.
આ પાંચ તીર્થોમાં સમેતશિખર ઉત્તર ભારતના બિહારમાં (હાલ ઝારખંડ રાજ્યમાં) આવેલો ભવ્ય અને પવિત્ર પર્વત છે. એની પરમ પાવનતા એક-બે નહીં, પણ વીસ વીસ તીર્થંકરોની નિર્વાણભૂમિ હોવાને કારણે જૈન ધર્મમાં એનું વિશેષ મહત્ત્વનું સ્થાન છે.
બાકીનાં ત્રણ તીર્થો ગુજરાતમાં આવ્યાં છે. અગિયારમી સદીના શિલ્પ-સ્થાપત્યથી સમૃદ્ધ જગમશહૂર આબુ દેલવાડા એની કીર્તિથી સુવિખ્યાત છે. ગિરનાર મહાભારતકાળથી પંકાયેલો, ભગવાન અરિષ્ટનેમિ અને મહાસતી રાજુલની ચરણરજથી પવિત્ર થયેલો પહાડ છે. આ ચાર પર્વતોમાં આબુ સૌથી ઊંચો છે. તે પછી સમેતશિખર
10
Page #13
--------------------------------------------------------------------------
________________
શ્રી અષ્ટાપદ મહાતીર્થ
આવે છે, પછી ગિરનાર અને ત્યારબાદ સહુથી છેલ્લો આવતો પણ સકલ તીર્થમાં વડુ તીર્થ ગણાતો શત્રુંજય છે. પાંચ કલ્યાણકઃ
જૈન ધર્મગ્રંથોમાં તીર્થંકરના જીવનકાળમાં બનતી પાંચ અત્યંત મહત્ત્વની અને પવિત્ર ગણાતી ઘટનાઓને “પંચકલ્યાણક” તરીકે ઓળખવામાં આવે છે. તીર્થંકરનો માતાના ગર્ભમાં પ્રવેશ અને એમની માતાને આવતાં ૧૪ સ્વપ્નો તે પ્રથમ ઘટના ગણાય છે, જે ચ્યવન કલ્યાણક કહેવાય છે. બીજો પ્રસંગ તે તીર્થકરના જન્મનો ભવ્ય રીતે ઊજવાતો જન્માભિષેક-જન્મકલ્યાણક-નો છે. તમામ ભૌતિક સુખ-સમૃદ્ધિ ત્યજીને વિકટ તપસ્વી જીવનનો સ્વીકાર તે ત્રીજો પ્રસંગ દીક્ષા-કલ્યાણક છે. ચોથો પ્રસંગ તે ઘણી તપશ્ચર્યા અને ધ્યાન-સાધના પછી તીર્થકરને પ્રાપ્ત થતું કેવળજ્ઞાનકલ્યાણક છે. એમના જીવનનો પાંચમો અને છેલ્લો પ્રસંગ તે એમનો આત્મા કર્મમાંથી પૂર્ણ રીતે મુક્ત થઈ સિદ્ધપદને પામે છે તે નિર્વાણ કલ્યાણકનો છે.
આ નિર્વાણભૂમિ પર તીર્થકર ભગવાનના જીવનની ધ્યેયપ્રાપ્તિ થાય છે અને તેઓ ભવભ્રમણના ફેરામાંથી સદાકાળ મુક્તિ પામે છે. આ સ્થાન અતિપવિત્ર અને મહિમાવંતું ગણાય છે. ૨૪ તીર્થકરો નીચેના શ્લોકમાં દર્શાવ્યા પ્રમાણે પાંચ સ્થળોએ નિર્વાણ પામ્યા છે –
અષ્ટાપદે શ્રી આદિ જિનવર, વીર પાવાપુરી વરું વાસુપૂજ્ય ચંપાનયર સિદ્ધયાં, નેરૈવત ગિરિવરુ; સમેત શિખરે વીસ જિનવર, મુક્તિ પહુંચ્યા મુનિવરું ચકવીસ જિનવર નિત્ય વંદું, સયલ સંઘ સહકરું.
11
Page #14
--------------------------------------------------------------------------
________________
શ્રી અષ્ટાપદ મહાતીર્થ
સ
“શ્રી આદિનાથ ભગવાન અષ્ટાપદ પર નિર્વાણ પામ્યા, મહાવીરસ્વામી ભગવાન પાવાપુરીમાં, વાસુપૂજ્ય સ્વામી ભગવાન ચંપાપુરીમાં અને નેમિનાથ ભગવાન ગિરનારમાં નિર્વાણ પામી મોક્ષે ગયા. બાકીના વીસ તીર્થકરો સમેતશિખરમાં નિર્વાણ પામ્યા. સકલ સંઘને આંતરિક સુખ આપનાર આ ચોવીસ તીર્થકરોને હું પૂજ્યભાવે વંદન કરું છું.” અષ્ટાપદ :
જૈન ધર્મગ્રંથો પ્રમાણે પ્રથમ તીર્થંકર ભગવાન ઋષભદેવ અષ્ટાપદ પર્વત પર નિર્વાણ પામ્યા. શ્રી અષ્ટાપદ તીર્થ એ મહત્ત્વનું તીર્થ છે અને એ હિમાલયના શાંત અને રમણીય પ્રદેશમાં આવેલું છે. ભગવાન ઋષભદેવની નિર્વાણભૂમિ પર એમના પુત્ર ચક્રવર્તી ભરતદેવે રત્નજડિત સિંહનિષદ્યાપ્રાસાદનું નિર્માણ કર્યું હતું. આ પ્રાસાદ પ્રતિ લઈ જતાં આઠ પગથિયાં પરથી આ પર્વત માટે “અષ્ટાપદ' શબ્દ પ્રચલિત બન્યો. પ્રથમ તીર્થકર ભગવાન ઋષભદેવ ઃ - ભગવાન ઋષભદેવ માનવસંસ્કૃતિના આદિ નિર્માતા છે અને એમણે જ સૌ પ્રથમ પરિવારપ્રથા, સમાજવ્યવસ્થા, શાસનપદ્ધતિ અને રાજનીતિની સ્થાપના કરી. ભારતવર્ષમાં ઇક્વાકુભૂમિમાં, કૌશલદેશમાં આવેલી અયોધ્યા નગરીમાં અંતિમ કુલકર નાભિના પુત્ર રૂપે ઋષભદેવનો જન્મ થયો.
દરેક તીર્થકરોની માતાઓ જે મહાસ્વપ્રો જુએ છે તેવાં ૧૪ વિશિષ્ટ સ્વપ્રોનાં એમનાં માતા મરુદેવીને દર્શન થયાં. સ્વપ્રમાં પ્રથમ વૃષભ જોયો હતો, તેથી ચૈત્ર કૃષ્ણ અષ્ટમીના દિવસે જન્મેલા આ શિશુનું નામ ઋષભ રાખવામાં આવ્યું. તત્કાલીન રિવાજ અનુસાર સુનંદા અને સુમંગલા સાથે
12
Page #15
--------------------------------------------------------------------------
________________
શ્રી અષ્ટાપદ મહાતીર્થ
એમનાં લગ્ન થયાં. અંતિમકુલકર નાભિએ પ્રજાની વિનંતીને માન આપીને ઋષભદેવને રાજા બનાવ્યા અને આમ તેઓ પૃથ્વીના પ્રથમ રાજા બન્યા. અનેક વર્ષો સુધી રાજા ઋષભે રાજ્ય કર્યું. એ સમયે એમણે એકલવાયુ જીવન ગાળતી માનવજાતિને પરિવારની વ્યવસ્થા શીખવી, સમાજ સ્થાપ્યો, સમાજને કલાઓ શીખવી, પૃથ્વીને ભોગભૂમિને બદલે કર્મભૂમિ બનાવી. લોકજીવન સુવ્યવસ્થિત કરીને ધર્મજીવન આપ્યું. ત્યાગને જીવનશુદ્ધિનું, તપને જીવનક્રિયાનું અને મોક્ષને માનવીનું અંતિમ લક્ષ્ય હોવાનો ઉપદેશ આપ્યો.
