Book Title: Virah pan Sukhdayak
Author(s): Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
Catalog link: https://jainqq.org/explore/004855/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર વચનામૃત પત્રક - ૨૪૬ વિવેચન વિરહ પણ સુખદાયક માનવો તારીખ : ૦૭-૦૧-૦૬ સ્થળ : મુંબઈ વર્ષ : ૨૦૦૬ પુષ્પ : ૧ પૂજ્યશ્રી રાકેશભાઈ ઝવેરી Page #2 -------------------------------------------------------------------------- ________________ પત્રક - ૨૪૬ મુંબઈ, વૈશાખ વદ ૩, ૧૯૪૭ વિરહ પણ સુખદાયક માનવો. અતિશય વિરહાગ્નિ હરિ પ્રત્યેની જલવાથી સાક્ષાત તેની પ્રાપ્તિ હોય છે. તેમ જ સંતના વિરહાનુભવનું ફળ પણ તે જ છે. ઈશ્વરેચ્છાથી આપણા સંબંધમાં તેમ જ માનશો. પૂર્ણકામ એવું હરિનું સ્વરૂપ છે. તેને વિષે જેની નિરંતર લય લાગી રહી છે એવા પુરુષથી ભારતક્ષેત્ર માટે શૂન્યવત થયું છે. માયા મોહ સર્વત્ર ભળાય છે. ક્વચિત મુમુક્ષ જોઈએ છીએ; તથાપિ મતાંતરાદિકનાં કારણોથી તેમને પણ જોગ થવો દુર્લભ થાય છે. અમને વારંવાર આપ જે પ્રેરો છો, તે માટે અમારી જેવી જોઈએ તેવી જોગ્યતા નથી; અને હરિએ સાક્ષાત્ દર્શનથી જ્યાં સુધી તે વાત પ્રેરી નથી ત્યાં સુધી ઇચ્છા થતી નથી, થવાની નથી. પ્રેમ એ આત્માની એક અદ્ભુત ચમત્કારિક શક્તિ છે. સર્વ લાગણીઓમાં શ્રેષ્ઠ લાગણી એ પ્રેમ છે. પ્રેમ વિનાનું જીવન નીરસ અને શુષ્ક છે. પ્રેમનો મીઠો સ્પર્શ અંતરના તારને ઝંકૃત કરી દે છે. પ્રેમ પ્રગટે છે ત્યારે હૈયું આનંદથી નાચવા લાગે છે, અસ્તિત્વ આખું આંદોલિત થઈ જાય છે અને તેનાં સ્પંદનો ચારે બાજુ ફેલાય છે. પોતાને તો પ્રેમનો પ્રગાઢ અનુભવ થાય જ છે પણ સમાગમમાં આવનાર વ્યક્તિઓને પણ એનો અનુભવ થાય છે. પ્રેમ એ હૃદયને જોડનારી અદશ્ય દોરી Page #3 -------------------------------------------------------------------------- ________________ છે, બે આત્માઓ વચ્ચે સંધિ કરાવનાર અલૌકિક તત્ત્વ છે. પ્રેમની શુદ્ધિ પૂર્વસંસ્કારોના ઉદયાનુસાર, વર્તમાન જીવનના ઘડતર અનુસાર તથા પ્રાપ્ત નિમિત્તોથી પ્રભાવિત થવાની શક્તિ અનુસાર મનુષ્યની પ્રકૃતિ બદલાયા કરે છે એટલે ષ, કલહ, ક્લેશ, મત્સર, માયા, અહંકાર, ભય આદિ લાગણીઓ ઉત્પન થાય છે અને એ લાગણીઓ પ્રેમના બળને મંદ કરે છે, તેના વિકાસને રૂંધે છે, તેનું સામર્થ્ય નબળું કરે છે, તેનું તેજ ઝાંખું કરે છે. જેમ જેમ જીવનમાં આ વિરોધી ભાવો અને તેનાં કારણો હાનિ પામતાં જાય છે; તેમ તેમ પ્રેમ વિકાસ પામતો જાય છે, વિશુદ્ધ થતો જાય છે. પરંતુ પ્રેમની પૂર્ણતા અને શુદ્ધતા સાંસારિક વ્યક્તિઓના પ્રેમમાં રહી નથી, એ સ્થિતિ તો પરમાત્મા પ્રત્યેના પ્રેમથી જ સંભવે છે. પ્રેમ ત્યારે જ તૃપ્તિ પામે છે કે જ્યારે તે વિરાટ સાથે જોડાય. - અશુદ્ધ પ્રેમ મનુષ્ય પ્રત્યેનો પ્રેમ અપેક્ષા, અહંકાર, શરત, માંગ આદિથી અશુદ્ધ હોય છે. અપેક્ષા પૂરી ન થાય, અહંકાર ટકરાય, સાતત્ય ન રહે ત્યારે તે પ્રેમ દુઃખનો અનુભવ કરાવે છે. પ્રેમમાં અભુત શક્તિ હોવાથી એક તરફ તે સુખનો અનુભવ કરાવે છે તો બીજી તરફ અશુદ્ધતા સહિત હોવાથી તે થકી દુઃખાનુભૂતિ પણ થાય છે. આ દુઃખાનુભૂતિ પીડાદાયક છે તેથી તે આંખ ખોલે છે, અંતરસંશોધનમાં સહાયક બને છે અને એટલે મુક્ત થવાની ઈચ્છા જાગે છે. દુઃખની અનુભૂતિ થાય છે તેમાં દોષ પ્રેમનો નથી પણ પ્રેમ સાથે રહેલી અશુદ્ધિનો છે. પ્રેમ ક્યારેય પણ પીડાનું કારણ નથી થતો. પ્રેમ તો ફૂલ Page #4 -------------------------------------------------------------------------- ________________ છે, પણ સાથે રહેલા અહંકાર, અપેક્ષાદિરૂપ કાંટા નડે છે, પડે છે. આ કાંટાથી મુક્તિ થવી જોઈએ, અશુદ્ધતા ટળવી જોઈએ. પ્રેમ શુદ્ધ ત્યારે થાય છે કે જ્યારે તે વિરાટ પ્રત્યે વહે છે. જ્યાં અહંકાર ઝૂકે છે, અપેક્ષાશૂન્ય થાય છે, ત્યાં પ્રેમ વિકસે છે, પૂર્ણ થાય છે, શુદ્ધ થાય છે. પરમાત્માથી ન્યૂન કોઈ પણ તત્ત્વમાં પ્રેમ જોડાય તો તે પૂર્ણતા નહીં પામે. અને અપૂર્ણ પ્રેમ પીડાને સાથે લઈને આવશે. મનુષ્ય પ્રત્યેના પ્રેમમાં અનુભવાતી આ પીડા સર્જનાત્મક બની શકે છે. મહાસુખની યાત્રા માટે – પરમાત્મા પ્રત્યેની મહાન યાત્રા માટે એ દ્વાર ખોલી આપે છે. સોદાવાળો પ્રેમ પ્રેમના બે ભેદ પડી શકે – અશુદ્ધ પ્રેમ અને શુદ્ધ પ્રેમ. જેને આપણે સામાન્યપણે પ્રેમ કહીએ છીએ, સમજીએ છીએ, એ તો એક બંધન છે. અને જે પ્રેમ બંધન છે, તેને પ્રેમ કહેવો પણ વ્યર્થ છે. આ પ્રકારના પ્રેમમાં બંધન ઉત્પન થાય છે અપેક્ષાથી. અશુદ્ધ પ્રેમમાં કોઈના પ્રત્યે લાગણી જાગે તો છે, પરંતુ એ વખતે નજર “શું મળે છે?' એની ઉપર હોય છે, “શું અપાય છે?' તેની ઉપર નહીં. પ્રેમ સાધન બને છે અને કંઈક પ્રાપ્ત કરવું' એ સાધ્ય બને છે. જાણે પ્રેમ એક પ્રકારનું મૂડીરોકાણ - investment હોયી લેવું મહત્ત્વનું બની જાય છે, આપવું ગૌણ બની જાય છે. ખરેખર તો આપવાનો ભાવ જ નથી. જો ન આપવાથી ચાલતું હોય તો આપવાની ઇચ્છા જ નથી. પણ તેમ થવું શક્ય નથી, તેથી આપવું પણ પ્રાપ્ત કરવા માટે હોય છે. જ્યારે પણ આપણે આપીએ છીએ કંઈક પ્રાપ્ત કરવા, તો આપણે સોદો કરીએ છીએ. સ્વાભાવિક છે કે સોદામાં Page #5 -------------------------------------------------------------------------- ________________ આપણે આપવા ઇચ્છીએ છીએ ઓછું અને પ્રાપ્ત કરવા ઇચ્છીએ છીએ વધારે. સોદાવાળો પ્રેમ વ્યવસાય બની જાય છે. અને વ્યવસાય કલહને ઉત્પન્ન કરે છે, કારણ કે વ્યવસાયના મૂળમાં લોભ, ભેગું કરવું વગેરે ભાવ હોય છે. આપણે હંમેશાં એના ઉપર ધ્યાન આપીએ છીએ કે “કેટલું મળ્યું?' અને નહીં કે કેટલું આપ્યું?' સંસારમાં બધાં કેટલું પ્રાપ્ત થયું?' એમાં જ ઉત્સુક હોય છે. અને તેથી એમ જ લાગે છે કે આપણે તો કેટલું બધું આપ્યું અને સામે મળ્યું કેટલું ઓછું! મા વિચારે છે કે કેટલું કર્યું દીકરા માટે, પણ દીકરાએ શું આપ્યું? પત્ની વિચારે છે કે કેટલું કર્યું પતિ માટે, પણ શું મળ્યું? પતિ પણ વિચારે છે કે પત્ની માટે આટલું કર્યું, પણ તેણે મારા માટે શું કર્યું? જે “આપ્યું-મળ્યું' ભાષામાં વિચારે બોલે તે પ્રેમ નથી કરતો, પ્રેમના નામ ઉપર માત્ર વ્યવસાય કરે છે. દષ્ટિ જ જ્યારે પ્રાપ્ત કરવા ઉપર છે તો પ્રેમ જન્મતો જ નથી. અપેક્ષાવાળો પ્રેમ બંધન બની જાય છે. અને પછી આ પ્રેમથી સિવાય દુઃખ, અશાંતિ, પીડા, કલહ, ક્લેશ, ઝેર કંઈ જ ઉત્પન થતું નથી. શુદ્ધ પ્રેમ એક બીજો પ્રેમ પણ છે કે જે વ્યવસાય નથી, સોદો નથી. એ શુદ્ધ પ્રેમમાં આપવું જ મહત્ત્વપૂર્ણ છે, લેવાનો ત્યાં સવાલ જ નથી. દેવામાં વાત પૂરી થઈ જાય છે. આપવું એ જ સાધ્ય છે. તે લેવા સંબંધી વિચારી જ નથી શકતો. હું પ્રેમ આપું અને નજર લેવા ઉપર રાખું તો બંધન નિર્મિત થાય છે; નજર આપવા ઉપર જ હોય તો મુક્તિનું કારણ બને છે. જ્યાં માંગ, શરત કે અપેક્ષા નથી, ત્યાં પીડા નથી, મુક્તિ છે. જ્યાં માંગ Page #6 -------------------------------------------------------------------------- ________________ ૫ છે, જ્યાં અપેક્ષા છે, જ્યાં શરત છે, જ્યાં અહંકાર છે ત્યાં પીડા છે, બંધન છે. અશુદ્ધ પ્રેમમાં પ્રેમ એ પૂર્ણતા નથી, પ્રેમ વડે કંઈક