Book Title: Passportni Pankhe Part 1
Author(s): Ramanlal C Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 259
________________ ૨૩૮ પાસપોર્ટની પાંખે પહોંચ્યા. એ ખેડૂતોની કંપની અહીં પણ અમારી સાથે હતી. ઓસ્લોમાં અમે “વાઇકિંગ શિપ મ્યુઝિયમ” જોવા જવાના હતા. ખાડીને સામે કિનારે એ સ્થળ હતું. બોટમાં બેસીને સામે કિનારે અમે પહોંચ્યા. ત્યાંથી એકાદ ફલંગનો રસ્તો હતો. બંને બાજુ છૂટાંછવાયાં શાંત ઘરો અને સુંદર ઘટાદાર વૃક્ષો હતાં. મ્યુઝિયમ પાસે અમે પહોંચીએ તે પહેલાં એક ઘરના કમ્પાઉન્ડમાં સફરજનનું એક મોટું વૃક્ષ દેખાયું. મોટાં મોટાં પાકાં સફરજન વૃક્ષ પર લટકતાં હતાં. સફરજન જોતાં જ એક ખેડૂત તાનમાં આવી ગયો. ભારતીય ખેડૂત તરીકેની તેની આદત કાબૂમાં ન રહી. “એપલ', “એપલ' એમ જોરથી બોલતો તે કમ્પાઉન્ડની દીવાલ ઉપર કૂદકો મારીને ચઢી ગયો. ડાળ નમાવી બે-ત્રણ સફરજન તોડીને એણે બીજાઓને આપ્યાં. એટલામાં બીજા બે ખેડૂત પણ કૂદીને દીવાલ ઉપર ચડ્યા અને ત્યાંથી ઝાડની એક મોટી ડાળી ઉપર ચઢી ગયા. થોડી મિનિટમાં ઘણાં સફરજન તોડી લીધાં. નીચે એક લૂગડું પહોળું કરીને પાથર્યું અને તેમાં બધાં ભરી લીધાં. પછી ચાલતાં ચાલતાં તેમણે બધાએ સીધા મોઢે માંડીને સફરજનનાં બટકાં ખાવા માંડ્યા, અને વધેલો કચરો રસ્તામાં ગમે ત્યાં નાખતા ગયા. સદ્ભાગ્યે ત્યાં કોઈની અવરજવર નહોતી અને ઘરો બંધ હતાં. અમારી પાસે સમય થોડો હતો. અમે બધા વાઇકિંગ શિપ મ્યુઝિયમમાં ઝટ દાખલ થયા, પણ પેલા ખેડૂતો અંદર ન આવ્યા. એમાં તેમને રસ નહોતો. વાઇકિંગ મ્યુઝિયમ ઐતિહાસિક છે. વાઇકિંગ લોકો હજાર-બારસો વર્ષ પૂર્વેના સ્કેન્ડિનેવિયા(નૉર્વે-સ્વીડન-ડેનમાર્ક)ના જબરા લોકો હતા. તેઓ લુચ્ચા, બીજાનો માલ મફત પડાવી લેનારા, સાહસિક, કોઈની પણ પરવા ન કરનારા, કશી શરમ ન રાખનારા, આક્રમક સ્વભાવના, અડધા જંગલી અને અડધા સુધરેલા એવા લોકો હતા. એમનાં વહાણો અને એમની ઘરવખરીનું પ્રદર્શન જોઈને અમે પાછાં ફર્યા, ત્યારે પેલા ખેડૂતો હજી રસ્તા ઉપર બીજું એક સફરજનનું ઝાડ લૂંટી રહ્યા હતા. એમને જોઈને અમારામાંના એક જણે મજાકમાં કહ્યું, “આપણું આજનું ભારત પણ વાઇકિંગ લોકોથી બાકાત રહ્યું નથી.” બીજાએ કહ્યું, “એમને વાઇકિંગ તરીકે ઓળખાવીને આપણે વાઇકિંગ લોકોનું અપમાન કરીએ છીએ, કારણ કે વાઇકિંગ લોકોમાં તો કેટલાક સારા ગુણો પણ હતા.” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270