ઉત્તરાવસ્થામાં રાજા ઋષભદેવે પુત્ર ભરતને રાજશાસન સોંપીને ચૈત્ર કૃષ્ણાષ્ટમીના દિવસે દીક્ષા ગ્રહણ કરી. દીર્ઘ સાધનાને અંતે તેમને કેવળજ્ઞાનની પ્રાપ્તિ થઈ અને એ જ દિવસે તેમણે લોકોને અહિંસા, સત્ય આદિ મહાવ્રતોનો ઉપદેશ આપ્યો. આદિ તીર્થકર ભગવાન ઋષભદેવ પ્રથમ રાજા, પ્રથમ સાધુ - ભિક્ષાચાર, પ્રથમ જિન અને પ્રથમ તીર્થકર છે. ભગવાન ઋષભદેવે લોકોને સંદેશ આપ્યો : “કોઈ જીવને મારવો નહીં, બધાની સાથે હેતથી રહેવું, અસત્ય બોલવું નહીં, ચોરી કરવી નહીં, શીલપાલન કરવું અને સંતોષથી રહેવું.”
ભગવાન ઋષભદેવે દર્શાવેલો આ ધર્મ સહુ પાળવા લાગ્યા. એમણે સંઘની સ્થાપના કરી. એમના ઉપદેશથી એમના સંઘમાં ચોર્યાસી હજાર સાધુઓ અને ત્રણ લાખ સાધ્વીઓ બન્યાં. ત્રણ લાખ અને પચાસ હજાર શ્રાવક અને પાંચ લાખ અને ચોપન હજાર શ્રાવિકાઓ થયાં. આ સંઘને તીર્થ પણ કહેવાય છે, તેથી ઋષભદેવ-આદિનાથ - પહેલા તીર્થ કરનારા એટલે તીર્થકર થયા. ઘણાં વર્ષો સુધી તેઓ પૃથ્વી પટ પર વિચર્યા. એમના ત્રિકાળ પ્રકાશિત જ્ઞાનથી લોકોને ધર્મમાર્ગ બતાવ્યો. ભગવાન ઋષભદેવ
13
Page #16
--------------------------------------------------------------------------
________________
શ્રી અષ્ટાપદ મહાતીર્થ અષ્ટાપદ પર્વત પર નિર્વાણ પામ્યા. આજે પણ ભાવિકો પ્રાતઃકાળે ઊઠીને ભગવાન આદિનાથનું સ્મરણ કરે છે.
ભગવાન ઋષભદેવના નિર્વાણ કલ્યાણકની પાવન ભૂમિ સમો. અષ્ટાપદ પર્વત વર્તમાન સમયમાં મળતો નથી. ધર્મગ્રંથોમાં એનાં અનેક પ્રમાણો મળે છે. આથી આજે એ મહાપવિત્ર અષ્ટાપદ તીર્થને શોધવાનો પ્રયાસ થઈ રહ્યો છે. ભરત ચક્રવર્તી :
ભગવાન શ્રી ઋષભદેવના પુત્ર ભરત ચક્રવર્તી એ પ્રથમ ચક્રવર્તી રાજા બન્યા. કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યા બાદ ભગવાન શ્રી ઋષભદેવ સમવસરણમાં બિરાજીને દેશના આપતા હતા, ત્યારે ભરત મહારાજા દર્શનાર્થે આવ્યા.
એ સમયે કુતૂહલવશ ચક્રવર્તી ભરતદેવે પૂછયું,
“આ સમવસરણમાં દેશના સાંભળી રહેલા લોકોમાંથી ભવિષ્યમાં કોઈ તીર્થકર થશે ખરાં ?”
ત્યારે ભગવાન શ્રી ઋષભદેવે પ્રત્યુત્તર આપ્યો કે, તમારો (ભરત ચક્રવર્તીનો) પુત્ર મરીચિ કેટલાય ભવો બાદ ચોવીસમા તીર્થંકર શ્રી મહાવીરસ્વામી બનશે. આ પછી ભગવાને વર્તમાન ચોવીસીની સમજ આપી.
આ રીતે ચક્રવર્તી ભરત રાજાને વર્તમાન ચોવીસીની માહિતી જાણવા મળી હતી.
14
Page #17
--------------------------------------------------------------------------
________________
શ્રી અષ્ટાપદ મહાતીર્થ
જૈન આગમ “શ્રી સૂત્રકૃતાંગ'માં ઋષભદેવ ભગવાને તેમના પુત્ર ભરતને અષ્ટાપદ પર દેશના (ઉપદેશ) આપ્યાનો ઉલ્લેખ મળે
ઉત્તરપુરાણ' નામના ગ્રંથમાં એવું વર્ણન મળે છે કે ચક્રવર્તી ભરતે અતીત, વર્તમાન અને અનાગત એમ ત્રણેય ચોવીસીની એટલે કે બોંતેર તીર્થકરોની મૂર્તિઓ ધરાવતા સુવર્ણમંદિરની રચના કરાવી હતી અને આચાર્યશ્રી ધનેશ્વરસૂરિકૃત “શત્રુંજય માહાભ્ય' ગ્રંથમાં રાજા ભરતે ભગવાન ઋષભદેવની નિર્વાણભૂમિ નજીક વાદ્ધકીરત્ન દ્વારા રત્નમય સિહનિષદ્યા પ્રાસાદની રચના કરાવી હતી. અષ્ટાપદ પરની એ ચોવીસીના પ્રતિષ્ઠાતા શ્રી ચારણમુનિ હતા.
વિવિધ તીર્થકલ્પ' નામના ગ્રંથનાં “અષ્ટાપદગિરિ કલ્પમાં તથા આચાર્યશ્રી ધર્મઘોષસૂરિજીના “શ્રી અષ્ટાપદમહાતીર્થ કલ્પ'માં ભગવાન ઋષભદેવના નિર્વાણની ઘટનાના આલેખનમાં અષ્ટાપદ ગિરિ વિશેનાં વર્ણનોમાં દેવતાઓએ અહીં ત્રણ સ્તૂપ (દરીઓ, કર્યા એવી નોંધ છે.
જ્યારે ભરતરાજાએ શ્રી ઋષભદેવનાં સંસ્કાર-સમર્પણની ભૂમિ પર ત્રણ ગાઉ ઊંચો અને જાણે મોક્ષમંદિરની વેદિકા હોય તેવો સિંહનિષદ્યા નામે પ્રાસાદ રત્નમય પાષાણથી વાર્તકીરત્ન શિલ્પી પાસે કરાવ્યો, તેવી ગાથા સાંપડે છે. આમાં જ ઉલ્લેખ મળે છે કે – “ચૈત્યની ભીંતોમા વિચિત્ર મણિમય ગવાક્ષ (ગોખલા) રચ્યા હતા.'