પ્રાપ્ત કરીને પૂર્ણ થવાની માન્યતા છે. શુદ્ધ પ્રેમમાં પ્રેમ એ જ સાધ્ય છે. પ્રેમ વડે પૂર્ણતા નહીં, પ્રેમ એ જ પૂર્ણતા છે..... જ્યારે પણ આપણે માંગીએ છીએ, બીજી વ્યક્તિને લાગે છે કે તેનું કંઈક ઓછું થયું. તેની પ્રસન્નતા ખોવાઈ જાય છે. તે પરતંત્ર છે. તે મજબૂરીથી આપે છે. તે આપે છે તોપણ કર્તવ્યના કારણે. અને પ્રેમ એટલી કોમળ, એટલી નજાકતભરી ચીજ છે કે કર્તવ્યનો ખ્યાલ આવતાં જ તે મરી જાય છે. મારે આપવું પડશે’ ‘પ્રેમ કરવો પડશે' એવો ખ્યાલ – ફરજનો ખ્યાલ આવતાં જ એ પ્રાણ તિરોહિત થઈ જાય છે કે જેના વડે તે ઉડતો હતો. અહીં પ્રેમ મરી જાય છે. સાચા પ્રેમમાં મુક્તિ છે; કર્તવ્યમાં બંધન છે, પરતંત્રતા છે. પ્રેમ એ મનુષ્યના અંતરમાં થતી એક સૂક્ષ્મ ઘટના છે. મનમાં એનાથી સૂક્ષ્મતર ઘટના બીજી કોઈ થતી નથી. એનાથી સૂક્ષ્મ જે ઘટે છે તે મનની પાર છે, જેને આપણે ભક્તિ કહીએ છીએ. મનની અંતિમ સીમા ઉપર મનનું જે સૂક્ષ્મતર રૂપ ઘટી શકે, તે છે પ્રેમ. પ્રેમ જ્યારે નીચે ઊતરે છે અર્થાત્ કામમાં સરી પડે છે, ત્યારે તે માનસિક ઘટના શારીરિક ઘટના બની જાય છે. પ્રેમ જ્યારે મનને ઉલંઘી જાય છે ત્યારે તે ભક્તિ બને છે, આત્માની ઘટના બની જાય છે. માંગનારને મળતું નથી જે માંગે છે તેને મળતું નથી અને મળતું નથી એટલે તે વધારે ને વધારે માંગે છે. જેટલું વધારે માંગે છે તેટલું વધારે Page #7 -------------------------------------------------------------------------- ________________ નથી મળતું..... નહીં મળવાને કારણે તે સદા ભિખારી જ રહે છે. તેનું ભિખારીપણું મટતું નથી. અને જે માંગવાનું બંધ કરે છે, તેને મળે છે. માંગ બંધ થાય, અપેક્ષાઓ ન રહે તો બધેથી મળ્યા જ કરે છે! જે દિવસે કોઈ માંગ નહીં રહે તે દિવસે જગતનો પ્રેમ વરસી રહેલો અનુભવાશે. માંગવાવાળો ભિખારી બને છે, ન માંગવાવાળો સમ્રાટ બની જાય છે. જે આપ્યા જ કરે છે, તે માલિક છે. આમ, જે અપેક્ષારહિત, બિનશરતી, બંધનમુક્ત છે તે પ્રેમ છે. તે સ્વયં પરિતૃપ્તિ છે - fulfilment in itself! તેને પછી' સાથે કોઈ સંબંધ નથી. જે પ્રેમમાં માંગ છે તે કહે છે કે “હમણાં હું આપું તો પછી મને કંઈક મળશે'; પરંતુ શુદ્ધ પ્રેમને હમણાં જ બધું મળી જાય છે, આપવામાં જ તે પૂર્ણતા અનુભવે છે. આપણી સમજ એમ છે કે પ્રેમ કરીએ છીએ કંઈક પ્રાપ્ત કરવા માટે. પરંતુ પ્રેમનો બધો જ આનંદ કરવામાં છે, કંઈક પ્રાપ્ત કરવામાં નહીં. ' પ્રેમની પૂર્ણતા પ્રેમમાં જ હૉલન્ડના પ્રસિદ્ધ ચિત્રકાર વાનગોગે આશરે 300 ચિત્રો બનાવ્યા હતા. તે જીવતો હતો ત્યારે તો તેનાં ચિત્રો ખાસ વેચાયા નહીં અને હવે એ ચિત્રોનું મૂલ્ય લાખો રૂપિયા મુકાય છે. તેનું જીવન દરિદ્રાવસ્થામાં પસાર થયું હતું. તેનો ભાઈ થિયો તેને સાત દિવસના બેડના પૈસા આપતો. વાનગોગ એમાંથી ચાર દિવસ ખાતો અને ત્રણ દિવસના પૈસા બચાવી એમાંથી તે કેનવાસ, રંગો વગેરે ખરીદી લાવતો તથા ચિત્રો બનાવવાનું ચાલુ રાખતો. થિયો તેને સમજાવતો કે “છોડ આ કાર્ય! શું મળે છેઆમાંથી?' પરંતુ વાનગોગ કહેતો, “આ દ્વારા કંઈ નથી જોઈતું, આમાં જ મને મળે છે. બનાવું છું ત્યારે જ Page #8 -------------------------------------------------------------------------- ________________ મને મળી જાય છે, ‘પછી' સાથે કોઈ સંબંધ નથી! ચિત્રો બનાવતી વખતે, રંગ પૂરતી વખતે જ પ્રાણ ખીલી જાય છે, અંતર રંગાઈ જાય છે અને સૌંદર્ય પ્રગટ થાય છે. ચિત્રમાં સૂર્યોદય બનાવતાં અંતરમાં સૂર્યોદય થઈ જાય છે. તેની પછી, તેની પાર કે તેની બહાર વાત જ વ્યવસાયી છે. હું દુકાનદાર નથી, ચિત્રકાર છું.’ છે જીવનભર ચિત્રો ન વેચાયા. દુનિયાને ‘બિચારો' લાગે પણ તે દુ:ખી ન હતો, આનંદિત હતો. તેને જે જોઈતું હતું એ મળી ગયું હતું. વાનગોગની કળા પ્રત્યેની પ્રીતિ અને ખુમારી થિયો સમજી શક્યો ન હતો. ભાઈને મદદ કરવાના આશયથી એક વાર થિયોએ એક માણસને થોડા પૈસા આપી કહ્યું કે વાનગોગ પાસે જઈ ચિત્ર ખરીદી લાવ. પણ વાનગોગને સાચી વાતની ખબર પડી ગઈ. તેથી તેણે પોતાનું ચિત્ર ન વેચ્યું. તેણે જોઈ લીધું કે થિયોએ મોકલેલ માણસને ચિત્રોમાં કોઈ રસ ન હતો, એની દૃષ્ટિ ચિત્રોમાં ઊતરી ન હતી, ચિત્રો એને સ્પર્શ કરી શક્યા ન હતા. વાનગોગની આંખમાંથી આંસુ સરી પડ્યા કે આવા દુર્લભ ચિત્રની ‘કિંમત' એ ન કરી શક્યો..... પ્રેમ જો સાચો હોય તો તે કંઈ જ માંગતો નથી. ત્યાં કોઈ અપેક્ષા હોતી નથી. તે પ્રેમ કરવામાં જ રાજી થઈ જાય છે, છલાંગ મારે છે, ઊંચાઈ પ્રાપ્ત કરે છે. આનંદની ઘટના આપતી વખતે જ ઘટે છે. જે પ્રેમની ક્ષણમાં જ આનંદ છે, તે પ્રેમ શુદ્ધ પ્રેમ છે. આવા પ્રેમમાં તૃપ્તિ છે, શાંતિ છે, મુક્તિ છે. પ્રેમની શક્તિને બે પ્રકારમાં વિભાજિત કરી શકાય. આ લાગણીનાં બે રૂપ છે - કામ (અશુદ્ધ પ્રેમ) અને ભક્તિ (શુદ્ધ પ્રેમ). Page #9 -------------------------------------------------------------------------- ________________ કામ પહેલું રૂપ, જેનાથી સૌ પરિચિત છે, એ છે કામ. કામ એટલે બીજા પાસેથી લેવું પણ આપવું નહીં. પોતાની સિદ્ધિ, શાંતિ, સુખાકારી, સફળતા આદિ માટે બીજામાંથી કંઈક પ્રાપ્ત કરવાની વૃત્તિ-પ્રવૃત્તિ હોય, તો એ છે કામ. વાસના લે છે, આપતી નથી; માંગે છે, પ્રત્યુત્તર વાળતી નથી. તે આપવાનો દેખાવ કરે છે, કારણ કે તે વિના મળતું નથી, પરંતુ મૂળમાં કંઈક મેળવવાની જ અપેક્ષા છે. કેટલાક લોકો કહે છે કે અમને કોઈ પ્રેમ નથી કરતું. તેમને કહેવું પડે છે કે સમસ્યા એ નથી કે તમને કોઈ પ્રેમ નથી કરતું, સમસ્યા તો એ છે કે તમે કોઈને પ્રેમ નથી કરતા..... આના ઉપર તેઓએ વિચાર જ કર્યો હોતો નથી. વાસના માંગે છે, આપવા નથી ઇચ્છતી. કામ કૃપણ છે, ભેગું કરવા ઇચ્છે છે. તેમાં વહેંચણી નહીં, એક પ્રકારનું શોષણ હોય છે. અને જ્યારે બે કામુક મનુષ્ય ભેગા થાય છે, ત્યારે બહુ મુશ્કેલી ઊભી થાય છે કારણ કે બને ભિખારી છે, બને માંગે છે, અને એકબીજાને એમ બતાવે છે કે પોતે આપવા તત્પર છે પણ ખરેખર તો તે બને લેવા જ બેઠા છે. પણ આ છળ કેટલું ચાલશે? તેથી આવી ભાવદશાવાળાનું જીવન અનિવાર્યપણે દુઃખપૂર્ણ જ રહેશે. એમાં સુખની સંભાવના જ નહીં હોય. કામમાં તમે માંગો છો અને ભિખારી બનો છો. આપતાં ડરો છો તેથી દેતા નથી. આપવાનો માત્ર દેખાવ કરો છો જેથી મળી શકે. અને જો ક્યારેક આપો છો તોપણ એવું જાણે માછીમારનો કાંટો! માછલી પકડવા માટેના કાંટામાં જે કાંઈ Page #10 -------------------------------------------------------------------------- ________________ ૯ ખાદ્ય પદાર્થ લગાડવામાં આવે છે તે માછલીનું પેટ ભરવા નહીં પણ પોતાનું પેટ ભરવા, માછલીને આહાર મળે તે માટે નહીં પણ માછલીનો આહાર પોતાને મળે તે માટે! આમ, તમે આપો છો એ પણ બીજામાંથી વધારે મળે એ માટે બીજાને ફસાવવા માટે... પણ મજા તો એ છે કે બીજો પણ માછીમાર છે અને એણે પણ કાંટા ઉપર આહાર લગાડી રાખ્યો છે! અને બન્નેના કાંટા જ્યારે ભટકાય છે ત્યારે પીડાનો અનુભવ થાય છે. ભક્તિ પ્રેમનું બીજું રૂપ છે ભક્તિ. તેમાં માત્ર આપવામાં આવે છે, લેવાની વાત નથી. કામથી તદ્દન વિપરીત! કામ અને ભક્તિની વચ્ચે પ્રેમ છે. કામી દુ:ખી છે, પ્રેમી શાંત થાય છે અને ભક્ત