________________
૧૩૭
ભક્તિમાર્ગની આરાધના
ભયગ્રસ્ત બન્યો છે. આત્મા, પરના અધ્યાસે ક્ષણે ક્ષણે મરી રહ્યો છે, કે જે સ્વભાવે જોતાં અમર, અવિનાશી છે. પોતાના ભાનમાં આવનાર મૃત્યુને જીતી શકે છે.
(૪) સાધનામાર્ગ દૃષ્ટિ ભક્તિ : નામસ્મરણઃ સાધનાનો અમૂલ્ય સમય અને અમૂલાં સાધનોનો સદુપયોગ કરવા, અંતરદૃષ્ટિ પ્રયત્નપૂર્વક પ્રગટાવવા અને ધ્યેયને વળગી રહેવા ખૂબ જાગૃતિ રાખશો. ખૂબ લક્ષપૂર્વક ભાવપ્રતિક્રમણ કરીને, હૃદય શુદ્ધ કરી પરમાત્માનું સ્મરણ કરતાં કરતાં, તેમનું નામોચ્ચારણ કરતાં કરતાં શયન કરશો. પરમાત્માના નામસ્મરણમાં અમોધ શક્તિ છે, અજબ તાકાત છે, માત્ર શરત એ છે કે એ પ્રત્યે શ્રદ્ધા, એકાગ્રતા અને પ્રેમ જોઈએ.
....બધામાં અતૂટ સંપ, ઐક્ય જળવાઈ રહે એવાં મધુર, મીઠાં, પ્રેમાળ, નિર્દભી વર્તન રાખશો. ઉપયોગી અભ્યાસની, અનુભવની, પ્રસંગની નોંધ રાખતા રહેશો. તમારામાં ભરેલ આનંદ-પ્રેમના પ્રવાહોની મોજ માણતા રહેશો. કદીયે નિરુત્સાહી, નિરાશાવાદી, હેતવીર્ય, હતપ્રભ ન થશો. સદાય આનંદમાં, પ્રસન્નચિત્ત રહો એ જ ભલામણ છે.
(૫) વક્તાઓના જીવનમાં અનુભવશૂન્યતા : સ્વાનુભવ કરવાની તો આપણા સમાજમાં પ્રથા જ નાબૂદ થઈ ગઈ છે. વ્યાખ્યાનમાં જે કહેવાય છે તે વાંચેલું, ગોખેલું, સાંભળેલું અને એકઠું કરેલું જ મોટે ભાગે હોય છે. અનુભવને અર્થે સાધના કરવાની ટેવ જ નષ્ટ થઈ ગઈ છે. ખરી રીતે પોતાની જાતને શોધી, એની શુદ્ધિ માટે સતત પ્રયત્ન કરનાર જ કાંઈ મેળવી શકે અને મેળવે તો કાંઈક આપી શકે. કોઈને ક્રિયાનું, કોઈને આચારનું, કોઈને શાસ્ત્રો ભણવાનું તો કોઈને વક્તા તરીકેનું ગુમાન વૃદ્ધિ પામતું હોય છે. જેનો નાશ કરવો ઘટે તે જ વૃદ્ધિ પામે, છતાં એ તરફ લક્ષ જ નથી !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org