વળી અહીં એક ઉલ્લેખ એવો છે કે, “ચત્યના નિતંબભાગ ઉપર વિચિત્ર ચેષ્ટાથી મનોહર લાગતી માણેકની પૂતળીઓ ગોઠવેલી હતી,
15.
Page #18
--------------------------------------------------------------------------
________________
શ્રી અષ્ટાપદ મહાતીર્થ
તેથી અપ્સરાઓથી અધિષ્ઠિત મેરૂ પર્વતની જેવું તે શોભતું હતું.'
એ પછી એક વિસ્તૃત, અતિ મહત્ત્વનો ઉલ્લેખ આ પ્રમાણે છે –
“ત્યાં (અષ્ટાપદ) આવનારા પુરૂષો ગમનાગમન વડે એની આશાતના ન કરે એવું ધારીને લોઢાના યંત્રમય આરક્ષક પુરૂષો તે ઠેકાણે ઊભા રાખ્યા. એ યંત્રમય લોઢાના પુરૂષોથી જાણે મર્યલોકની બહાર તે સ્થાન રહ્યું હોય એમ મનુષ્યોને અગમ્ય થઈ પડ્યું. પછી ચક્રવર્તીએ દંડરત્ન વડે તે પર્વતના દાંતા પાડી નાખ્યા, તેથી સીધા-સપાટ અને ઊંચા સ્તંભની પેઠે એ પર્વત લોકોને ન ચડી શકાય તેવો થઈ ગયો. પછી મહારાજાએ એ પર્વતની ફરતા મેખલા જેવા અને મનુષ્યોથી ઉલ્લંધન થઈ શકે નહીં એવા એક એક યોજનને અંતરે આઠ પગથિયાં બનાવ્યાં, ત્યારથી એ પર્વતનું નામ અષ્ટાપદ પડ્યું અને લોકોમાં તે “હરાદ્રિ', “રજતાદ્રિ', કૈલાસ” અને “સ્ફટિકાચલ” એવાં નામથી પણ ઓળખાવા લાગ્યો.” જૈન ગ્રંથોમાં અષ્ટાપદ તીર્થ : ૧. અષ્ટાપદ તીર્થનો સર્વપ્રથમ ઉલ્લેખ “આચારાંગ નિર્યુક્તિના
૩૩૨મા શ્લોકમાં મળે છે. ૨. અત્યંત પ્રાચીન જૈન ગ્રંથ (એકાદશ અંગાદિ આગમ)માં
અષ્ટાપદનો મહાતીર્થ રૂપે ઉલ્લેખ મળે છે. ૩. જૈન આગમ “શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર'ની નિર્યુક્તિ અનુસાર કોઈ
પણ ચરમ-શરીરી (આ જ ભવમાં મોક્ષ પ્રાપ્ત કરનારા જીવ) અષ્ટાપદ તીર્થની યાત્રા કરશે, તો તે મોક્ષ પ્રાપ્ત કરશે. (અધ્યાય
16
Page #19
--------------------------------------------------------------------------
________________
શ્રી અષ્ટાપદ મહાતીર્થ
૧૦, સૂત્ર ૨૯૦) અને કલાસનું વર્ણન સોના-ચાંદીના પર્વત તરીકે
કર્યું છે. ૪. “આવશ્યક નિર્યુક્તિ'માં પણ અષ્ટાપદ તીર્થનું વર્ણન પ્રાપ્ત થાય
૫. “કલ્પસૂત્રમાં અષ્ટાપદને ભગવાન ઋષભદેવની નિર્વાણભૂમિ
તરીકે દર્શાવવામાં આવી છે. નિશીથ ચૂર્ણિમાં અષ્ટાપદ પર્વત પર તીર્થકર શ્રી ઋષભદેવ ભગવાનના
મોક્ષગમનનું વર્ણન છે. ૭. આચાર્ય જિનપ્રભસૂરિ કૃત ‘વિવિધ તીર્થકલ્પ'માં અષ્ટાપદ તીર્થના
કલ્પ વિશે એક અધ્યાય પ્રાપ્ત થાય છે. તેમાં લખ્યું છે કે ગુરુ ગૌતમસ્વામી દક્ષિણ બાજુથી સિંહનિષિદ્યા-પ્રાસાદમાં પ્રવેશ્યા હતા. આચાર્ય ધર્મઘોષસૂરિ રચિત “શ્રી અષ્ટાપદ મહાતીર્થકલ્પ'માં આ તીર્થ વિશે વર્ણન મળે છે અને તેમાં લખ્યું છે કે સિંહનિષદ્યા
પ્રાસાદને ચાર બાજુ હતી. ૯. “જ્ઞાનપ્રકાશ દીપાર્ણવે” ગ્રંથમાં અષ્ટાપદ ગિરિની રચના વિશે
વિસ્તૃત નોંધ મળે છે. ૧૦. ભગવાન મહાવીર સ્વામીએ સ્વયં એક વાર પોતાના ઉપદેશમાં
કહ્યું હતું કે જે વ્યક્તિ અષ્ટાપદ પર્વતની યાત્રા કરીને ત્યાં આરાધના કરશે, તે આ જન્મમાં મુક્તિ પામશે. આશરે છવ્વીસસો વર્ષ પૂર્વે ભગવાન મહાવીરના પ્રથમ ગણધર શ્રી ગૌતમસ્વામીએ
17
Page #20
--------------------------------------------------------------------------
________________
શ્રી અષ્ટાપદ મહાતીર્થ
પોતાની વિશેષ લબ્ધિથી આ તીર્થની યાત્રા કરી હતી અને એના
પર રાત્રિનિવાસ કર્યા બાદ સ્તવના કરી હતી. ૧૧. ગુરુ ગૌતમસ્વામીએ “જગચિંતામણિ સૂત્ર'ની પ્રથમ ગાથાની
રચના અષ્ટાપદ તીર્થ પર કરી હતી. (પ્રબોધ ટીકા': ભાગ ૧) પડાવશ્યક બાલાવબોધ ગ્રંથમાં લખ્યું છે કે તેમણે “જગચિંતામણિ
સૂત્ર'ની પહેલી ગાથાની રચના સાથે તીર્થ પર ચૈત્યવંદન કર્યું હતું. ૧૨. “વાસુદેવ હિડી' ગ્રંથ (૨૧મા અધ્યયન)માં ઉલ્લેખ છે કે આ પર્વત
વૈતાઢ્યગિરિ સાથે સંબંધિત છે. એની ઊંચાઈ આઠ માઈલ છે
અને એની તળેટીમાં નિશદિ નદી વહે છે. ૧૩. “જબૂદ્વીપ પ્રજ્ઞપ્તિમાં લખ્યું છે કે અષ્ટાપદગિરિ કોશલ દેશની
ઉત્તર દિશામાં આવેલો છે. ભગવાન ઋષભદેવના નિર્વાણના સ્થળે
દેવરાજ ઇંદ્રએ ત્રણ સ્તૂપની રચના કરી હતી. (સૂત્ર-૩૩) ૧૪. જુદા જુદા ગ્રંથોમાં જણાવ્યા પ્રમાણે અષ્ટાપદ અયોધ્યાથી ૧૨.૫
યોજન ઉત્તર દિશા તરફ આવેલો હતો અને સ્વચ્છ આકાશ હોય ત્યારે અયોધ્યાથી વૃક્ષની ટોચ ઉપરથી તે જોઈ શકાતો અને તેના
દર્શન થઈ શકતા હતા. ૧૫. સિદ્ધાણં બુદ્ધાણં સૂત્ર (સિદ્ધસ્તવ સૂત્રોમાં અષ્ટાપદમાં જે ક્રમમાં