આનંદિત થાય છે. આ વાતને સમજીએ. ભક્તિ કામથી બિલકુલ ઊલટી ઘટના છે - ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ જેવી. ભક્ત આપે છે, બધું આપે છે, પોતાને પૂરેપૂરો આપી દે છે - કંઈ બાકી જ નથી રાખતો. આને જ કહેવાય સમર્પણ. તે પોતાને પણ બચાવી રાખતો નથી, આપવાવાળાને પણ આપી દે છે! અને સામે માંગતો કંઈ જ નથી. ન સ્વર્ગ, ન મોક્ષ - કંઈ જ નથી માંગતો. માંગ ઊઠી કે ભક્તિમાં દોષ આવ્યો. માંગ ઊઠી એટલે ભક્તિ પ્રેમ કે કામ બની જાય છે. જ્યાં નિષ્કામભાવે કંઈ જ આપવામાં ન આવે એ છે કામ. જ્યાં આપવામાં આવે એ છે પ્રેમ. ઘણું આપો ત્યાં સુધી પ્રેમ, પરંતુ જ્યારે આપવા માટે કંઈ જ બાકી ન રહે ત્યારે તેને ભક્તિ કહેવાય. આપવામાં, વિલીન થઈ જવામાં જ જેને સલામતી લાગે, એ જ ભક્તિ કરી શકે. પ્રેમ અને પરમાત્મા તો સાધ્ય બનવા જોઈએ. એને Page #11 -------------------------------------------------------------------------- ________________ ૧૦ બદલે તેમને સાધન બનાવી દેવામાં આવે છે – પોતાની ઈચ્છા પૂરી કરવા માટેના! પ્રાર્થનાના નામે પણ ભીખ જ માંગવામાં આવે છે. બધું જ દાન કરી દો - ત્યાં સુધી કે દાન કરતાં કરતાં દાતાનું પણ દાન થઈ જાય..... ' એવું નથી કે ભક્તને કંઈ મળતું નથી. ભક્તને જેટલું મળે છે તેટલું તો કોઈને નથી મળતું. પરંતુ તે માંગતો નથી. તે તો માત્ર પોતાને ખાલી કરી દે છે. અને પરિણામે તેને પૂરો પરમાત્માં મળી જાય છે. પરંતુ આ પરિણામ છે, તેની આકાંક્ષા કે માંગ નહીં. ભક્ત પોતાને સમગ્ર ભાવથી, પરિપૂર્ણભાવથી આપી દે છે. અને જેટલો તે પોતાને આપી દે છે, તેટલા પરમાત્મા તેના ઉપર વરસે છે. જે પ્રાપ્ત કરવા જેવું છે એ બધું જ તે પ્રાપ્ત કરી લે છે. તે અનંતને પ્રાપ્ત કરી લે છે. અનુગ્રહભાવ - તેથી ભક્ત હંમેશાં એમ કહે છે કે પરમાત્માની અનુકંપાથી મળ્યું, અનુગ્રહથી મળ્યું. મેં માંગ્યું ન હતું, એમણે આપ્યું. હું તો અપાત્ર હતો, તોપણ એમણે મારા પાત્રને ભરી દીધું. હું તો યોગ્ય ન હતો. એમણે સ્વીકાર કર્યો એ જ મોટી વસ્તુ - ઘટના છે. - ભક્તિ એટલે અનુગ્રહની અભિવ્યક્તિ, ભીખ નહીં. જે મળ્યું છે એના માટે Thank you'(“ધન્યવાદ')ની અભિવ્યક્તિ. 'Please' નહીં - વિનંતી નહીં, માંગ નહીં, ભીખ નહીં..... આપણે ભક્તિન, ભજનનો અર્થ ભીખ કરી નાંખ્યો છે. જાણે પરમાત્મા પાસે માંગવું એ ઉપાસના અને સંસારી પાસે માંગવું એ વાસના! ના, એવું નથી. આ સત્ય સમજી લેવાની જરૂર છે કે ન માંગવું એ ઉપાસના છે અને માંગવું એ જ વાસના છે – Page #12 -------------------------------------------------------------------------- ________________ ૧૧ પછી કશે પણ હોય! જે મળ્યું એને માટે બસ ઉપકૃતિનો ભાવ હોય, વિનંતી પણ નહીં! આપણે વિનંતી અને પ્રાર્થનાના નામે પણ માંગણી જ કરતાં હોઈએ છીએ, શાંતિના નામે સંયોગોની અનુકૂળતા માંગીએ છીએ..... લોકો ભક્તિ નથી કરતા, સોદો કરે છે. જાપની ગણતરી રાખે છે – “એક લાખ જાપ થયા'! જાણે એટલી bank balance (બેંકમાં સિલક) ઊભી થઈ, જેની સામે ખરીદી થઈ શકે, સોદો થઈ શકે..... - ભક્તિમાં તો બધું જ આપી દેવાનું હોય. જ્યાં થોડું આપવાનું હોય, ત્યાં હિસાબ રાખેલો કામનો. ભક્તિમાં તો જેટલી તૈયારી થઈ, એટલું આપતા જવાનું હોય. પૂર્ણ તૈયારી થશે ત્યારે પૂર્ણ આપીશું. હમણાં જેટલી તૈયારી થઈ, એટલું ધરી દેવાનું હોય ત્યાં ગણતરી શી? ગણતરી અને હિસાબ રાખવાની વૃત્તિ જ બતાવે છે કે આ વ્યવસાય છે, પ્રેમ નહીં. ફળની માંગણી ભક્તિમાં ન હોય. ભક્તિ એ તો ગહન ભાવદશા છે. ભક્તિ એટલે કેવળ અહોભાવ! પ્રદર્શન નહીં આપણે ભક્તિમાં પ્રદર્શન કરીએ છીએ, પણ ભક્તિ એટલે તો એનું એક થવું! ભજન કરનારો ભક્ત અને સાંભળનાર ભગવાન એમ બે છે, તેમાંથી એક થવાનો પ્રયત્ન તે ભક્તિ. એમાં ત્રીજો કેમ આવ્યો? સાચી ભક્તિમાં ત્રીજાની અપેક્ષા નથી. જ્યાં સાચી ભક્તિ ન હોય ત્યાં પાડોશીને જણાવવાની વૃત્તિ રહે. પ્રચાર થાય, ઘોષણા થાય. ઈચ્છા થાય કે બધાં જાણે-વખાણે. જ્યાં ગહન ભાવદશા છે ત્યાં આવી વૃત્તિ નથી હોતી, અન્યની અપેક્ષા નથી હોતી. Page #13 -------------------------------------------------------------------------- ________________ ૧૨ - સામાન્યપણે બે વ્યક્તિ જે લૌકિક પ્રેમમાં હોય તે પણ એકાંત ઈચ્છતાં હોય છે. તેમને તદ્દન એકાંત જોઈતું હોય છે. પ્રકાશને પણ બુઝાવી દે છે. એની હાજરી પણ વિક્ષેપરૂપ લાગે છે. આત્મીયતાની ક્ષણોમાં કોઈ હસ્તક્ષેપ ન હોય એમ ઇચ્છે છે. જો સંસારગત પ્રેમમાં પણ એકાંતની અપેક્ષા રહે છે તો અસંસારગત ભાવોમાં – પ્રેમની ઉત્કૃષ્ટતામાં તો એ અત્યધિક આવશ્યક છે. લોકોનું ઊલટું છે. જેમ ભક્તિમાં વધુ જોડાય, બતાવવાનો ભાવ વધુ ઉછાળો મારે છે. જીવન એક નૃત્ય જેને સાચી ભક્તિ પ્રગટી છે એ તો ઊડી ભાવદશામાં હોય છે. એનું હૃદય પરમ પ્રેમથી ભરાઈ જાય છે. એની જીવનદષ્ટિ બદલાઈ જાય છે. એની ચાલ બદલાઈ જાય છે. પહેલાં જે જે કૃત્યો કરતો હતો - ખાવું, પીવું, ઊઠવું, બેસવું, બોલવું, ચાલવું, સૂવું, જાગવું – તેમાં એક ઘસડાવાપણું હતું. હવે એની ચાલમાં એક નૃત્ય હોય છે. જે જે વ્યવસાય વગેરેની ફરજો એ કરતો હતો, તેમાં એક કંટાળો હતો. હવે એની દરેક ક્રિયામાં નૃત્ય છે. એની દરેક ક્રિયા નૃત્ય બની ગઈ છે. તેથી જ મીરાંબાઈ કહે છે - “પગ ઘુંઘરૂ બાંધ મીરાં નાચી.’ નાચવાનો અર્થ છે - એક ઊંડી ભાવદશાપૂર્વક કૃત્ય થવાં. પરમાત્મારૂપી ઘુંઘરૂ લાગી ગયા હોવાથી એની ચાલમાં પરમાત્માનું અનુસંધાન છે. એના જીવનમાં એક ઊંડી શાંતિ અને તૃપ્તિનો અનુભવ છે. અહંમુક્તિ અને તૃષ્ણારહિતતાના કારણે સંકલ્પ-વિકલ્પની મંદતા વર્તે છે. એનું વ્યક્તિત્વ પવિત્ર અને પ્રસન્ન બની જાય છે. એના દરેક કર્મમાંથી એક જુદી જ મીઠાશ, એક જુદી જ સુગંધ, એક જુદો જ રંગ નીતરે છે. એની મન-વચન-કાયાની બધી જ પ્રવૃત્તિમાં પ્રભુનું સ્મરણ Page #14 -------------------------------------------------------------------------- ________________ ઝળકે છે. ધર્મની પરિભાષા ભક્ત જ્યારે પરમ ભાવદશામાં હોય છે ત્યારે જગત જેને ધર્મ કહે છે, ધાર્મિકતા કહે છે, તેનાથી ભિન્ન પ્રકારે પ્રવર્તન થતું હોય છે. જગતની ધર્મ વિષેની જે પરિભાષા છે તે પ્રમાણે તેઓ કરતા દેખાતા નથી. ક્રિયાકાંડ તેમની ભાવદશામાં બાધક બને છે. તેમની ભાવદશા વિધિ-નિષેધથી પર થઈ ગઈ હોય છે. આ સંદર્ભમાં એચ. જી. વેલ્સ નામના પશ્ચિમના એક મોટા ઈતિહાસવિદ ગૌતમ બુદ્ધના સંબંધમાં કહેલું વચન યાદ આવે છે – “There has been nowhere such a Godlike man and so Godless.' - આવી વ્યક્તિ કદી ક્યાંય થઈ નથી કે જે આટલી બધી પરમાત્મા જેવી હોય અને છતાં અધર્મી હોય! અજ્ઞાનીની ધર્મની પરિભાષામાં તેઓ ધાર્મિક લાગતા નથી તેથી Goddess (અધર્મી, નાસ્તિક) પણ ભાવદશા તેમની ઘણી ઊંચી અને શુદ્ધ હોવાથી Godlike (પરમાત્મા જેવા)! તેઓ એક જુદી જ દૃષ્ટિથી જગતને નિહાળે છે. તેઓ સર્વમાં પરમાત્મા જ નિહાળે છે. એક વાર કબીરજીને વેશ્યાને ત્યાં રહેવાનું થયું. લોકોએ વિરોધ ઊઠાવ્યો તો કબીરજીએ કહ્યું કે “જો વેશ્યાના અંતરમાં પરમાત્મા રહી શકતા હોય તો હું તેના ઘરમાં કેમ ન રહી શકું?.....' વિચાર અને ભાવ આમ, ભક્ત એક જુદા જ સ્તર ઉપર રહેતા હોય છે. તેમની ભાવદશા ઘણી ઊંચી હોય છે. તેમની પરિણતિ એટલી Page #15 -------------------------------------------------------------------------- ________________ ૧૪ બધી ઊંડી ઊતરી ગઈ હોય છે કે વિચારથી તે પાર થઈ જાય છે. વિચાર અને ભાવમાં ફેર છે. વિચાર એક આંતરિક ઘટના છે, જે તમારા મસ્તકમાં ચાલતી હોય છે. ભાવ એક સવગી ઘટના છે, જે તમારા પૂરા અસ્તિત્વમાં ગુંજતી હોય છે. વિચાર તમારા એક અંશમાં ચાલે છે. તે તમારા સમગ્ર અસ્તિત્વમાં વ્યાપીને રહી શકતી નથી. તમારા મનમાં એક વિચાર ચાલતો હોય - દા.