________________
પરિશિષ્ટ-૨
૨૦૯
દાદાના દરબારમાં પ્રથમ પૂજાનું ઘી બોલી કોઈ નિર્ધન સાધર્મિકને પ્રથમ પૂજા કરવાનો લાભ આપે ત્યારે એના આનંદ-ઉલ્લાસનો પાર નથી રહેતો. આવું બધું શું અનુભવસિદ્ધ નથી ? અન્યના પૈસે થતી તીર્થયાત્રામાં જો લાભ મળતો ન હોત તો સંઘ કાઢવાનું અનુષ્ઠાન જ વિહિત ન હોત. “સંઘયાત્રામાં તો એ યાત્રાળુ શ્રાવકો એટલા દિવસો માટે વ્યાપાર, અબ્રહ્મ વગેરે પ્રવૃત્તિઓનો ત્યાગ કરે છે, માટે તેઓને લાભ થાય છે? એવી દલીલ જો કરવાની હોય તો “અન્યના દ્રવ્યથી પ્રભુપૂજા કરવામાં પણ નિર્ધન શ્રાવક એટલો કાળ સંસારિક પ્રવૃત્તિનો ત્યાગ કરે જ છે, તો એને લાભ શા માટે નહીં ?” એવી દલીલ થઈ શકે છે. વળી સંઘયાત્રા અંગેની ઉક્ત દલીલથી તો એમ સિદ્ધ થાય છે કે એને સાંસારિક પ્રવૃત્તિના ત્યાગનો લાભ મળ્યો, પણ પ્રભુભક્તિનો કોઈ લાભ ન મળ્યો જે યોગ્ય નથી. માટે અન્યના પૈસે થતી તીર્થયાત્રા કે પ્રભુપૂજામાં પ્રભુભક્તિનો લાભ સ્વભાવોલ્લસ અનુસાર થાય જ છે એમ માનવું જ યોગ્ય છે.
(૩) ઉપરોક્ત અનેક શાસ્ત્ર પાઠો વગેરેની વિચારણા પરથી ‘પદ્રવ્યથી પૂજા કરવામાં પણ લાભ થાય છે જ’ એ જ્યારે શાસ્ત્રમાન્ય તરીકે સિદ્ધ થાય છે ત્યારે ‘ન્યાયદ્રવ્યવિધિશુદ્ધતા..' વગેરે પરથી ‘પદ્રવ્યથી જિનપૂજા કરવામાં લાભ નહીં થાય.' એવું માની શકાય નહીં. ન્યાયોપાર્જિત દ્રવ્ય હોય તો ઉત્કૃષ્ટ લાભ થાય “અન્યાયથી મેળવેલું હોય તો એ શુદ્ધિની જાળવણી ન થવાથી એટલો લાભ ન થાય.” એટલો એનો અર્થ કરી શકાય. સંઘે કે કોઈ શ્રાવકે જે રીતે વ્યવસ્થા કરી હોય એ રીતે એ દ્રવ્યનો ઉપયોગ કરવામાં આવે તો એટલા માત્રથી કંઈ એ દ્રવ્ય અન્યાયોપાર્જિત પણ થઈ જતું નથી. હા, “બધાએ બળે ફૂલ ચડાવવાં” એવી વ્યવસ્થા હોય અને કોઈ એક વધુ ફૂલની તફડંચી કરી ત્રણ ફૂલ ચડાવે તો એ જરૂર અન્યાયપ્રાપ્ત કહેવાય. સ્વદ્રવ્ય નથી એટલા માત્રથી જો અન્યાયપાર્જિત થઈ જતું હોય તો જંગલમાંથી ફૂલ ચૂંટીને કે નદીમાંથી નિર્મળ જળ ભરીને પ્રભુભક્તિ કરનારને સુંદર લાભ થઈ ગયાનાં અનેક દૃષ્ટાંતો શાસ્ત્રોમાં જે મોજૂદ છે તે ન હોત. ‘પાંચ કોડિના...” તો વ્યક્તિવિશેષને આ રીતે ખૂબ જ જોરદાર લાભ થઈ ગયો એ જણાવનાર છે, બધાને ઉદ્દેશીને થયેલ કોઈ સામાન્ય વિધાન નથી.