તીર્થકરોની પ્રતિમા છે, તે ક્રમનું વર્ણન મળે છે. - “ચત્તારિ-અટ્ટ
દસ-દોય વંદિયા જિણવરા-ચઉવ્વીસ.” ૧૬. શ્રી પૂર્વાચાર્ય-રચિત “અષ્ટાપદ કલ્પ” (પ્રાચીન)માં આ તીર્થનું
18
Page #21
--------------------------------------------------------------------------
________________
શ્રી અષ્ટાપદ મહાતીર્થ
મહત્ત્વ તથા અહીં થયેલી મંગલકારી ઘટનાઓનું વિસ્તૃત વર્ણન
ઉપલબ્ધ છે. ૧૭. કલિકાલસર્વજ્ઞ આચાર્ય હેમચંદ્રાચાર્યએ “ત્રિષષ્ટિશલાકા
પુરુષચરિત્ર'માં અષ્ટાપદ તીર્થનું વિગતે વર્ણન કર્યું છે. એના દસમા અધ્યયનના પ્રારંભે ઉલ્લેખ મળે છે કે જે અષ્ટાપદ પર્વત પર પોતાની આધ્યાત્મિક શક્તિ(લબ્ધિ)થી ચઢે છે અને તીર્થ પર એક
રાત્રિ વસે છે તેને મુક્તિ પ્રાપ્ત થાય છે. ૧૮. “અભિધાન ચિંતામણિ પ્રમાણે કૈલાસ પર્વત રજતાદ્રિ, અષ્ટાપદ,
સ્ફટિકાચલ, હરાદ્રિ, હિમવત અને ધવલગિરિ જેવાં નામોથી
ઓળખાય છે. (૪-૯૪) અન્ય ઉલ્લેખો : ૧. પૂજ્ય સહજાનન્દઘનજી પોતાના પત્રોમાં લખે છે કે ૭૨ બિબોની
ત્રણ ચોવીસીઓ અહીં બરફમાં દટાયેલી છે. તેઓ નોંધે છે કે
કેટલાંક જિન બિમ્બો બૌદ્ધ ભિક્ષુઓ પાસે છે. ૨. એક મંગોલિયન ભિક્ષુના મત પ્રમાણે તીર્થકર શ્રી ઋષભદેવે
અષ્ટાપદગિરિ પર ધ્યાન અને પ્રાર્થના કર્યા હતાં. આ ઉલ્લેખ
કંજૂદ અને તંજૂદ પુસ્તકોમાં મળે છે. - ૩. તિબેટમાં આવેલા પોટાલા મહેલ(દલાઈ લામાનો પૂર્વ નિવાસ)માં
કેટલાક પ્રાચીન તાડપત્રીય ગ્રંથ છે, જેમાં ઋષભદેવના અષ્ટાપદકૈલાસ પરના નિર્વાણનું વર્ણન મળે છે.
19
Page #22
--------------------------------------------------------------------------
________________
શ્રી અષ્ટાપદ મહાતીર્થ
તિબેટી કૈલાસ પુરાણ તરીકે પ્રસિદ્ધ ગ્રંથ ગાંગ્રી કરચાગ (Gangri Karchag)માં દર્શાવ્યું છે કે કૈલાસ સમગ્ર સૃષ્ટિનું કેન્દ્ર છે. ગંગકારે તેશી (Gangkare Teashi) એમના શ્વેત કૈલાસ (White Kailas) પુસ્તકમાં દર્શાવે છે કે અહીં બૌદ્ધ ધર્મીઓ પૂર્વે જૈનો વસતા હતા. તેઓ ગ્યાલ ફાલ પા અને ચે પુ પા (Gyan Phal Pa and Chean Pu Pa) તરીકે ઓળખાતા હતા. તેમના પ્રથમ ભગવાનનું નામ ખયુ ચોક (ભગવાન ઋષભનાથ) હતું અને છેલ્લા ભગવાન ફેલ વા (મહાવીર સ્વામી) હતું. આ પુસ્તકમાં દર્શાવ્યા મુજબ એના ઘણા સિદ્ધાંતો જૈન સિદ્ધાંતો સાથે સામ્ય ધરાવે છે. અષ્ટાપદની રચનાનો વિચાર અને વિકાસ
૪.
૫.
ન્યૂયોર્કના જૈન સેન્ટર ઑફ અમેરિકા દ્વારા નિર્મિત જિનાલયમાં શ્રી ચોવીસી મૂકવાની હતી, પરંતુ મર્યાદિત જગાને કારણે એ શક્ય ન હતું. પાછળથી રત્નોની ૨૪ પ્રતિમાઓ બનાવી દેરાસ૨માં બીજે માળે ગભારાની દિવાલ પર મૂકવાનું નક્કી થયું.
આ રત્નમંદિરનો વિચાર ચાલતો હતો, ત્યારે જયપુરમાં ડૉ. રજનીભાઈ શાહને અષ્ટાપદ મહાતીર્થનો પટ જોવા મળ્યો અને પરિણામે રત્નમંદિરનો વિચાર શ્રી અષ્ટાપદ તીર્થની પ્રતિકૃતિના સર્જનમાં પરિવર્તન પામ્યો અને રત્નમંદિર અને પછી અષ્ટાપદ તીર્થની રચનાની કલ્પના આકાર લેવા માંડી.
શ્રી અષ્ટાપદ તીર્થ અંગે સંશોધન કરતાં પહેલી નજરે લાગ્યું કે
20
Page #23
--------------------------------------------------------------------------
________________
શ્રી અષ્ટાપદ મહાતીર્થ
આ તીર્થ વિશે ખૂબ ઓછી માહિતી મળે છે, પરંતુ આ તીર્થનું વિશિષ્ટ મહત્ત્વ એ છે કે આ તીર્થ પ્રથમ તીર્થંકર ભગવાન શ્રી ઋષભદેવની નિર્વાણભૂમિ છે. ન્યૂયોર્કના જૈન સેન્ટરમાં કઈ રીતે શ્રી અષ્ટાપદ તીર્થની રચના કરવી તેનો વિચાર કર્યો. આને માટે શ્રી અષ્ટાપદ તીર્થ વિશે વધુ હકીકતો અને માહિતીના સંશોધન માટે કાર્ય શરૂ કર્યું. આમાં પૂ. સાધુમહારાજો અને વિદ્વાનો પાસેથી કેટલુંક માર્ગદર્શન મળ્યું. આ વિષયને લગતા પ્રાચીન જૈન સાહિત્યના કેટલાક લેખોની ઝેરોક્ષ કૉપી મળી, જેમાંથી અષ્ટાપદ તીર્થ વિશે માહિતી મળવા લાગી અને ધર્મગ્રંથોની એ માહિતીને લક્ષમાં રાખીને અષ્ટાપદ તીર્થની ‘પ્રતિકૃતિ’ બનાવવાના વિચારને કાર્યરત કરવામાં આવ્યો.
અષ્ટાપદ વિશેની માહિતી અંગેના અમારા સંશોધનનું તારણ એ આવ્યું કે શ્રી અષ્ટાપદ તીર્થ બરફથી છવાયેલા હિમાલય પર્વતના શાંત વાતાવરણમાં આવેલો છે. એ નીચેનાં નામોથી પણ પ્રસિદ્ધ છે -
રત્નમય : ૨૪ તીર્થંકરોની રત્નજડિત પ્રતિમાઓ ધરાવતો રત્નજડિત મહેલ.