ત. ભગવાનનો – તો તમારો રોમ રોમ એ વિચારથી રંગાઈ જતો નથી. વિચાર મનમાં ચાલતો રહેશે. તે હૃદયના ધબકારમાં ગુંજી નહીં ઊઠે. તમે ભગવાનનો વિચાર કરતા રહેશો પણ તમારા પગને એની કોઈ ખબર નહીં મળે. તમારા હાડકાં-માંસ-મજ્જાને તેની કોઈ ખબર નહીં મળે. વિચાર ઉપર ઉપરથી ચાલ્યા જશે. જાણે સાગર ઉપર કાગળની એક નાવ મૂકો. એને સાગરની ઊંડાઈનો ખ્યાલ નહીં આવે. સાગરના તળને એની કોઈ ખબર નહીં પડે. વિચાર કાગળની એ નાવ છે કે જે તમારા મસ્તકમાં - અસ્તિત્વની સપાટી ઉપર ડોલતી રહે છે. તમારા ભીતરને એની કાંઈ ખબર નથી મળતી. ભાવ સવગી અવસ્થા છે. સમગ્ર અસ્તિત્વ - રોમ રોમ તેનાથી ભરાઈ જાય છે. ભાવનો ગુણધર્મ નિર્વિચાર છે. જેમાં ભાવ વધે છે, વિચારો શાંત થતાં જાય છે, તરંગો શાંત થતાં જાય છે. ગહન ભાવદશામાં વિચાર કરવાની સુવિધા હોતી નથી, જરૂર પણ નથી. પ્રેમનો વિચાર તેઓ જ કરે છે કે જેમણે પ્રેમની ભાવદશાને જાણી નથી, માણી નથી. ભોજનનો વિચાર તેઓ જ કરે છે કે જેમણે ભોજન નથી કર્યું. ભરેલા પેટવાળો ભોજનનો વિચાર કરતો નથી. ભોજનથી મળી જાય છે તૃપ્તિ. વિચાર ત્યાં ખોવાઈ જાય છે. તે Page #16 -------------------------------------------------------------------------- ________________ ૧૫ વિચાર વિના અસ્તિત્વ હોઈ શકે છે પણ ભાવ વિના તે એક પળ પણ હોઈ શકતું નથી. અસંજ્ઞીના ભવમાં વિચાર નથી અને અમનની ભૂમિકામાં પણ વિચાર નથી. પણ ભાવ વિના અસ્તિત્વ નથી અને ભક્તિ એટલે એક ઊંડી ભાવદશા. ભક્તિનું કાર્યક્ષેત્ર વિચાર નહીં, ભાવ છે. ભક્તિ એક એવી ઊંચી દશા છે કે જ્યાં માત્ર વિચારશૂન્યતા નથી, એની સાથે આનંદનો વિસ્ફોટ પણ છે. ભક્તિમાં વિચારોથી પાર થવાય છે, એટલું જ નથી થતું, આનંદનું પ્રગટવું પણ થાય છે. ઝેર તો ખાલી થઈ જાય છે અને અમૃતથી ભરાઈ જવાય છે. આ ભાવદશાના કારણે જીવન આનંદની અભિવ્યક્તિ બની જાય છે, એક ઉત્સવ બની જાય છે. પ્રેમ અને વિરહ આ પ્રેમનો વિકાસ થતાં ભાવની આવી પ્રગાઢતા પ્રગટે છે. પ્રેમ એક અદશ્ય લોહચુંબક જેવું કાર્ય કરે છે. જેને જેના પ્રત્યે પ્રેમ હોય છે, એને જ તે ઇચ્છજ્જા કરે છે. સમાગમટાણે આનંદવિભોર થઈ જાય છે અને સમાગમના અભાવમાં - વિરહકાળે પ્રેમપાત્રનું જ સ્મરણ રહે છે, એના જ સમાગમની અભિલાષા તે પોષતો રહે છે, એની જ સ્મૃતિ તે રાખ્યા કરે છે. સ્મૃતિ દ્વારા કે મળવાની તીવ્ર અભિલાષા દ્વારા પ્રેમની માત્રા વિકસતી હોય છે. દર્શનકાળે તો પ્રેમનો વિકાસ થાય જ છે પરંતુ સ્મરણથી પણ પ્રેમનો વિકાસ થાય છે, પરિણામે વિરહકાળે પ્રેમનો પ્રભાવ અતિશયતાને પામતો જાય છે. આ રીતે સંયોગ અને વિયોગ બન્ને અવસ્થામાં પ્રેમનું સ્વરૂપ વધુ ને વધુ પ્રકાશિત થતું જાય છે. આમ હોવા છતાં પ્રેમનું સ્વરૂપ તેવી ઉચ્ચ સ્થિતિએ સ્થાપિત થયું ન હોય ત્યારે વિરહકાળની વેદના વિકટ બની જાય Page #17 -------------------------------------------------------------------------- ________________ છે. ઈષ્ટના સમાગમ વિના આયુષ્યની એક પળ પણ વિતાવવી કઠણ પડે છે અને જીવન કેમ જશે તેની વિટંબણા ક્યારેક અકળાવે છે. ચિત્ત અન્ય સ્થળે રોકાયેલું હોવાથી વ્યવહારનાં કાર્યો અસ્તવ્યસ્ત જેવાં થઈ જાય છે, મિલનની ઝંખનામાં ઊંઘ વેરણ બને છે, ક્યારેક આંખોમાંથી અશ્રુબિંદુઓ પણ સરી પડે છે. . પ્રેમનું સ્વરૂપ વિશુદ્ધ થતાં વિયોગનું દુઃખ મૌનપણે વેદાય છે. તેના બાહા ચિહ્નો અદશ્ય થાય છે, અંતરમાં શાંતતા વેદાય છે. વિયોગવેળાએ જે પ્રેમાગ્નિ જાગે છે તે પ્રમાગ્નિની જ્વાળા મોહ, વાસના, કષાયો, દોષો વગેરેને કચરાની જેમ બાળી નાંખે છે અને અંતરને સાફ કરે છે. વિયોગનું દુઃખ એને પરથી ઉદાસીન બનાવે છે. અંતરમાં પવિત્રતા અનુભવાય છે. - આધ્યાત્મિક વિકાસ જીવના અધ્યાત્મવિકાસ અનુસાર વિરહની ચાર ભૂમિકા જોવા મળે છે : (૧) પ્રથમ ભૂમિકામાં ગુરુ સામે હોય, પરમાનંદમય અસ્તિત્વની ઉપસ્થિતિ હોય તો પણ જીવનું જોડાણ તેમની સાથે થતું નથી, તે“આનંદવિભોર બનતો નથી; અર્થાત્ તેના માટે ગુરુની ઉપસ્થિતિ અનુપસ્થિતિવત્ છે. (૨) બીજી ભૂમિકામાં જીવને પ્રેમ પાંગર્યો હોવાથી ગુરુની ઉપસ્થિતિમાં આનંદનો અનુભવ થાય છે, પણ અનુપસ્થિતિમાં વિરહ વેદાતો હોવાથી દુ:ખનો અનુભવ થાય છે. આ ભૂમિકા ઉપસ્થિતિમાં ઉપસ્થિતિ અને અનુપસ્થિતિમાં અનુપસ્થિતિની છે. (૩) ત્રીજી ભૂમિકામાં પ્રેમ શુદ્ધતર બન્યો હોવાથી સ્મરણ એટલું પ્રગાઢ બને છે કે ગુરુની અનુપસ્થિતિમાં પણ તેમની ઉપસ્થિતિ વેદાય છે. Page #18 -------------------------------------------------------------------------- ________________ ૧૭ (૪) અંતિમ ભૂમિકામાં પ્રેમ પૂર્ણતાને પામ્યો હોવાથી ઉપસ્થિતિઅનુપસ્થિતિ કે નિકટ-દૂર જેવું કંઈ રહેતું નથી. સમગ્ર દિશાઓમાંથી પરમાત્માનો સ્પર્શ સાંપડે છે. ગુરુ સાથે એકતા સ્થપાઈ ચૂકી છે. પરમ નિકટતાની આવી પ્રગાઢ અનુભૂતિમાં એકતાનો - એકરૂપતાનો અતિ ઉત્તમ અને આનંદપૂર્ણ અનુભવ થાય છે. પરમકૃપાળુદેવે લખ્યું છે ને - “હે કૃપાળુ! તારા અભેદ સ્વરૂપમાં જ મારો નિવાસ છે ત્યાં હવે તો લેવા દેવાની પણ કડાકૂટથી છૂટા થયા છીએ અને એ જ અમારો પરમાનંદ છે.” (પત્રાંક-૬૮૦) વિરહ નહીં સહેવાય આમ, પ્રેમ એ વિકાસના સ્વભાવવાળું પરમ તત્ત્વ છે. જ્યારે પ્રેમ વ્યક્તિઓના પ્રેમથી ઉપર ઊઠે છે અને પરમાત્માનો પ્રેમ જાગે છે, ત્યાર પછી એક પળ પણ તેના વિના જીવવું અશક્ય બને છે, અસહ્ય બને છે. તેના વિના કશું જ સાર્થક નથી લાગતું. વિરહનો એવો ભાવ ઊઠે છે કે તેને પ્રાપ્ત કરવા બધું દાવ ઉપર લગાવી દેવા પણ તૈયાર થઈ જાય છે. તેનું અંતર પોકાર કરે છે કે હું મને ખોવા તૈયાર છું પણ હવે તને ખોવા તૈયાર નથી. જે કિંમત ચૂકવવી પડે તેને માટે તૈયાર છું, પણ તારા વિના નહીં રહેવાય..... પરમાત્મા કે સગુરુ પળભર પણ ભુલાય નહીં. અવસ્થા બદલાય, સંજોગો બદલાય પણ તે ન ભુલાય. જેમ કૂવે પાણી ભરવા ગયેલી સ્ત્રી પાણી ભરીને પાછી આવતી હોય, સખીઓ સાથે વાતચીત કરતી હોય, તાળી પાડતી હોય પણ તેનું ચિત્ત તો ઘડા ઉપર જ હોય. બધું કરે પણ ઉપર ઉપર, તેનું ધ્યાન માત્ર ઘડા ઉપર! તેનું ધ્યાન તૈયાર નથી. જે મને ખોવા થઈ જાય છે. તે Page #19 -------------------------------------------------------------------------- ________________ ૧૮ એટલું પ્રબળ હોય કે તેના વડે જ ઘડો સંભાળાય છે. હાથથી પકડવો કે સંભાળવો નથી પડતો. ઘડાના સ્મરણમાં એટલી તાકાત છે કે એ સ્મરણ જ ઘડાને સંભાળે છે. યાદ એટલી બધી મજબૂત કે વાતો કરે, ગીત ગાય, હસે, ચાલે પણ બધું ઉપલકપણે...... તેની ચેતના તો ઘડો સંભાળવામાં જ રોકાયેલી છે કે