Book Title: Shant Sudharas Part 02
Author(s): Bhadraguptasuri
Publisher: Vishvakalyan Prakashan Trust Mehsana

View full book text
Previous | Next

Page 281
________________ ધર્મ કરુણાસભર છે : ધર્મ જેવી રીતે ઉત્કૃષ્ટ મંગલ છે એ રીતે ધર્મ કરુણામય છે. ધર્મની પાસે જનાર પાપી હોય, દુઃખી હોય યા અનાચારી હોય, ગમે તેવો ભલેને ન હોય, ધર્મ એને કરુણામય દૃષ્ટિથી જુએ છે. કાલે જ મેં તમને જિનપાલિત-જિનરક્ષિતની વાર્તા સંભળાવી હતી ને ? તે બંને ભાઈઓ રત્નાદેવીના મોહમાં મૂઢ બન્યા હતા. ભક્ષ્યઅભક્ષ્યનો વિવેક રહ્યો ન હતો. રંગરાગ અને ભોગવિલાસમાં એ લોકો ધર્મને ભૂલી ગયા હતા. પરંતુ જ્યારે વાસ્તવિકતાનું ભાન થયું, પ્રાણ સંકટમાં આવી પડ્યા, ત્યારે તેઓ શેલક યક્ષની પાસે ગયા હતા ! યક્ષરાજે એમને કરુણાભાવથી શરણું આપ્યું હતું અને પોતાની પીઠ ઉપર બેસાડીને રત્નદ્વીપમાંથી ભગાડ્યા હતા. ધર્મ કોઈનો તિરસ્કાર કરતો નથી. હા, ધર્મની પોતાની કેટલીક શરતો હોય છે - શ્રદ્ધાની ! ધર્મ પ્રત્યે શ્રદ્ધા ટકાવી રાખો, બસ, ધર્મ તમારું શુભ - મંગલ - કલ્યાણ ક૨શે જ. ધર્મની કરુણાને સદા યાદ રાખો. ધર્મ ધૈર્યવાન છે : ધર્મનો ત્રીજો પરિચય છે - ધૈર્યવાનના રૂપમાં એટલે કે ધર્મપથ ઉપર ચાલનારાઓએ ધૈર્યવાન બનવું પડે છે. અડગ રહેવું પડે છે. દૃઢ રહેવું પડે છે. શાન્ત રહેવું પડે છે. જેમ રત્નાદેવીએ પાછળથી આવીને બે ભાઈઓને ભય બતાવ્યો, મારી નાખવાની ધમકી આપી, પરંતુ બંને ભાઈઓને યક્ષરાજ ઉપર વિશ્વાસ હતો - ભરોસો હતો એટલા માટે દેવીથી ડર્યા નહીં. તમે ધર્મમાર્ગ ઉપર ધૈર્ય ધારણ કરીને ચાલતા રહો, ધર્મ તમારી રક્ષા કરશે જ. ધર્મ - મુક્તિસુખનું સાધન ઃ જો તમારે મુક્તિનું - મોક્ષનું સુખ જોઈતું હોય તો તે ધર્મથી જ મળશે. ક્ષમા, નમ્રતા આદિ દશ પ્રકારનો ધર્મ, અહિંસા, સંયમ અને તપનો ધર્મ તમને મુક્તિનું સુખ આપશે. પરંતુ મુક્તિસુખ પામવાની તમારી તીવ્ર અભિલાષા હોવી જોઈએ. સંસારનાં ભૌતિક સુખો પ્રત્યે પૂર્ણ વૈરાગ્ય હોવો જોઈએ. ધર્મ - સંસારના ભયોનો નાશક : સંસારમાં - વિશ્વમાં અનેક પ્રકારના ભયો હોય છે. જીવ ભયાક્રાન્ત હોય છે. ભયમાંથી મુક્ત થવા મનમાન્યા ઉપાયો કરતા રહે છે અને વિશેષ રૂપે ભયોમાં ફસાતા જાય છે. સૌથી મોટો ભય મૃત્યુનો છે. જિનપાલિત અને જિનરક્ષિતની સામે જ્યારે મોત નાચવા લાગ્યું ત્યારે તેઓ ‘શૈલક યક્ષ’ને શરણે ગયા હતા. એટલે કે ધર્મને શરણે ગયા હતા. ભયોથી બચવા માટે ધર્મનું જ શરણું લેવું જોઈએ. ધૈર્ય ધર્મપ્રભાવ ભાવના ૨૭૧

Loading...

Page Navigation
1 ... 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308