રજતાદ્રિ : રજતાદ્રિ અથવા ચાંદીનો પર્વત, કારણ કે અષ્ટાપદ પર્વત બરફથી છવાયેલો હોવાથી રજત(ચાંદી)ના અદ્રિ (પર્વત) જેવો લાગે છે.
સ્ફટિકાચલ : સ્ફટિકનો બનેલો હોય તેવો પર્વત.
અષ્ટાપદ તીર્થની પ્રતિકૃતિ બનાવવામાં ગ્રંથોમાંથી ઉપલબ્ધ માહિતી અને વર્ણન સહાયરૂપ બન્યાં. પ્રતિકૃતિને મૂળને અનુરૂપ બનાવવા પર્વતને
21
Page #24
--------------------------------------------------------------------------
________________
શ્રી અષ્ટાપદ મહાતીર્થ
સ્ફટિક પથ્થર (કુદરતી રીતે પારદર્શક અને પ્રકાશ પસાર થઈ શકે તેવો પથ્થર)નો બનાવવામાં આવ્યો, જેથી એ પર્વત બરફથી છવાયેલો હોય તેવો જણાય. રત્નમંદિરની કલ્પના પરિપૂર્ણ કરવા માટે આઠ પગથિયાં રચવામાં આવ્યાં અને પર્વતની મધ્યમાં ચોવીશી માટે ૨૪ ગોખલા બનાવવામાં આવ્યા. પર્વતનો દેખાવ લાગે તે રીતે એની બાંધણી કરવામાં આવી.
આ રીતે ૨૪ તીર્થકર ભગવાનની ચોવીસી ધરાવતા રત્નમંદિરને અષ્ટાપદ પર્વતની પ્રતિકૃતિ રચીને ન્યૂયોર્કના જૈન સેન્ટરના ભવ્ય જિનાલયમાં બિરાજમાન કરવાનું નક્કી થયું. પ્રાચીન ધર્મગ્રંથો અને પૂજ્ય આચાર્યશ્રીઓનું માર્ગદર્શન મેળવીને આ કાર્ય આગળ ધપાવ્યું. જૈન સેન્ટર ઑફ અમેરિકા (ન્યૂયોર્ક)ના જિનાલયમાં અષ્ટાપદની રચનાની પ્રક્રિયા:
બિરાજમાન થનારા અષ્ટાપદની રચનાની પ્રક્રિયાનો ઇતિહાસ જોઈએ. એની રચના માટે સર્વાગી અને શાસ્ત્રીય રીતે પ્રયાસ કરવામાં આવ્યો.
ડિઝાઈન : અષ્ટાપદ પર્વતની રચના માટે સ્ફટિક વાપરવાનું નક્કી થયું પણ તે માટે જરૂરી સામગ્રીનું વજન આશરે ૧૦ ટન જેટલું થાય, તે બાબત ન્યૂયૉર્કના જૈન સેન્ટરના ભવન માટે મુશ્કેલીરૂપ બની રહી. વળી અષ્ટાપદ ચોથા માળે આવેલું હોવાથી એની વજન ખમવાની ક્ષમતાની મર્યાદા હોય તે સ્વાભાવિક છે. ૧૨ ટનથી વધુ વજન તો ન જ થવું જોઈએ. બાંધણી મજબૂત બને, તે માટે દોઢ ટન વજનની
22
Page #25
--------------------------------------------------------------------------
________________
શ્રી અષ્ટાપદ મહાતીર્થ
સ્ટીલની ફ્રેમ જયપુરમાં બનાવવામાં આવી. સ્ટીલ ફ્રેમમાં એકની ઉપર બીજું એવી રીતે આઠ પડ બનાવવામાં આવ્યા છે. પર્વતનો આકાર લાગે તે માટે ઢાળ બનાવવામાં આવ્યો, તેની રચના એ રીતે કરવામાં આવી કે સૌથી નીચેના ભાગની જાડાઈ ૫.૧” અને સૌથી ઉપરની જાડાઈ માત્ર ૦.૭૫' છે.
સ્ફટિક અને કીમતી રત્નો (પથ્થર) : આ માટે ૩૦ ટન રફ ફટિકની આયાત કરવામાં આવી. તેના પર કરવામાં આવતી પ્રક્રિયા અને કોતરણી કર્યા પછી આ પર્વતનું કુલ વજન આશરે ૧૦ ટન જેટલું થયું છે. વિશ્વના જુદા જુદા રંગના રત્નો આયાત કરવામાં આવ્યા અને તેમાંથી જુદા જુદા માપની મૂર્તિઓ ઘડવામાં આવી. પ્રત્યેક મૂર્તિ એક જ રત્નમાંથી ઘડવામાં આવી. વળી આ દરેક રત્ન જૈમોલૉજિકલ લેબોરેટરી દ્વારા પ્રમાણિત કરવામાં આવ્યા, આથી રત્નમાંથી બનાવેલી આ મૂર્તિઓમાં કોઈ સાંધા નથી, એટલું જ નહીં, પરંતુ દરેક મૂર્તિ ધાર્મિક નિયમ અનુસાર અને નિશ્ચિત કરેલા માપ પ્રમાણે ઘડવામાં આવી છે. આ માટે વાપરવામાં આવેલા રત્નો સારી ગુણવત્તાવાળા હોય તે અંગે ખાસ ધ્યાન રાખવામાં આવ્યું. આ મૂર્તિઓ આ યોજનાનું અંતિમ સ્વરૂપ છે. આ માટે એમરાલ્ડ, રૂબી, એમેથીસ્ટ, કુનઝાઇટ, રોઝ ક્વાર્ટ્સ, સોડાલાઇટ જેવાં કિમતી રત્નો વાપરવામાં આવ્યાં છે.
અષ્ટાપદ પર્વતની રચના : પર્વત એ મુખ્ય અંગ છે અને તે સ્ફટિકનો બનાવવામાં આવ્યો છે. સ્ફટિકના ૧૦૦થી ૩૦૦ કિલોનું વજન ધરાવતા ટુકડાઓને ઢોળાવવાળો પર્વત દેખાય તેમ ગોઠવવામાં આવ્યા. એની નીચે મધ્યમાં આઠ પગથિયાં બનાવવામાં આવ્યાં,
23
Page #26
--------------------------------------------------------------------------
________________
શ્રી અષ્ટાપદ મહાતીર્થ
-
-
આના ઉપર ૨૪ ગોખલા છે. આમાં તીર્થંકર ભગવાનની મૂર્તિઓ સ્થાપિત કરવામાં આવી છે અને ૨૪ ગોખલાઓ પણ આ પર્વતમાં જ કોતરવામાં આવ્યા.
પર્વતને સ્ફટિકના આઠ લેવલમાં કોતરવામાં આવ્યો છે. પહેલા બે ભાગ પગથિયાં, બીજા ચાર મૂર્તિઓ માટે અને છેલ્લા બે શિખર માટે છે. આખી રચના મંદિર જેવી દેખાય તે માટે ટોચ પર પાંચ શિખરની ડિઝાઇન ઉમેરવામાં આવી છે. બધાં શિખર ડિઝાઇન પ્રમાણે કોતરીને તેને સુવર્ણકળશથી સુશોભિત કરવામાં આવ્યા. આની સૌથી ઉપરના ભાગમાં ધજા છે.