ક્યાંક મારો ઘડો ફૂટી ન જાય. એમ ભક્તની પૂરી તાકાત પરમાત્માના અનુસંધાનમાં લાગેલી છે કે ક્યાંક એ છૂટી ન જાય. વિરહ કઈ રીતે જાગે? પ્રશ્ન : હરિનો ભેટો થયા વિના તેનો વિરહ કઈ રીતે અનુભવાય? વિરહ તો તેનો થાય કે જેનો કંઈક પરિચય થયો હોય, જેની સાથે મિલન થયું હોય, જેનું દર્શન થયું હોય. જેનું મિલન જ થયું નથી એવા હરિનો વિરહ કઈ રીતે સાલે? તેના પ્રત્યે પ્રેમ કઈ રીતે જાગે અને વિકાસ પામે? અને જો વિરહ ન જાગ્યો તો હરિની સાક્ષાત્ પ્રાપ્તિ કઈ રીતે થશે? શું અમારા અંતરમાં આ ઘટના કદાપિ ઘટિત નહીં થઈ શકે? - સમાધાન જરૂર થઈ શકે, જો તમને કોઈ એવી વ્યક્તિ મળી જાય કે જેના જીવનમાંથી તમને પ્રભુમિલનની સુગંધ આવતી હોય, જેના પગલામાંથી તમને પરમાત્માની ધૂન સંભળાતી હોય. એક એવું બુંદ જો મળી જાય જેમાં સમગ્ર સાગર તમને હિલોળા લેતો દેખાતો હોય, એક એવું પાંદડું કે જે આખા વૃક્ષનો સંકેત આપે તો અવશ્ય તમારામાં એ ઘટના જન્મ પામે. તેને જોઈને તમે પરોક્ષપણે પરમાત્માના પ્રેમમાં પડો તો પછી તમારી યાત્રા શરૂ થઈ જાય. શ્રીગુરુના સમાગમ વિના વિરહ વેદના ઊઠતી નથી. કબીરજીના ગુરુ હતા રામાનંદ. કબીરજી તેમનો નિત્ય છે ? " Page #20 -------------------------------------------------------------------------- ________________ ૧૯ સમાગમ કરે. તેમને નાચતાં જુએ, તેમનામાંથી આનંદનાં ઝરણાં ફૂટે એનો સ્પર્શ કરે અને ક્રમશઃ તેમની દરેક ચેષ્ટામાં કબીરજીને એક પ્રજ્વલિત જ્યોતિ દેખાવા લાગે છે. જેમ કોઈ ટૉર્ચ હોય અને તેને ચાલુ કરવામાં આવે, પછી તેને ઊંચીનીચી, આડી-અવળી ગમે તેમ ફેરવો, તે પ્રજ્વલિત જ રહે છે. ધીરે ધીરે ટૉર્ચ ભુલાતી જાય અને માત્ર પ્રકાશ જ દેખાય, તેમ રામાનંદની દરેક અવસ્થામાં કબીરજીને પ્રજ્વલિત જ્યોતિનાં દર્શન થાય. રૂપ ભુલાતું જાય અને અરૂપ દેખાય. રામાનંદની પાસે બેસતાં બેસતાં રામની પાસે બેઠાનો અનુભવ થાય, કારણ કે રામાનંદ એટલે રામને પ્રાપ્ત કરીને મળેલો આનંદ. રામ મળી જાય તેનું જીવન આનંદથી ભરાઈ જાય. રામની ખબર ન હતી કબીરજીને પણ રામાનંદની પાસે બેસવાથી રામની ખબર મળી. હજી તો પરોક્ષ પરિચય જ અને છતાં પ્રત્યક્ષની તાલાવેલી જાગી. ખબર ન પડી અને રામનો પ્રેમ જાગ્યો, વિરહ અનુભવાયો. રામાનંદના સંગમાં કબીરજીનું હૃદય આંદોલિત થવા લાગ્યું. હજી તો માત્ર ઝલક મળી છે, જોયા નથી, સ્પર્યા નથી અને છતાં વિરહ જાગ્યો..... વિરહની પીડા કાર્યકારી જેમ જેમ ગુરુ પ્રત્યે પ્રેમ જાગે છે, તેમ તેમ પરમાત્માનો વિરહ જાગે છે, અગ્નિ પ્રજ્વલિત બને છે, પીડા વધે છે. ગુરુ વધારે ને વધારે વિરહ જગાડે છે. ગુરુ પોતાના સમાગમની પ્રીતિ એવી લગાડે કે તમારાં બધાં સુખ છીનવી લે, તમારાં સ્વપ્ન પણ ચોરી લે. કંઈ બાકી ન રહે. અન્યત્ર કોઈ અપેક્ષા થાય નહીં. બીજે ક્યાંય ગમે પણ નહીં, એક તુંહી તુંહી..... ઊંઘ પણ છીનવી લે, ચેન પણ છીનવી લે. માછલી જેમ તરફડે પાણી વિના.....કે આ તો રેતી ઉપર નાંખી દીધી! Page #21 -------------------------------------------------------------------------- ________________ ૨૦ વધારે ને વધારે તરસ લાગે, બેચેની વધે તો માનજો કે ગુરુ પ્રત્યેનો પ્રેમ જાગ્યો છે, યાત્રા શરૂ થઈ ગઈ છે....... ગુરુ તમને અપ્રશસ્ત રાગમાંથી કાઢી પ્રશસ્ત રાગમાં વાળે છે. આગમાં નાખે છે વિરહની. મૃત્યુ થાય છે. નવો જન્મ થાય છે. પ્રાણ તરફડે છે. યાદ ભુલાતી નથી. ઊલટી કાંટાની જેમ હૃદયમાં ભોંકાયા કરે છે. પીડા એવી લાગી છે કે જેનો મિલન સિવાય બીજો કોઈ ઉપાય નથી. આ પીડા ભયંકર છે, પણ સુખદાયક છે, કારણ કે એ સુખરૂપ પરમાત્માના મિલન તરફ લઈ જાય છે. વેદનાના એ ગીતમાં સંસારની વિરક્તિના સ્વર ફૂટે છે. કંઈક મરે છે એની પીડા છે, પણ કંઈક ઉત્પન થાય છે એનું સુખ પણ છે. વિરહ એટલે અડધું મિલન. સૌભાગ્યવાનને જ જાગે છે વિરહ. યાત્રા તો શરૂ થઈ, રસ્તા પર તો આવી ગયા! મંદિર ભલે દૂર હોય પણ શિખર દેખાવા લાગ્યું છે. પ્રતિમા ભલે નથી દેખાતી પણ શિખર દેખાવા લાગ્યું છે, આશા બંધાય છે તેથી ભક્ત તો દોડવા લાગે છે શિખર જોઈને. હવે એક પળ પણ પ્રતિમાનાં દર્શન વિના એ રહી શકતો નથી. બધું વિલીન તેની બધી ઈચ્છાઓ નષ્ટ થઈ જાય છે, એક જ બાકી રહે છે - એકતાની. બધી નદીઓ એકમાં ભળી ગઈ છે. રાત વ્યતીત થઈ છે. સવાર નિકટમાં છે. જાગરણ સધાયું છે પણ પ્રકાશ નથી દેખાતો. સૂરજ હજી નથી નીકળ્યો. હજુ સમાધિ નથી લાગી. આત્માની સાક્ષાત્ પ્રાપ્તિ નથી થઈ. પરંતુ વિરહ જાગે છે ત્યાં બધું બદલાઈ જાય છે. ભક્તના હૃદયમાં અપૂર્વ તાલાવેલી જાગી છે. ક્યારે Page #22 -------------------------------------------------------------------------- ________________ ૨ ૧ પરમાત્માનો સૂરજ ઊગે એ માટે આતુર છે નયન, બેચેન છે હૃદય. તેથી આંખનો પલકારો પણ તે મારતો નથી અર્થાત્ નિમિષમાત્ર સમય માટે પણ, અલ્પ પણ માત્રામાં પ્રમાદ નથી કરતો. બસ, પ્રતીક્ષા કરે છે એ રથની કે જે તેનાં દ્વાર ઉપર અટકવાનો છે. દિવસ-રાત તે આંખ ખુલ્લી રાખે છે અર્થાત્ જ્ઞાનને સન્મુખ રાખે છે. સતત જાગરણની આ અવસ્થા એ જ છે ધ્યાન. ' હવે નહીં ચૂકું કબીરજી કહે છે - જો અબકે પ્રીતમ મિલે, કરું નિમિખ ન ન્યારા; અબ કબીર ગુરુ પાઈઆ, મિલા પ્રાણ પિયારા.” હે પરમાત્મા! હે પ્રિયતમી મળ્યા તો હશો તમે પહેલાં ઘણી વાર, વહ્યા તો તમે હશો અનેક વાર, પરંતુ હું જ સૂતો હતો. આવ્યા તો હશો અનેક વાર તમે મારા દ્વાર ઉપર, પણ હું જ ભૂલી ગયો હતો. ગમે તેટલું ભટક્યો, તમે તો સાથે જ હતા. પરંતુ મેં જ મૂઢમતિએ તમને ઓળખ્યા નહીં. કેટલાંય રૂપોમાં તમે મને મળ્યા હશો. મેં રૂપ જોયું પણ તમને ન જોયા. અંધ હતો. અનેક વાર મળ્યા પણ મેં જ ઓળખ્યા નહીં. તમે સમયે સમયે આવ્યા અને હું દર વખતે ચૂક્યો..... પણ હવે નહીં ચૂકું. હવે હું સજાગ થઈ ગયો છું. બકરું નિમિખ ન ન્યારા'. એક ક્ષણ પણ તમારાથી અલગ નહીં રહું. હવે હું તમને અલગ નહીં કરું. હવે નહીં ચૂકું, કારણ કે “અબ કબીર ગુરુ પાઈઆ, મિલા પ્રાણ પિયારા'. હવે નહીં ચૂકું. ગુરુ મળી ગયા છે, ગુરુએ મને જાગૃત કર્યો છે. હવે તો કોઈ પણ રૂપમાં આવે, કોઈ પણ પર્યાયમાં ઝળકે, હું પકડી જ લઈશ. Page #23 -------------------------------------------------------------------------- ________________ ૨ ૨. વિરહ સુખદાયક - વિરહમાં આટલી પીડા હોવા છતાં પ્રભુ તેને સુખદાયક માનવાનું કહે છે. શું કારણ હશે? જ્યાં સુધી વિરહ વેદાય છે, ત્યાં સુધી “તું” મહત્ત્વનો રહે છે, પરમાત્માનું પ્રાધાન્ય રહે છે. વિરહ બંધ થાય અને “હું'ની ધૂળ જામવા લાગે છે. વિરહની વેદના હોય ત્યાં “તુંહી તુંહી' હોય છે, “હું'નો ત્યાં અવકાશ નથી. આ અનાદિ જક્કી “હું'ને મટાડવા પ્રતિપળ વિરહવેદના જોઈએ. એ સજાગતા લાવે છે. એની હાજરીમાં અહં ઉત્પન્ન કે પુષ્ટ થતો નથી. તેથી વિરહને સુખદાયક કહ્યો છે. અભાગિયા છે ને કે જેને વિરહ જાગ્યો જ નથી. ધન્યભાગી છે તે કે જેને વિરહની વેદના જાગી છે, જે પરમાત્મા માટે આંસુ સારી શકે છે. આ વેદનામાંથી જ નવું જીવન ઉત્પન્ન થશે. મહાભાગ્યશાળી છે તેઓ કે જેમને વિરહાગ્નિ દ્વારા હરિની સાક્ષાત્ પ્રાપ્તિ થઈ ચૂકી છે..... - વિરહની વેદના એટલી પ્રગાઢ હોય છે! છતાં