Book Title: Agam 11 Vipak Shrut Gujarati Translation
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Dipratnasagar, Deepratnasagar
View full book text
________________ આગમસૂત્ર 11, અંગસૂત્ર 11, વિપાકશ્રુતા કોઈ અપરાધ કર્યો નથી, પણ તેના પોતાના કરેલા કર્મો જ અપરાધી છે. સૂત્ર-૧૩ ત્યારપછી ગૌતમસ્વામીએ તે પુરુષને જોઈને, આવો મનોગત સંકલ્પ થયો કે - આ પુરુષ યાવતુ નરકપ્રતિરૂપ વેદના વેદે છે, એમ વિચારી વાણિજ્યગ્રામ નગરમાં ઉચ્ચ-નીચ-મધ્યમ કુળમાં યાવતું ભ્રમણ કરતા, યથાપર્યાપ્ત સામુદાનિક ભિક્ષા ગ્રહણ કરીને વાણિજ્યગ્રામ નગરની મધ્યેથી નીકળી યાવત્ ગૌચરી દેખાડી. ભગવંતને વાંદી-નમીને આ પ્રમાણે પૂછ્યું - હે ભગવન્ ! હું આપની અનુજ્ઞા પામીને વાણિજ્યગ્રામ નગરમાં યાવત્ પૂર્વવત્ કહેવું. ભગવન્! તે પુરુષ પૂર્વભવમાં કોણ હતો ? યાવત્ આવા કષ્ટઅનુભવતો વિચરે છે ? હે ગૌતમ ! તે કાળે, તે સમયે આ જ જંબૂદ્વીપના ભરતક્ષેત્રમાં હસ્તિનાપુર નામે ઋદ્ધિમાનું નગર હતું. ત્યાં સુનંદ નામે મહાન રાજા હતો. તે નગરના બહુમધ્ય દેશભાગમાં એક મોટો ગોમંડપ હતો, જે અનેક સેંકડો સ્તંભ ઉપર રહેલો અને પ્રાસાદીય આદિ હતો. ત્યાં ઘણા સનાથ-અનાથ પશુઓ, નગરની ગાયો-બળદો-વાછરડા-પાડા-સાંઢો રહેતા હતા. તેમને માટે પુષ્કળ ઘાસ અને પાણી હતા, તેથી તેઓ નિર્ભય-નિરુપસર્ગ-સુખે સુખે રહેતા હતા. તે નગરમાં ભીમ નામે કૂટગ્રાહી હતો, જે અધાર્મિક યાવત્ દુષ્કૃત્યાનંદ હતો. તે ભીમ કૂટગ્રાહની ઉત્પલા નામે સર્વાગ સંપન્ન પત્ની હતી. તે ઉત્પલા કૂટગ્રાહિણી કોઈ દિવસે ગર્ભિણી થઈ. તેણીને ત્રણ માસ પરિપૂર્ણ થતા આવા દોહદ ઉત્પન્ન થયા. તે માતાઓ ધન્ય છે, પુન્યવતી છે ઇત્યાદિ યાવત્ તેણીના જન્મ અને જીવિતનું સારું ફળ પ્રાપ્ત થયું છે, જેઓ નગરના ઘણા સનાથ-અનાથ પશુઓના યાવત્ વૃષભોના ઉધમ્, સ્તન, વૃષણ, પુચ્છ, કકુદ, વધ, કાન, આંખ, નાક, જીભ, હોઠ, કંબલ, (આ અવયવો) પકાવેલા, તળેલા, શેકેલા, સ્વયં સૂકાઈ ગયેલા, તેનો લવણાદિથી સંસ્કાર કર્યો હોય, તે સાથે સુરા, મધુ, મેરક, જાતિ, સીધુ, પ્રસન્નાને આસ્વદતી, વિસ્વાદતી, ભોગવતી, ભાગ પાડતી દોહદને પરિપૂર્ણ કરે છે. તો હું પણ ઘણા નગરના પશુ યાવત્ પરિપૂર્ણ કરું. એમ વિચારી, તે દોહદ પરિપૂર્ણ ન થતા શુષ્ક, ભુખ, નિર્માસ, અવરુણા, અવરુણશરીરી, નિસ્તેજ, દીન-વિમન વદનવાળી, પાંડુરક મુખવાળી, નીચા નમેલા નયનવદનકમલા, યથોચિત પુષ્પ-વસ્ત્ર-ગંધ-માળા-અલંકાર-આહારને ન ભોગવતી, હથેળીમાં મસળેલી કમળની માળાની જેમ કરમાયેલી યાવતું ચિંતા કરે છે. આ અવસરે ભીમ ફૂટગ્રાહ, ઉત્પલા કૂટગ્રાહિણી પાસે આવ્યો. આવીને તેણીને ચિંતામગ્ન યાવતું જોઈ જોઈને કહ્યું - હે દેવાનુપ્રિયા ! તું કેમ અપહૃત મનવાળી અને ચિંતામાં છો ? ત્યારે તે ઉત્પલા ભાર્યાએ ભીમ કૂટગ્રાહને કહ્યું - દેવાનુપ્રિય ! મને ત્રણ માસ પૂર્ણ થતા દોહદ ઉત્પન્ન થયો છે કે - તે માતાઓ ધન્ય છે, જે ઘણા પશુઓના ઉધમ્ ઇત્યાદિને સુરાદિ સાથે આસ્વાદતી આદિ દોહદને પૂર્ણ કરે છે. પણ હું તે દોહદને પૂર્ણ કરી શકી નહીં હોવાથી યાવત્ ચિંતામગ્ન છું. ત્યારે તે ભીમ કુટગ્રાહે ઉત્પલાને કહ્યું - દેવાનુપ્રિયા ! તું ચિંતામગ્ન ન થા. હું એવું કંઈક કરીશ, જેથી તારા દોહદો સંપ્રાપ્ત થશે. તેણીને ઈષ્ટાદિ વાણી વડે યાવત્ આશ્વાસિત કરી. પછી તે ભીમકૂટગ્રાહ અર્ધરાત્રિકાળ સમયમાં એકલો, બીજાની સહાય રહિત, બખ્તર બાંધી યાવત્ પ્રહરણ લઈ પોતાના ઘેરથી નીકળ્યો, નીકળીને હસ્તિનાપુર નગરની મધ્યેથી ગોમંડપ પાસે આવ્યો, ઘણા જ નગરના પશુ યાવત્ વૃષભોમાંના કેટલાકના ઉધમ્ છેદે છે યાવત્ કેટલાકના કંબલ છેદે છે, કેટલાકના અન્ય અન્ય અંગોપાંગને વિકલા કર્યા, કરીને પોતાને ઘેર આવ્યો. આવીને તે ઉત્પલા કૂટગ્રાહિણીને આપ્યા. મુનિ દીપરત્નસાગર કૃત “(વિપાકશ્રુત)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 13