યોજના પ્રમાણે ઢાળ આપીને માપ પ્રમાણે પર્વતનો દેખાવ રચવામાં આવ્યો. વિશાળ આકાશમાં કેલાસ પર્વતનો ખ્યાલ મળી રહે, તે માટે પાછળની દિવાલ પર આકાશની સાથે કૈલાસ-માનસરોવરનો પેનોગ્રાફિક ખ્યાલ આપતી તસવીર દર્શાવવામાં આવી છે.
૨૪ ગોખલાઓઃ ૨૪ પ્રતિમાજીઓ સ્થાપિત કરવા માટે ૨૪ ગોખલા છે. દરેક લાઇનમાં દરેક ગોખલાની સાઇઝ એકસરખી છે. અગાઉ આ ગોખલા સ્વતંત્ર રીતે બનાવેલા હતા, પણ પાછળથી એવું નક્કી કરવામાં આવ્યું કે પર્વતમાં સીધા જ કોતરવા. આથી એ પર્વતનો ભાગ બની ગયા. દરેક ગોખલામાં આગળ બે થાંભલી, પ્રતિમા માટે ગોખલો, કોતરણી સાથે છજું અને ઉપર શિખર રચવામાં આવેલ છે.
શરૂઆતમાં પદ્ધતિસરની ડિઝાઇન બનાવી હતી, પણ પાછળથી તમામ ૨૪ ગોખલાઓમાં અષ્ટ-પ્રાતિહાર્યની કોતરણી કરવામાં આવી
24
Page #27
--------------------------------------------------------------------------
________________
શ્રી અષ્ટાપદ મહાતીર્થ
શ્રી જિન ચોવીસી : વર્તમાન ૨૪ તીર્થકરોને દર્શાવતી ૨૪ પ્રતિમાઓ આમાં કોતરવામાં આવી છે. દરેક પ્રતિમાની નીચે એનાં લાંછન છે, જેથી દર્શનાર્થી એ કયા તીર્થકર ભગવાનની પ્રતિમા છે તે જાણી શકશે. પ્રત્યેક પ્રતિમા કીમતી રત્નોમાંથી કોતરવામાં આવી છે. રંગો મળવાની મર્યાદાના કારણે દરેક તીર્થંકરનો મૂળ રંગ મેળવવો મુશ્કેલ છે. પ્રતિમાનાં કદ એમની નિયત જગ્યા અનુસાર નક્કી કરેલ છે. નીચેની બે સૌથી ઊંચી ૯”-૧૧” (પ્રતિમા ૧ અને ૨), પછીની ચાર ૭”-૯” ઊંચાઈમાં (પ્રતિમા ૩થી ૬), પછીની આઠ પ”-૭”ની ઊંચાઈની (પ્રતિમા ૭થી ૧૪) અને છેલ્લી દસ પ્રતિમા ૩'-૫" ઊંચાઈની (પ્રતિમા ૧પથી ૨૪) છે, જે સૌથી નાની છે. આને ધર્મગ્રંથોના આધારે તીર્થકરોના મૂળ ઊંચાઈના પ્રમાણસર ભાગે બનાવવામાં આવી છે અને ધાર્મિક વિધિ પ્રમાણે એની સ્થાપના થશે.
કથાઓની કોતરણી : શ્રી અષ્ટાપદ તીર્થ સાથે જોડાયેલી અનેક કથાઓ મળે છે. પ્રારંભમાં આ વાર્તાઓને બે ભાગમાં (૨ ડી) દર્શાવવાનું વિચાર્યું હતું. પર્વતની બાજુના નીચેના ભાગમાં અગાઉની બે ડિઝાઇન (૨ ડી) પ્રમાણે કોતરણી કરી હતી, પણ આગળ જતાં શ્રી અષ્ટાપદ તીર્થ વિશે વધુ ને વધુ ધર્મકથાઓ મળતી ગઈ એટલે બધાને રત્નોમાં (૩ ડી) જુદી જુદી કોતરવાનું નક્કી થયું. આમાંની કેટલીક ઘટનાઓ શ્રી અષ્ટાપદ ગિરિ ઉપર બનેલી છે અને કેટલીક અષ્ટાપદને લગતી ઘટનાઓ છે. આવી કુલ ચોવીસ કથાઓ કોતરણી સાથે જોવા મળશે.
26
Page #28
--------------------------------------------------------------------------
________________
શ્રી અષ્ટાપદ મહાતીર્થ
અષ્ટપદવિષયક સામગ્રીનું સંકલન
પ્રાચીન ધર્મગ્રંથો, યાત્રાળુઓનાં પ્રવાસ-વર્ણનો, સંશોધકોની નોંધો અને અન્ય માધ્યમ દ્વારા અષ્ટાપદ વિષયક તમામ સાહિત્યને એકત્રિત કરવાનું કામ ચાલી રહ્યું છે. એની પ્રાપ્ય સામગ્રીને ઝેરોક્સ રૂપે ૧૬ વૉલ્યુમમાં સંગ્રહિત કરવામાં આવી છે. શ્રી અષ્ટાપદ મહાતીર્થ અને તેને સંબંધિત તમામ માહિતીનું સંકલન કરવાનો આ ભગીરથ પ્રયાસ છે. ભગવાન ઋષભદેવનું જીવન, ચક્રવર્તી ભરતદેવની આસ્થા, ગુરુ ગૌતમસ્વામીની અષ્ટાપદયાત્રા વિશેની સામગ્રી આમાંથી મળી રહેશે.
બીજી બાજુ કલાસ, માનસરોવર અને અષ્ટાપદ અંગેની ભૌગોલિક માહિતી અને પ્રવાસીઓના અનુભવો આમાંથી મળે છે. અષ્ટાપદ તીર્થનું પ્રાચીન ગ્રંથોમાં મળતું વર્ણન અને એને લગતી કથાઓની પ્રમાણભૂત સામગ્રી આમાં એકત્રિત કરી છે. અષ્ટાપદ તીર્થના રત્નમય મંદિરના સંદર્ભમાં રત્નોની સમજ અને એની પ્રતિકૃતિ માટે કરવામાં આવેલા પ્રયાસોનું આલેખન મળે છે. અષ્ટાપદ વિશે પ્રાચીન ગ્રંથોમાંથી મેળવેલા પ્રમાણભૂત આધારો અને ઉલ્લેખો ઉપરાંત અષ્ટાપદ તીર્થની સ્તુતિઓ, સક્ઝાયો અને પૂજાઓનો પણ આમાં સમાવેશ કર્યો છે. અષ્ટાપદ વિશેની તમામ માહિતી ધરાવતા આ વૉલ્યુમની ડીવીડી પણ તૈયાર કરવામાં આવી છે અને એની સાથોસાથ સોળ વોલ્યુમના વિષયો દર્શાવતી અનુક્રમણિકાની પુસ્તિકા પણ ઉપલબ્ધ છે.
આ ઉપરાંત આ બધા વૉલ્યુમોની સામગ્રીમાંથી સંચય કરીને દસ ટકા જેટલી સામગ્રી અલગ તારવવામાં આવી છે, તેમજ સંશોધકોને માટે ઉપયોગી એવી માહિતી તારવીને અલાયદી સીડીમાં મૂકવામાં આવશે.