કોઈ ભક્તને એમાંથી મુક્ત થવું નથી. જો કોઈ સમજાવે કે “છોડો પરમાત્માને! ક્યાં મળે છે તેઓ? નાહકની પીડા સહેવી!' તો પરમાત્માને - તેમના સ્મરણને છોડવા પ્રેમી તૈયાર થતો નથી. મીરાં, ચૈતન્ય વગેરે બધાં પ્રેમી ભક્તોને લોકોએ તેમનું પાગલપણું છોડવા માટે ખૂબ સમજાવ્યા કે વિરહકાળ આટલો દુ:ખદાયક છે તો શા માટે પરમાત્માની પાછળ પડવાનું છોડી દેતા નથી? શા માટે મહેલમાં કે ઘરે પાછા ફરી સંસારમાં સુખો ભોગવતાં નથી? પરંતુ તેમણે પોતાનું પાગલપણું ન છોડ્યું. મીરાંબાઈ કહે છે કે “ધેલા અમે ભલે થયા રે, અમને ઘેલામાં ગુણ લાવ્યો.' . તે ભક્તોને પરમાત્માનું અનુસંધાન અત્યંત પ્રિય હતું Page #24 -------------------------------------------------------------------------- ________________ ૨૩ તેથી એ માટે સરી રહેલાં આંસુ પ્રિય હતાં, વિરહવેદના પ્રિય હતી અને તેથી જ સંસારનાં સુખ કરતાં આ દેખીતું દુ:ખ તેમણે વહાલું ગણ્યું! એ જ બતાવે છે કે આ વિરહવેદના કોઈ અપેક્ષાએ સુખદાયક છે જ. નામધારી ભક્ત કદાચ પીડાથી ગભરાઈ જઈ, પરમાત્માને વિસારી સંસાર તરફ વળી જાય; પરંતુ જે સાચો ભક્ત છે એ તો કહે છે કે વિરહનો અંત એકતામાં જ છે. વિરહનો અંત બીજા કોઈ પણ પ્રકારે આવે એ મને માન્ય નથી. ભક્ત ભલે વિરહમાં રડતો હોય પણ રડવાનું બંધ કરવા જો કોઈ તેને સંસારનાં પ્રલોભન આપે તો તે વિરહ જ માન્ય રાખે. આગ છે, કાંટા છે, પીડા છે પણ એમાં કંઈક ‘સુખ' તેને લાગે છે. શું સુખ છે આ પીડામાં? એમાંથી પસાર થતાં કંઈક રૂપાંતરણનો અનુભવ થાય છે, નવી ચેતનાનો જન્મ થાય છે. એમાં એક પ્રકારની મસ્તી છે. આ મસ્તીમાં મૂઢતા નથી પણ સજાગતા છે. મસ્તી છે કારણ કે પરમાત્મા પ્રતિ હોશપૂર્ણતા છે અને સંસાર પ્રતિ બેહોશી છે, પર પ્રત્યે બેહોશી અને સ્વની જાગૃતિ છે. સંસારભાવ ક્ષીણ થાય છે જ્યાં સુધી બે આંખ છે, ત્યાં સુધી પરમાત્મા નહીં મળે. બેના કારણે જ નથી મળતા. તેમને પ્રાપ્ત કરવા એક આંખ જોઈએ - અંતર્ગતુ. બે આંખ વડે થતાં જ્ઞાનવ્યાપારથી તો પત્ની, પુત્ર, ધનાદિ બહારનું બધું મળે. બે આંખ વડે બહારની દુનિયા સાથે જોડાવું થાય છે. પરમાત્માને મળવા એક આંખ જોઈએ . આ બે આંખ બંધ થાય છે ત્યારે અંદરની એક આંખ ખૂલે છે કે જેના વડે અંદર બિરાજી રહેલા પરમાત્મા મળે છે. Page #25 -------------------------------------------------------------------------- ________________ ૨૪ બે આંખથી જે મળે તે પુદ્ગલ, એકથી જે મળે તે પરમાત્મા. બે આંખ બહાર જુએ છે, એક આંખ અંદર જુએ છે. તેથી સમસ્ત ધ્યાનપ્રક્રિયા, ભક્તિની ક્રિયામાં લીન થતાં બહારની બે આંખ બંધ થઈ જાય છે, સંસાર ખોવાઈ જાય છે, મટી જાય છે..... બહારની બે આંખ બંધ થાય કે તરત અંદરની એક આંખ ખૂલી જાય એમ નથી. આ બે વચ્ચેનો જે કાળ છે તે વિરહકાળ છે. એ પીડાકારી છે, દુઃખદ છે; પણ દરેક ઉપલબ્ધિ માટે તપવું પડે છે, એમ અંતર્થક્ષના ઊઘડવા માટે પણ પ્રતીક્ષા કરવી પડે છે, તપવું પડે છે. જો અંદરના પરમાત્માનો વિરહ લાગે, પીડા ઉત્પન થાય તો અંતર્ગતુ ખૂલે. વિરહ એક વેદના છે પણ સુખદાયક છે, કારણ કે એનાથી અંતરનાં દ્વાર ખૂલે છે. આ પીડા કેટલાંય સર્જનાત્મક કાર્ય કરે છે. તમે નષ્ટ થાઓ છો અને તમારી અંદરથી કંઈક નવું આવિર્ભત થાય છે, પ્રત્યેક મૃત્યુ સાથે કંઈક નવું જન્મ પામે છે. આજે વિરહ પીડાકારક લાગે છે, પણ જે કાર્ય થઈ રહ્યું છે વિરહમાં, તે સુખરૂપ છે. એક દિવસ તમે આ પીડાની ક્ષણ માટે પોતાને બડભાગી સમજશો, ધન્ય માનશો. આજે ભલે પીડા છે, રસ્તા પર છો; રણમાંથી પસાર થઈ રહ્યા છો અને તરસ લાગી છે તેથી પીડા છે - આ અવસ્થા દુઃખરૂપ છે, પણ એક દિવસ મંજિલ પ્રાપ્ત થશે ત્યારે લાગશે કે જે મળ્યું છે તેની સામે આ પીડા કંઈ જ ન હતી. - હરિ પણ આતુર ધન્યભાગી છે તે કે જે વિરહવેદનામાં બધું ગુમાવી બેસે છે – સ્વયંને પણ! કારણ કે તે જ બધું પ્રાપ્ત કરવાનો અધિકારી Page #26 -------------------------------------------------------------------------- ________________ ૨૫ છે. સંસાર ખૂટતો દેખાશે. સત્ય મળતું દેખાશે. આપણે સંસારથી છૂટતાં જઈએ છીએ અને પરમાત્મા સાથે જોડાતાં જઈએ છીએ. પણ આપણે બહુ જલદી ગભરાઈ જઈએ છીએ - બસ! બહુ થયું. હવે સહન નહીં થાય..... પણ શ્રીગુરુ હિંમત વધારતા જાય છે, જેથી અહ-મમ તૂટતા જાય છે. અધવચ્ચે આશ્વાસન મળે તો કચાશ રહી જાય. વૈદિક સંસ્કૃતિમાં એક બહુ સરસ concept (કલ્પના) છે. એમાં એવી માન્યતા છે કે માત્ર તમે પરમાત્માને શોધી રહ્યા છો, માત્ર તમને જ મિલનની આશા છે, એમ નથી. પરમાત્મા પણ તમારી પ્રતીક્ષા કરી રહ્યા છે. જેટલા આતુર તમે છો, એટલા જ આતર પરમાત્મા પણ છે. જો માત્ર તમે જ શોધી રહ્યા છો પરમાત્માને, તો એ શોધ ક્યારેય પણ પૂરી નહીં થાય. શુદ્ર વિરાટને કઈ રીતે શોધી શકે? જો પરમાત્માને રસ જ ન હોય પ્રગટ થવાનો, તો તમારી શોધનો અંત કઈ રીતે આવી શકે? તમે શોધી શકો છો, કારણ કે તેઓ પણ ચાહે છે કે તમે શોધી લો. તેઓ એવી જગ્યાએ ઊભા છે કે જેથી તમારું મિલન થઈ શકે. તેઓ એવી રીતે ઊભા રહી જાય છે કે જરાક પણ શોધ થઈ કે મિલન થઈ જાય. બાળકો જેમ સંતાકૂકડીની રમત રમે, એવો ખેલ પરમાત્મા રમે છે. બાળકો કંઈ બહુ દૂર નથી ભાગી જતા કે જેથી તમે શોધી જ ન શકો. તેઓ ત્યાં જ છુપાય છે - પલંગ નીચે, દરવાજા પાછળ.....બહુ દૂર નહીં! આ વાત તમને પણ ખબર છે, તેથી જ તમે શોધવા નીકળો છો. બે-ચાર ચક્કર મારો તો મળી જાય. તેમ પરમાત્મા પણ છૂપવાની લીલા કરે છે. પરમાત્મા છુપાઈ ગયા છે પણ બહુ દૂર નહીં. તે જ બતાવે છે કે તેમને પણ શોધાઈ જવાની ઇચ્છા છે. તેમને Page #27 -------------------------------------------------------------------------- ________________ ૨૬ પ્રગટ થવું છે પણ તમને જગાડી ને! વિરહવેદનામાંથી પસાર થઈ તમે પરિપક્વ થાઓ તો પરમાત્મા તો ભેટવા તૈયાર જ છે. ઉનાળામાં ધરતી તપે પછી આકાશ વરસે છે, એમ પ્રથમ તમે વિરહમાં તપી પાત્રતા તૈયાર કરો, પરમાત્માની પ્રીતિ વર્ધમાન કરો તો બારે મેઘ વરસવા તૈયાર છે..... ભક્ત એકલો નથી આમ, આ શોધમાં આપણે એકલા નથી. જેમને શોધી રહ્યા છીએ, તેઓ પણ શોધાઈ જવા માટે ઉત્સુક છે. આપણો જ હાથ એમની તરફ આગળ વધી રહ્યો છે એમ નથી, એમનો હાથ પણ આગળ વધી રહ્યો છે. વાસ્તવમાં આપણે હાથ આગળ કરીએ એની પહેલાં જ એમનો હાથ આગળ વધ્યો હોય છે..... ચૂક આપણા તરફથી છે. વિરહની વેદના જ આ મિલન કરાવી શકે. પરમાત્મા પણ મળવા આતુર છે એવી શ્રદ્ધા જાગતાં વિરહમાં ધીરજનો પ્રવેશ થાય છે. ઉતાવળ-ગભરાટ શમે છે. પ્રેમ શુદ્ધ થતો જાય છે. અને તેમાં ગુરુકૃપાથી કામ સરળ બની જાય છે. પરમાત્મા તો પોતાની તરફ ખેંચી જ રહ્યા છે, ત્યાં અનન્ય અનુગ્રહ કરી શ્રીગુરુ પણ મિલન-વિરહના યોગથી, બોધબળથી અને પ્રેરણાશક્તિથી આપણી પાત્રતા ત્વરાથી પરિપક્વ કરે છે, આપણને પરમાત્મા તરફ ધકેલે છે. - ભક્ત એકલો તાળી પાડી શકે નહીં, ભજન કરી શકે નહીં. જો ભજનમાં પરમાત્મા સંમિલિત ન હોય, આગળ કે અંદર ઊભા ન હોય તો કેટલો વખત ટકશે એનું ભજન? જો કીર્તનમાં એક રસધાર ન વહે તો કેટલું ચાલે એ કીર્તન? ભગવાન શાંતિરૂપે, આનંદરૂપે, પ્રેમરૂપે હાજર રહે છે તેથી જ Page #28 -------------------------------------------------------------------------- ________________ ૨૭ તો ભજનમાં – કીર્તનમાં રસ પડે છે, ભજન થાય છે, ભક્તિ થાય છે, ભક્ત થવાય છે..... અનંત પ્રતીક્ષા તેથી વિરહનો ખેલ થોડો વધારે સમય ચાલે તો ગભરાવું નહીં. તેઓ પણ મળવા આતુર છે એ ભૂલવું નહીં. આંસુમાં છાતી સુધી તમને ડુબાડે, ગળાડૂબ વિરહમાં રાખે તો પણ હિંમત હારવી નહીં. પ્રેમી જ્યાં જાગૃત રહીને પરમાત્માની, શ્રીગુરુની કરુણાનો અહેસાસ નથી જગાડતો, ત્યાં તેનો પ્રેમ નીચે ઊતરવા લાગે છે - વાસના તરફ. પરંતુ ભક્તને તો સામે અનંતી કરુણાનાં દર્શન થાય છે, પ્રતીતિ થાય છે અને તેથી તેનામાં પ્રેમ, ધીરજ, સમર્પણ વગેરે વૃદ્ધિમાન થતાં જાય છે. વિરહમાં જે ટકે છે તેને પ્રભુ મળે છે. પ્રેમી ભક્ત પ્રતીક્ષા કરે છે. ભલે ગમે તેટલાં જીવન વીતી જાય, શરીર બદલાઈ જાય, યોનિ બદલાઈ જાય, રૂપ બદલાઈ જાય.....