Book Title: Shu Vaat Karo Cho Author(s): Ratnasundarsuri Publisher: Ratnasundarsuriji View full book textPage 3
________________ જે ગયા મરી તેની ખબર ન આવી ફરી વિપિન પરીખની આ પંક્તિઓ. કોઈ વાર એવું બને આપણે જવાની ઉતાવળ ન હોય છતાં આપણને જલદીથી ઉપાડી લેવામાં આવે. ‘હમણાં આવશે’ ‘હમણાં આવશે’ કહી નયન કોઈની પળ પળ પ્રતીક્ષા કરતાં હોય છતાં ત્યારે જ બળજબરીથી એને બીડી દેવામાં આવે. આપણે કહેવા હોય માત્ર બે-ચાર જ શબ્દો. ‘હું જાઉં છું. તમે સુખી રહેજો’ પણ હોઠ બોલે તે પહેલાં જ ઠંડા પડી જાય ને હવા પડ્યા કરે ન બોલાયેલ શબ્દોનાં સરનામાં. એટલા માટે જ આટલી નાનકડી પ્રાર્થના કરું છું. મારી વિદાયવેળાએ તમે હાજર રહેજો. ન જીવનને લંબાવી શકાય કે ન મોતને અટકાવી શકાય. એક વાર સૂર્યાસ્ત થઈ ગયા પછી ન એ સૂર્યને તુર્ત પાછો બોલાવી શકાય. જીવન એક વાર સમાપ્ત થઈ ગયા પછી ન એ જીવનના ધારકને તુર્ત મળી શકાય. હા, એક વાત છે આપણા હાથમાં. સૂર્યાસ્ત થઈ જાય એ પહેલાં સૂર્યના પ્રકાશમાં માણસ જેમ અપેક્ષિત કાર્યો કરી લે છે તેમ જીવનનો સૂર્યાસ્ત થઈ જાય એ પૂર્વે હાથમાં જીવનની જે પણ પળો છે એનો વધુમાં વધુ આપણે સદુપયોગ કરી લઈએ. ટૂંકમાં, મોતને અટકાવી શકાતું નથી પણ મોતને સુધારી જરૂર શકાય છે અને મોત એનું જ સુધરી શકે છે, જે પોતાના જીવનની પ્રત્યેક પળને સુધારી લેવા પ્રત્યે ગજબનાક હદે સાવધ છે અને જાગ્રત છે. એક સનાતન સત્ય ખ્યાલમાં છે? સિદ્ધિ ગતિમાં જેમ એક જ ચીજ શાશ્વત છે, સુખ; તેમ ચાર ગતિરૂપ સંસારમાં એક જ ચીજ શાશ્વત છે, મોત. સુખ વિનાની જો સિદ્ધિગતિ નહીં તો મોત વિનાની ચાર ગતિ નહીં. જન્મથી લઈને મોત સુધીના જીવનકાળ દરમ્યાન પ્રચંડ પુણ્યના ઉદયે તમારે મામૂલી પણ દુ:ખ વેઠવું ન પડે એ હજી કદાચ સંભવિત છે પરંતુ જન્મ થઈ ગયા પછી મોતથી તમે બચી જાઓ એવી તો કોઈ જ સંભાવના નથી. તાત્પર્યાર્થ આનો સ્પષ્ટ છે. શુભના સેવન માટે તમારા જે પણ અરમાનો હોય અને તમે તુર્ત જ પૂરા કરી દેજો કારણ કે મોત કોઈ પણ પળે તમારા પર ત્રાટકી શકે છે. કોઈ પણ કારણસર જીવનમાં ઊભા થઈ ગયા હોય જો દુશ્મનો અને જો તમે એ સહુ સાથે મિત્રતા કરી દેવા માગો છો તો આજે જ કરી લેજો કારણ કે તમે અથવા તમારા દુશ્મનો ગમે ત્યારે મોતના મુખમાં હોમાઈ શકો છો. ટૂંકમાં, મોત કાલે નથી, કોઈ પણ પળે છે. અશુભના ત્યાગની કે શુભના સેવનની પણ સંભાવના છે એ અત્યારે જ છે, મોત પછી તો નથી જ પણ પછીની પળ પણ નથી. આજે જો ગુરુવાર છે તો આવતી કાલનો શુક્રવાર જરૂર આવવાનો છે. પરંતુ એ શુક્રવારે આપણે જીવતા હશે કે નહીં એ નિશ્ચિત નથી. આવા સર્વથા નિશ્ચિત એવા મોતને સુધારી દેવા સિવાય આ જીવનમાં બીજું કશું જ કરવા જેવું નથી. કારણ કે મોત સુધર્યું તો જ પરલોક સુધર્યો અને પરલોક જો સુધર્યો તો જ આત્મકલ્યાણની સંભાવના ઊભી રહી. તીર્થયાત્રાએ જતાં પહેલાં ધર્મશાળામાં ક્યાં ઊતરશું, એની ચોક્કસાઈ કરી લઈએ અને આંખ બંધ થઈ ગયા પછી ક્યાં જશું, એ બાબતમાં સર્વથા બેદરકાર રહીએ એ તો ચાલે જ શી રીતે ?Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 51