26
Page #29
--------------------------------------------------------------------------
________________
શ્રી અષ્ટાપદ મહાતીર્થ
આ પ્રકારના સાહિત્યની વિશેષ શોધ માટે હિમાચલ પ્રદેશમાં ધરમશાલાના ગ્રંથાલયમાં તિબેટી ગ્રંથોની તપાસ કરવામાં આવી છે. આ ગ્રંથોમાં રહેલી માહિતી જ્યારે બહાર આવશે ત્યારે જૈન ધર્મની પ્રાચીનતા વિશે કેટલીય નવી નવી બાબતો પર પ્રકાશ પડશે. પ્રદર્શન અને સેમિનાર :
અષ્ટાપદ મૉડેલ અને ત્રણે ચોવીશી (તીર્થકરની ૭૨ પ્રતિમા) અને અન્ય પ્રતિમાઓનું ઘણાં નગરો અને મહાનગરોમાં પ્રદર્શન યોજવામાં આવ્યું. આને પરિણામે વિશાળ ધર્મપ્રિય જનસમૂહ આ ત્રણે ચોવીસીના દર્શનનો પાવન લાભ પામી શક્યો છે તેમજ દેશ-વિદેશમાં વ્યાપક જનસમૂહમાં અષ્ટાપદ તીર્થ વિશે જાગૃતિ આવી છે. અષ્ટાપદ તીર્થ વિશેનું સાહિત્ય અને અન્ય વિગતનાં સોળ વોલ્યુમ પણ ઠેર ઠેર પ્રદર્શિત કરવામાં આવ્યા. કૈલાસ માનસરોવરની સંશોધન-યાત્રાની સુંદર વિડિયોએ નવો ઉત્સાહ જગાડ્યો છે. અષ્ટાપદ તીર્થનું આ પ્રદર્શન મુંબઈ, ન્યૂયોર્ક, સૂરત, એન્ટવર્પ, પાલીતાણા, અમદાવાદ, જયપુર, દિલ્હી, કોલકાતા, ન્યૂજર્સી (જેના કન્વેન્શન)માં તથા લૉસ એન્જલિસમાં દર્શાવવામાં આવ્યું, આને પરિણામે આ પ્રાચીન તીર્થના સંશોધન-કાર્યમાં સહુને ઊંડો રસ જાગ્યો છે. અષ્ટાપદની સંશોધનયાત્રા :
અષ્ટાપદ મહાતીર્થ અને અષ્ટાપદના પર્વતનું સ્થાન નક્કી કરવા માટે ૨૦૦૬ના ૨૮મે થી ૨૧ જૂન સુધીના સમયમાં મધ્ય હિમાલયની મુલાકાત અને સંશોધન માટે પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રવાસમાં મુખ્ય હેતુઓ આ પ્રમાણે હતા :
27
Page #30
--------------------------------------------------------------------------
________________
શ્રી અષ્ટાપદ મહાતીર્થ
૧. અત્યાર સુધી જે સંશોધન થયું છે, તેમાં ઉમેરો કરવો. ૨. જૈન સાહિત્યમાં વર્ણવાયેલા અષ્ટાપદના સ્થળને શોધવું. ૩. ભૌગોલિક તથા પુરાતત્ત્વની દૃષ્ટિએ અષ્ટાપદની ભાળ મેળવવી.
આ સંશોધનમાં વિદ્વાનો, અનુભવીઓ અને સંશોધકો સામેલ હતાં. એ સહુના અનુભવોએ એક નવી દિશા ખોલી આપી છે. અાપદનાં સંભવિત સ્થાનો :
અષ્ટાપદનું સંભવિત સ્થાન હિમાલય પર છે. અત્યારે અષ્ટાપદ તીર્થની સંભાવના ધરાવતાં સ્થાનોની વિગતો એકત્રિત કરાઈ છે. એક સ્થાન બદ્રીનાથથી ઉત્તર દિશા તરફ આશરે ૧૬૮ માઈલના અંતરે આવેલું છે. આ કૈલાસ પર્વત કાંગ રિપોચે ગંગ તિસે તરીકે પણ ઓળખાય છે. આ સ્થાને માનસરોવરથી ઉત્તર તરફ આશરે ૨૫ માઈલના અંતરે આવેલું છે.
બીજો એક પર્વત માનસરોવર અને કૈલાસની વચ્ચે આવેલો (પદ્મા હદ) છે, તે પ-૭ માઈલ દક્ષિણ-પૂર્વે આવેલો છે. તે પણ અષ્ટાપદ કહેવાય છે. આ પર્વતની ઊંચાઈ ૮ માઈલ છે અને સફેદ ખડકોથી ઢંકાયેલો છે તેથી તેને ધવલગિરિ તરીકે પણ ઓળખવામાં આવે છે. દારેચીનથી ૧૫-૨૦ ટેકરીઓ પાર કરીને ૪થી ૬ કલાકમાં પહોંચી શકાય છે. બૌદ્ધ યાત્રીઓ આ પર્વતને “કાંગ શીચે' કહે છે.
આશરે ૪૦ કિ.મીના અંતરે આવેલું પર્વતનું એક બીજું શિખર “ગુરલા માંધાતા તરીકે ઓળખાય છે. “માંધાતા” શબ્દ સગર રાજાના પૂર્વજના મૂળમાંથી આવ્યો છે. કૈલાસ અને ગુરલા માંધાતાની વચ્ચે રાક્ષસ
28
Page #31
--------------------------------------------------------------------------
________________
શ્રી અષ્ટાપદ મહાતીર્થ
તાલ નામનું સરોવર આવેલું છે.
નંદી પર્વતની ઘણી તસવીરો લેનાર અને આ પ્રદેશમાં સારું એવું ભ્રમણ કરનારા શ્રી ભરતભાઈ હંસરાજ શાહના કહેવા પ્રમાણે આ પર્વત સાથે અષ્ટાપદના વર્ણનનો મેળ બેસે તેવો છે. આઠ પગથિયાં અને સ્લેિક્સ' જોવા મળે છે.
અમે સેટેલાઇટ દ્વારા આ પ્રદેશની તસવીરો લેવા પ્રયત્ન કરીએ છીએ, જેથી કોઈ દટાયેલું સ્થાન મળી આવે. આ સંદર્ભમાં શ્રી એસ. પી. ઠક્કરનો છેલ્લો અહેવાલ અભ્યાસ કરવા જેવો છે. (આ અહેવાલ રેફરન્સ વૉલ્યુમ નં. ૧૧ના ૮૦મા પ્રકરણમાં પૃષ્ઠ નં.૪૯૭૩ પર છે.)
અષ્ટાપદની સંભવિત જગ્યા કૈલાસ પર્વત(૧૯૩૮ મીટર)થી દક્ષિણ પૂર્વમાં ૫૯૯૯ મીટર ઊંચે હોવી જોઈએ. કૈલાસ પર્વત કાંગ રિપોચે - ગંગ તિસે નામે ઓળખાય છે. આ સ્થળ દેરાફૂગથી દક્ષિણ પૂર્વમાં પ કિ.મી., દોલ્યા લાથી દક્ષિણ-પશ્ચિમ પ. કિમી., ઝતુલ ફુગથી ઉત્તરપશ્ચિમ ૭.૫ કિ.મી., જ્ઞાનડ્રગ મોનાસ્ટ્રીથથી ઉત્તર પૂર્વ ૮ કિ.મી., સરલંગ ગોમ્પાથી ઉત્તર-પૂર્વ ૮.૫ કિ.મી., ડોર્પોચે અથવા યમદાર અથવા મોક્ષદ્વારથી ઉત્તર-પૂર્વ ૯ કિ.મી.ના અંતરે આવેલું છે. તે ૧૩ ઝીંગુગ કાંગ્યુ ચોર્ટનથી ૨.૫ કિ.મી., સરલંગ ચેકસમ લાથી પૂર્વમાં ૨.૦૦ કિ.મી. અથવા ગંગપો-સંગલમ લાથી દક્ષિણ પશ્ચિમમાં ૨.૫૦ કિ.મીટર દૂર આવેલું છે. તે જગ્યાએ સરલંગ ચેકસમ લા અને ગંગ-પો સંગ્લામ લાથી સહેલાઈથી પહોંચી શકાય છે.