પણ તેની પ્રતીક્ષા નથી છૂટતી. અનંત પ્રતીક્ષા - ધમાલ નહીં, પ્રમાદ નહીં! અનંતો પ્રેમ અને અનંતી પ્રતીક્ષા – અનંતી કરુણાની સામે..... જે વ્યવસાયી હોય તે પ્રતીક્ષા નથી કરી શકતો. તેને બધું instant (તાકીદે) જોઈએ છે, જાણે બધું એક ક્ષણમાં જ ઘટવું જોઈએ! પણ આ ઘટના ધીરે ધીરે થાય છે. પ્રેમ શુદ્ધ ત્યારે જ થાય કે જ્યારે વિરહમાં ટકી જાય. એ માટે અનંતી ધીરજ જોઈએ. મુલ્લા નસરૂદીન બંદગી કરે છે, “હે ખુદા! મને અનંતી ધીરજ આપ. હમણાં અને અહીંયા જ!!!' મહત્ત્વપૂર્ણ ચીજો સમય માંગે છે, સાધના માંગે છે. વાસનાનો સંબંધ હમણાં અને અહીંયાં જ બની શકે છે, પરંતુ Page #29 -------------------------------------------------------------------------- ________________ ૨૮ પ્રેમ તમારી તૈયારી ચકાસશે. તમે અનંતી ધીરજ માટે તૈયાર છો તો ઘટના ક્ષણમાં ઘટશે. ત્વરાની શરત નહીં મારે પ્રાપ્ત કરવું જ છે' એ ભાવ સાથે જ્યારે અનંતી ધીરજ ઉમેરાય છે, હમણાં જ થાઓ' એ માંગ પણ છૂટી જાય છે ત્યારે કાર્ય ક્ષણમાં પૂર્ણ થઈ જાય છે. અને જ્યારે “ક્ષણમાં કાર્ય થવું જોઈએ' એ ભાવ હોય છે ત્યારે એ ઘટના ઘટવામાં અનંત કાળ પણ વીતી જઈ શકે છે! આ વિચિત્ર લાગે, પણ છે વાસ્તવિકતા. તેથી ભક્ત તો એમ જ કહે છે કે મારું કાર્ય માત્ર પ્રેમ કરવાનું છે, દર્શન આપવાનું કામ એનું છે. ભલેને એ અનંત કાળ લગાડતો!!! જ્યારે “જલદી થાઓ' એવી શરત પણ તૂટે છે ત્યારે પ્રેમ મુક્ત થાય છે, ઊર્ધ્વગમન કરે છે. “જલદી'ની પણ માંગ નહીં રહે ત્યારે શાંતિ અવતરિત થશે. હમણાં', “જલદી' એવી માંગ જાગતાં તમે તણાવગ્રસ્ત થઈ જાઓ છો, કૃત્રિમતા આવે છે, અંદરની સહજતા, કોમળતા નષ્ટ થઈ જાય છે. પ્રાપ્તિ માટે પ્રમાદ જેટલું બાધક તત્ત્વ છે, ઉતાવળ તેથી પણ વધુ બાધક તત્ત્વ છે. પ્રમાદ માટે તો હેયબુદ્ધિ છે તેથી ક્યારેક પણ એને જીતી શકાશે, જ્યારે ઉતાવળ માટે તો ઉપાદેયબુદ્ધિ છે અને તેથી ઉતાવળની લાગણી અંગે સુધારણાનું કોઈ પગલું ભરાતું નથી, એ દોષ એમનો એમ રહી જાય છે અને જીવને આગળ વધવા દેતો નથી. ‘ત્વરાથી થાઓ' એ ભાવના કારણે તમે તણાવગ્રસ્ત થઈ જાઓ છો, તેથી કાર્ય થતું નથી. “અભીપ્સા' શબ્દમાં ખૂબી છે. વાસનામાં માંગ છે અને તણાવપૂર્ણતા પણ છે; “હમણાં જ Page #30 -------------------------------------------------------------------------- ________________ ૨૯ જોઈએ', ‘અહીંયાં જ જોઈએ'... જ્યારે અભીપ્સામાં માંગ છે પણ તણાવ નથી, તણાવશૂન્યતા છે - “આપજે પણ સારી રીતે અને તારા સમયે.....' નષ્ટ થવા તૈયાર પ્રેમનો રસ્તો છે મટવાનો રસ્તો. એમાં નષ્ટ થઈ જવું તે જ ઉપલબ્ધિ છે. ત્યાં ખોવાઈ જવું તે જ મળવું છે. ત્યાં બચવાની ચેષ્ટા બાધા છે. ત્યાં ધીરે ધીરે પોતાને ઓગાળવાનું - ભુલાવવાનું કાર્ય પાર પાડવાનું હોય છે અને એક ધન્ય ઘડી એવી હશે કે જ્યારે માત્ર “તું” રહેશે, 'હું' નહીં. કેવળ જ્ઞાન રહેશે, અન્ય કોઈ નહીં. પ્રેમ ત્યાં પૂર્ણતા પામશે. પ્રેમના પ્રારંભમાં જ મટવાનું શરૂ થઈ જાય છે. અંત (પૂર્ણતા) માટે કરવાનું જ કંઈ રહેતું નથી, કારણ કે કરવાવાળો જ નષ્ટ થઈ જાય છે! બચે છે કોણ? શું બને છે? કઈ રીતે બને છે? એ સમજાવનાર કોઈ રહેતું જ નથી. શ્રી રામકૃષ્ણ આ વાત કહેતા હતા. લોકો સાગરના તટ ઉપર બેઠા હતા, વિચાર કરતા હતા કે સાગરની ઊંડાઈ કેટલી હશે? ચર્ચા ચાલતી હતી ત્યાં એક મીઠાની પૂતળી આવી. તે માપવા ગઈ પણ પાછી આવી જ નહીં. ઓગળી ગઈ. જેમ જેમ ઊંડે ઊતરે, તેમ તેમ પીગળે. સાગરનું ઊંડાણ માપવાવાળી એમાં જ સમાઈ ગઈ. પાછું ફરવાવાળું કોઈ રહ્યું જ નહીં. પ્રેમનું પણ આવું જ છે. “હું' ઓગળતો જાય છે. “હું' બાકી જ રહેતો નથી. જે શોધવા જાય છે તે પાછો આવતો જ નથી. તેથી ભક્તિમાર્ગ પર પોતાને વિલીન કરવાની તૈયારીવાળા જ આવે. ખોવાઈ જવાની તૈયારીવાળા જ અહીં રહી શકે છે. Page #31 -------------------------------------------------------------------------- ________________ ૩૦ વિરહનાં આંસુ વિરહવેદનાથી ગભરાવું નહીં. મૂંઝાવું નહીં. જો આપણું હોવું એ જ બેહોશી છે તો તેનું નષ્ટ થવું અનિવાર્ય છે. બળવું તો પડશે. મરીને ચિતા ઉપર બધા ચઢે છે. આ તો જીવતા જીવ ચિતા ઉપર ચઢવાનું છે. પણ આ જ સાચું જીવવું છે. પ્રેમ પીડા આપે છે અને જે પીડા સહન કરવા ઇચ્છે છે તેને ભક્તિ પ્રગટે છે. પ્રેમ દુઃખ આપે છે કારણ કે પ્રેમ ઘડતર કરે છે. જેમ મૂર્તિકાર છીણી-હથોડીથી પથ્થરને તોડે તો છે પણ તેમાંથી પ્રતિમાનો આવિર્ભાવ થાય છે. જો જીવ પ્રેમની પીડાથી ડરી જાય તો તે સદાને માટે દુઃખની નરકમાં સડશે. પણ જો એ પીડાને તે સહન કરી લેશે તો તેનું દુઃખ જલદીથી સુખમાં રૂપાંતરિત થઈ જશે અને એ પણ એવા સુખમાં કે જેનો ક્યારેય પણ અંત નથી. પ્રેમનો માર્ગ આંસુઓથી ભરેલો છે, પરંતુ એક એક આંસુ સામે કરોડ કરોડ ગુણરૂપી ફૂલ ખીલે છે. આ આંસુ સાધારણ આંસુ નથી, અને આ આંસુનું દુઃખ એ પણ સાધારણ દુ:ખ નથી. આ આંસુ માત્ર પાણીનાં ટીપાં નથી, પરમાત્મા સુધીનો સેતુ છે. આ આંસુ એક પ્રકારની ગતિ છે, જેમાં વહેવું થાય છે પ્રભુ પ્રત્યે. એક એક આંસુ તમને સ્વચ્છ કરે છે, નિર્દોષ બનાવે છે, તાજા કરે છે. સંસારનું ઝે૨ સાથે લઈને તે વહી જાય છે. પરમાત્મા માટે વહેલું આંસુનું એક ટીપું પણ અમૃત છે. એ તમારું કેટલું ઝેર ચૂસી લે છે! એક સંત પાસે એક વ્યક્તિ સાધનાનું માર્ગદર્શન લેવા ગઈ હતી. સંતે તેને કહ્યું, “જો તું દરરોજ બે મોતી હૃદયમાંથી ઉત્પન્ન કરી, આંખ દ્વારા ભગવાનને અર્પણ કરી શકે તો તારે Page #32 -------------------------------------------------------------------------- ________________ બીજી કોઈ સાધના કરવાની જરૂર નથી.' પાત્રતાની ઉપલબ્ધિ વિરહના ડરથી લોકો પ્રેમ કરતા નથી. વિરહાગ્નિ તમારા આત્માને શુદ્ધ સુવર્ણની જેમ ચમકાવશે. પરમાત્માના માર્ગ ઉપર રાખ થઈ જવું તે પણ સોનું થવા બરાબર છે. પ્રેમના માર્ગ ઉપર ખોવાનું ઘણું છે, પણ જે ગુમાવો છો તેનાથી અનંતે પ્રાપ્ત થાય છે. જે ગુમાવવાથી ડરે છે, તેને પ્રાપ્તિ થતી નથી. પહેલાં ઉનાળો, પછી ચોમાસું – પહેલાં ખોવાની તૈયારી, પછી ઉપલબ્ધિ! ગુમાવવાની તૈયારી એ પાત્રતા છે. પાત્ર ખાલી થશે તો પરમાત્મા આવીને બિરાજશે. પ્રેમીની કસોટી છે વિરહમાં. કસોટી વિના યથાર્થ સમજાય નઈ. વિરહના તાપ વિના