________________
--
નિવેદન શ્રી મુંબઈ જૈન યુવક સંઘ તરફથી સ્વ. દીપચંદ ત્રિભોવનદાસ શાહ ટ્રસ્ટની ગ્રંથશ્રેણીમાં પ્રગટ થયેલ “પ્રભાવક સ્થવિરો'-ભાગ ૧ થી ૬ હવે એક જ ગ્રંથસ્વરૂપે પ્રકાશિત થાય છે જેથી વાચકોને સુવિધા રહેશે. છ ભાગમાંથી કોઈક ભાગ અનુપલબ્ધ રહેતો એથી આખો સેટ માગનારને તે મળતો નહિ. વળી કયું ચરિત્ર કયા ભાગમાં છપાયું છે તેની માહિતી પણ સ્મરણમાં રહેતી નહિ. હવે એક જ ગ્રંથમાં છએ ભાગનાં બધાં ચરિત્રો એકસાથે પ્રગટ થાય છે એટલે વાંચનની અનુકૂળતા રહેશે અને તુલનાત્મક દૃષ્ટિથી પણ તે જોઈ શકાશે.
પ્રભાવક સ્થવિરો'માં વિક્રમના ઓગણીસમા અને વીસમા શતકમાં એટલે કે આપણા નજીકના ભૂતકાળમાં થઈ ગયેલા જૈન સાધુમહાત્માઓનાં ચરિત્રો આપવામાં આવ્યાં છે. એમના જીવનની વિગતો વિસ્મરાઈ જાય તે પહેલાં સાચવી લેવાનો અહીં નમ્ર પ્રયાસ છે. એમાં ફિરકાભેદ રાખ્યો નથી. વળી, અહીં ચરિત્રો અપાયાં છે એટલા જ પ્રભાવક સ્થવિરો થઈ ગયા એવું પણ નથી. હજુ અવકાશ મળશે ત્યારે બીજા કેટલાંક ચરિત્રો લખવાની પણ ભાવના છે.
પ્રબુદ્ધ જીવન' ના તંત્રી તરીકે મેં જવાબદારી સ્વીકારી ત્યારથી વીસેક વર્ષના ગાળામાં વખતોવખત કોઇક સાધુમહાત્મા વિશે લખવાનું પ્રાપ્ત થયું હતું. જેમ જેમ આ ચરિત્રો લખાતાં ગયાં હતાં તેમ તેમ ગ્રંથસ્વરૂપે પ્રગટ થતાં ગયાં હતાં એ રીતે પાંચ ભાગ પ્રકાશિત થયા હતા. છઠ્ઠા ભાગ જેટલાં ચરિત્રો લખાયાં તે આ પુસ્તકમાં ઊમેર્યા છે. એમાં ચરિત્રો “પ્રબુદ્ધ જીવનમાં જે ક્રમે છપાતાં ગયાં તે ક્રમે મૂકવામાં આવ્યાં હતાં. એટલે એમાં ઐતિહાસિક કાલાનુક્રમ જોવા નહિ મળે. છએ ભાગ એક જ ગ્રંથસ્વરૂપે પ્રગટ કરતી વખતે પણ હાલ તો દરેક ભાગનો જ ક્રમ સાચવ્યો છે. હવે પછી આ બધાં ચરિત્રો ઐતિહાસિક કાલાનુક્રમે પ્રગટ કરી શકાશે.
ગુરુશિષ્ય અથવા ગુરુબંધુ એમ બેયનાં ચરિત્રો સાથે હોય તો કેટલીક ઘટનાઓની પુનરુક્તિ થાય એ સ્વાભાવિક છે, અનિવાર્ય છે. આ ગ્રંથમાં પણ એ જોવા મળશે. એક અપેક્ષાએ એ જરૂરી પણ છે.
આપણા નજીકના પુરોગામી સાધુમહાત્માઓના ચરિત્રના અભ્યાસથી મને પોતાને ઘણી પ્રેરણા મળી છે. વાચકને પણ એમાંથી પ્રેરણા મળશે તથા એ યુગને સમજવાની દૃષ્ટિ મળશે એવી આશા છે.
રમણલાલ ચી. શાહ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org