આમ કુલ ૧૦ સ્થાનોની સંભાવના અંગે વિચાર ચાલે છે.
29
Page #32
--------------------------------------------------------------------------
________________
શ્રી અષ્ટાપદ મહાતીર્થ
(૧) કૈલાસ પર્વત (૨) કૈલાસ પર્વતની નજીક બોનારી (૩) બર્મા પ્લેઇન્સ (૪) ટર્બોચે (૫) નંદી પર્વત (૯) સેલ્ગ ગોમ્પા અને જ્ઞાનડ્રગ મોનાસ્ટ્રી વચ્ચેનો પર્વત (૭) જ્ઞાનડ્રગ મોનાસ્ટ્રી (૮) ૧૩ ડ્રિગંગ કાંગ્ય ચોર્ટેન (૯) અષ્ટાપદની સંભવિત જગ્યા જે ગોમ્બો ફંગ અથવા ત્રિનેત્ર અથવા મહાકાલ તરીકે ઓળખાય છે. (૧૦) સેટેલાઇટ દ્વારા નક્કી કરેલી જગ્યા, ધર્મા કિંગ નોર્સગ તરીકે ઓળખાય છે. અષ્ટપદ રિસર્ચ ફાઉન્ડેશન
અષ્ટાપદ રિસર્ચ ઇન્ટરનેશનલ ફાઉન્ડેશન ભારત સરકાર સાથે અને ચીનના ભૌગોલિક પુરાતત્ત્વ અને અન્ય સંકળાયેલા વિભાગ સાથે સંકલન કરશે. તેઓ આ માટે વિશ્વની સંશોધન સંસ્થાઓનો પણ સંપર્ક સાધશે.
આ ટીમમાં ભૂસ્તરશાસ્ત્રીઓ અને પુરાતત્ત્વવિદો પણ જોડાશે. હવે પછીનું સંશોધન કઈ રીતે કરવું તે અંગે તેઓ સૂચન અને માર્ગદર્શન આપશે. સંભવિત સ્થાનો અંગે વધુ જાણકારી પ્રાપ્ત કરવા સ્પેસ સેટેલાઇટ ડેટા મેળવવા પ્રયત્નશીલ છીએ.
સંસ્થા આ બધાં સંશોધનો પ્રકાશિત કરે છે. પરિણામે યુવાનવર્ગ, વ્યવસાયીઓ અને સંશોધકોમાં આ સંદર્ભે ઉત્સાહ જાગ્યો છે અને વધુ જાગતો રહેશે. આનાથી જુદી જુદી ગવર્નમેન્ટ એજન્સીઓ સુધી અમારી વાત પહોંચાડવામાં પણ સહાય થશે.
આ માટે સેમિનાર અને પ્રદર્શન પણ યોજતા રહીએ છીએ અને અવારનવાર અદ્યતન માહિતી આપતા રહીએ છીએ.
30.
Page #33
--------------------------------------------------------------------------
________________
શ્રી અષ્ટાપદ મહાતીર્થ
વિશ્વ સંસ્કૃતિનું પરોઢ :
હિમાલય પર્વતના આ સ્થાન પર સિંધુ નદીનું ઉદ્ગમસ્થાન છે, જે કૈલાસથી લદ્દાખ, કાશ્મીર થઈને પાકિસ્તાનમાંથી પસાર થઈ સમુદ્રમાં મળે છે. જગતની સૌથી પ્રાચીન સભ્યતા સિંધુ નદીના કિનારે ઉદ્ભવી હતી. કદાચ આ સંશોધન આપણને એ આદિ સ્રોતની ઓળખ આપી જાય અને વિશ્વસંસ્કૃતિના પ્રારંભકાળના સગડ એમાંથી જ મળી રહે. વળી ભગવાન ઋષભદેવના નિર્વાણ કલ્યાણકની ભૂમિ અષ્ટાપદ પર્વત મળશે તો સ્તૂપ, સ્થાપત્ય, મંદિર, પ્રાચીન નગર અને જૈન ધર્મની પ્રાચીન પરંપરાની માહિતી મળશે અને એ રીતે માત્ર ભારતીય સંસ્કૃતિ જ નહીં, બલકે વિશ્વસંસ્કૃતિ આદિ સ્ત્રોતની જાણકારી સાંપડશે. પરિણામે આ સંશોધન એક વ્યાપક આકાર ધારણ કરી રહ્યું છે અને તે જૈન ધર્મની પ્રાચીનતા ઉપરાંત ભારતીય સંસ્કૃતિ અને વિશ્વની સભ્યતાના આદિ સ્ત્રોત વિશે મૂલ્યવાન સામગ્રી આપનારું બની રહેશે.
અમે અષ્ટાપદ રિસર્ચ ઇન્ટરનેશનલ ફાઉન્ડેશનની સ્થાપના કરવા પ્રયત્ન કરીએ છીએ. આ સંસ્થાનું રજિસ્ટ્રેશન ભારત અને પરદેશ બંને જગ્યાએ થાય. અત્યારે અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી વિસ્તારમાં આવેલી એલ. ડી. ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડોલોજીમાં આનું કાર્યાલય શરૂ કરવામાં આવ્યું છે.
Page #34
--------------------------------------------------------------------------
________________
જગ-ચિન્તામણિ ચૈત્ય-વંદન ઈચ્છા-કારણે સંદિસહ ભગવન્! ચૈત્યવંદન કરું ? ઈચ્છે. જગ-ચિન્તામણિ ! જગ-નાહ ! જગ-ગુરુ ! જગ-રખણ ! જગ-બંધવ ! જગ-સન્થવાહ ! જગ-ભાવ-વિઅક્ષ્મણ ! અઠાવય-સંકવિઅ-રૂવ ! કમ્મઠ-વિણાસણ ! ચકવીસ પિ જિણવર ! જયંતુ અ-પ્પડિહય-સાસણ. ..... ૧
32
Page #35
--------------------------------------------------------------------------
________________
શ્રી અષ્ટાપદ મહાતીર્થની વાર્તાઓ
જન્મ કલ્યાણક
શ્રી આદિનાથ ભગવાનનું પારણું
સમવસરણ
અરિસા મહલ
તાપસ અને ખીરના પારણા
નાગ કુમારની વાર્તા
Page #36
--------------------------------------------------------------------------
________________ ક 1 જેન સેન્ટર ઓફ અમેરિકા - ન્યૂયોર્ક 43-11 ઈથાકા સ્ટ્રીટ, એલ્મઈસ્ટ, ન્યૂયોર્ક, 11373 યુ.એસ.એ. ફોન - (718)-478-9148 ફક્સ - (718)-478-9144 Email : info@nyjaincenter.org Web : www.nyjaincenter.org