પરિપક્વતા આવે નહીં. પ્રેમની પીડા વિના છીછરાપણું હોય. પીડા વિના કોઈ વસ્તુ ઊંડી નથી બનતી. મહેંદી પિસાય છે ત્યારે તેમાંથી રંગ પ્રગટે છે અને કેરી તડકામાં તપે છે ત્યારે તેનામાં મીઠાશ પ્રવેશે છે. વિરહ પ્રેમનું ઊંડાણ વધારે છે. ભાગ્યશાળીને જ વિરહ વેદાય છે. બાકી તો બધાંનાં હૃદય સુકાઈ ગયાં છે. પરમાત્માની ખોટ નથી લાગતી. લક્ષ્મી, પરિવાર, અધિકારની ખોટ સાલે છે! હૃદય મરુભૂમિ બની ગયું છે. રસધાર નથી વહેતી. કોઈ અંકુર નથી ફૂટતો. પક્ષી ગીત નથી ગાતું. ભાગ્યશાળી છે તે કે જેની આંખ હજી પણ ભીની થાય છે પરમાત્માના નામથી! આંસુ અંદર ઊતરવાની એક સુવિધા છે. જ્ઞાનીઓએ વિરહને સુખદાયક કહ્યો છે. ભક્તને પણ તે સુખદાયક લાગે છે કારણ કે એ વેદનામાં બધું ખોવાઈ જાય છે. અને એવી કોઈ સૌભાગ્યની ક્ષણોમાં, ધન્યતાની ઘડીમાં Page #33 -------------------------------------------------------------------------- ________________ ૩૨ પરમાત્માનું અવતરણ થાય છે. કામી-પ્રેમી-ભક્ત વિરહનો પ્રસંગ ઉદ્ભવે, કસોટીનો કાળ આવે ત્યારે કામી, પ્રેમી અને ભક્તનું વલણ કેવું હોય છે? તદનુસાર તેમને મળતું ફળ પણ કેવું ભિન્ન હોય છે? એ સાધકે આત્મનિરીક્ષણ અર્થે સમજવા યોગ્ય છે. વિરહ આવે ત્યારે કામી પ્રિયપાત્રનું વિસ્મરણ કરી બેસે છે. જ્યાં વિસ્મરણ હોય ત્યાં પીડા કઈ રીતે પ્રગટે? પીડા તો પ્રેમીને છે કે જેને સ્મરણમાં ટકવાનું છે અને આગળ વધવાનું છે. ભક્ત તેમાં એટલો શુદ્ધ થઈ જાય છે કે એકતાનું કાર્ય કરી લે છે. વિરહથી નારાજ થાય તો વાસના – કામ છે. વિરહની પીડા અનુભવે તો પ્રેમ છે. વિરહથી શુદ્ધતા પ્રગટે ત્યાં ભક્તિ છે. કામી અથવા અશુદ્ધ પ્રેમવાળી વ્યક્તિને વિરહ સહેવાનો આવે છે ત્યારે તે એમ ઈચ્છે છે કે તેનો પ્રિયતમ તેની પાસે જ રહે, પ્રિયપાત્ર ઉપર પોતે કબજો જમાવીને સાથે જ રાખે. આ જ સંજોગોમાં જે શુદ્ધ પ્રેમી છે, જેનામાં ભક્તિ જાગી છે તે એમ ઇચ્છે છે કે પોતે પરમાત્મામાં વિલીન થઈ જાય, પોતાનો કબજો પ્રભુ લઈ લે. “તમે મળો' એમ નહીં પણ “હું તારામાં વિલીન થઈ જાઉં'! આ બેમાં ફેર છે. પરિણામે પહેલો હારે છે અને બીજો જીતે છે. શ્રીગુરુ વિરહ આપે છે શ્રીગુરુ ક્યારેક સમાગમ આપે છે અને ક્યારેક વિરહ આપે છે. તેઓ નિરંતર સાનિધ્યમાં રાખતા નથી અને વિરહનો Page #34 -------------------------------------------------------------------------- ________________ ૩૩ અનુભવ કરાવે છે, એની પાછળ બે કારણ રહ્યાં છે. એક તો જીવની ભાવદશાનું મૂલ્યાંકન તેની પોતાની પાસે જ કરાવવાનો હેતુ; અને બીજું, પ્રેમને વિશુદ્ધ કરાવવા માટે તેઓ દૂર સરી જાય છે. જો આવી કસોટી નહીં થાય તો પ્રેમને કામ બનતાં વાર લાગતી નથી. ગુરુ ક્યારેક આપણા પ્રેમનું સ્વરૂપ કેવું છે તે આપણને બતાવવા માટે પણ વિરહ આપે છે. ત્યારે ભાવોનું અવલોકન કરવું અને પોતાનું માપ કાઢવું; અને એ અનુસાર પુરુષાર્થનું સ્વરૂપ નક્કી કરવું. જો વિરહ મળતાં વિષય-કષાય પ્રબળ બનતા હોય તો પ્રેમ પ્રગટ્યો જ નથી. વિરહમાં વિસ્મરણ થઈ જતું હોય તો હજુ તે કામી જ છે. વિરહમાં સ્મરણ પ્રગાઢ બનતું હોય તો જ માનવું કે પ્રેમ પ્રગટ્યો છે. સાચા પ્રેમને વિરહ મળે તો તે વધારે ગહન અને શુદ્ધ બને છે, તે ભક્તિનું સ્વરૂપ પકડે છે. વિરહ અનિવાર્ય છે. આંસુ આવશ્યક છે પ્રેમને વિશુદ્ધ કરવા માટે, પ્રેમીથી જ્યારે વિરહ નથી સહન થતો, ત્યારે તે પ્રભુને વીનવે છે કે હે પ્રભુ! કાં મને ડુબાડી દે, કાં પહોંચાડી દે. આ વેદના હવે સહન થતી નથી.' પરમાત્મા તેને કહે છે કે તારી આ પીડાનો અંત સમાગમથી - સાનિધ્યથી નહીં આવે. જેને થોડો જ સમય પરમાત્મા સાથે ગાળવો છે, તેને સાનિધ્યથી ચાલે પણ જેને નિરંતર પરમાત્મા જોઈએ છે, જેને સતત પરમાત્મા સાથે રહેવું છે તેના વિરહનો અંત માત્ર એકતાથી જ આવી શકે છે. અદશ્યની લગની શ્રીગુરુ જ્યારે શિષ્યમાં સાચો પ્રેમ જુએ છે, અંતરમાં એક અગ્નિ પ્રજ્વલિત થયેલો જુએ છે, પ્રાપ્તિનો તરફડાટ જુએ Page #35 -------------------------------------------------------------------------- ________________ ૩૪ છે ત્યારે શ્રીગુરુ તેનાથી દૂર સરકવા લાગે છે, તેને વિરહ આપે છે, પોતે અંતર્ધાન થઈ જાય છે.....એટલા બધા દૂર થઈ જાય કે દેખાય નહીં, અદશ્ય થઈ જાય! હવે જો એ પ્રેમ ટકી જાય તો એ દૃશ્યનો નહીં પણ અદશ્યનો પ્રેમ છે એમ સિદ્ધ થાય છે. એક રૂપાંતરણ ઘટિત થાય છે. આપણો જે દ્દશ્ય માટેનો પ્રેમ, એને અદૃશ્ય માટેનો પ્રેમ બનાવવા માટે શ્રીગુરુ પોતે અદૃશ્ય થઈ જાય! અદશ્યનો પ્રેમ આપણને પોતાની નિકટ લાવે છે. શિષ્ય પોકાર કરે છે કે આ વિરહનો હવે અંત લાવો અને મને મળો. શ્રીગુરુ કહે છે કે જરૂર, પણ હવે આ કિનારે નહીં, બીજા કિનારે અદૃશ્યના કિનારે! હવે બીજા રૂપે સ્વરૂપે! બહાર જુદા જુદા રૂપે મળી ઘણી વાર વિખૂટા પડ્યા, હવે અંતરમાં મળીશું - ક્યારેય પણ વિખૂટા ન થવા માટે! વિરાટ બનીને નામ-રૂપથી પર. દેહરૂપે નહીં. શ્રીગુરુ એટલા દૂર થતા જાય, અદશ્ય થઈ જાય કે તમે એમના દેહને ભૂલી જાઓ. દેહ ખોવાઈ જાય. દેહ દેખાતો બંધ થઈ જાય. પણ પછી સર્વત્ર તમે એમને અનુભવો! એક દિશામાં નહીં.....સર્વ દિશામાં! શ્રીગુરુ એની તૈયારી કરાવે છે, એનો અભ્યાસ કરાવે છે. દેશ્યના કિનારે આવી શકીએ તે માટે શ્રીગુરુએ સમાગમ આપ્યો. દશ્યના કિનારા ઉ૫૨થી અદૃશ્યના કિનારા ઉપર જવા માટે તેઓ વિરહ આપે છે. વિરહ જ પ્રેમને ભક્તિમાં રૂપાંતરિત કરે છે, અને ભક્તિ મોક્ષ અપાવે છે. હવે શ્રીગુરુ મળશે બીજા કિનારે. શ્રીગુરુએ આપણને વાસનામાંથી પ્રેમ સુધી પહોંચાડ્યા. હવે ભક્તિ જગાડશે જ છૂટકો! શ્રીગુરુ પેલા કિનારે આપણી પ્રતીક્ષા કરે છે, પણ આપણે આ કિનારે અટકીને રહ્યા છીએ. તો આપણે આપણી પ્રેમની નાવ Page #36 -------------------------------------------------------------------------- ________________ હવે તે અદૃશ્ય કિનારા ઉપર લઈ જવા તૈયાર થઈએ. પરમકૃપાળુદેવની અસીમ કૃપાથી આપણા સૌની નાવ દ્રશ્ય કિનારો છોડી અદશ્યના કિનારે પહોંચે એ જ મંગળ ભાવના. *** હે પરમકૃપાળુદેવ! તું ખૂબ આઘે છે. આકાશ જેટલો આઘે અને છતાંય એક દિવસ અવશ્ય હું તને આંબી જઈશ. મને શ્રદ્ધા છે કે તારી પાસે પહોંચ્યા વિના હું નહીં રહું. તારો પ્રેમ મને તારી પાસે લઈ આવશે. ૩૫ તારા નામ સાથે આંખમાં અનાયાસે ઊભરાઈ આવતાં આંસુનું અમૃત પીને, તારા સ્મરણના સબળ સેતુ પર ચાલીને પહોંચીશ તારી પાસે. તારી ભાવદશાને પામવી એ જ છે એક સઘન લગન. દિવસ અને રાત, એક જ વાત. એક જ જપ. એક જ તપ. અનંત પ્રેમ અને અનંત પ્રતીક્ષા. આપણે જરૂર મળીશું અને એક થઈશું. તારો અનુગ્રહ મને સાક્ષાત્ પ્રાપ્તિ કરાવીને જ રહેશે. સમુદ્રમાં માછલી થઈને મારે અલગ નથી વહેવું. નદી થઈને ભળી જવું છે મારે. વિલીન થવું છે મારા વહાલા વિભુની વિરાટતામાં......... ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ શ્રીસદ્ગુરુચરણાર્પણમસ્તુ Page #37 -------------------------------------------------------------------------- ________________ Page #38 -------------------------------------------------------------------------- ________________ aus heko ધરમપુર