________________
સામાન્યથી અભિષેક મસ્તક પર જ કરવાનો હોય છે. મસ્તક પરથી ઝરતી દૂધની ધારામાં પ્રભુનું મુખારવિંદ જોઇ વિભાવના કરવાની કે “પ્રભુના સ્નાન દ્વારા મારો આત્મા નિર્મળ બનો.”
ત્યારબાદ અંગભૂંછન કરવું. પ્રાચીન વિધિમાં બે અંગભૂંછણાનો વિધિ છે. પણ તે ઉત્તમ પ્રકારના વસ્ત્રોના હિસાબે. આજના વસ્ત્રોના હિસાબે ત્રણ અંગલુછણાં કરવા. ક્યાંય પણ પાણી ન રહી જાય એ રીતે ખૂબ મૃદુતાપૂર્વક ચીવટપૂર્વક ભગવાનના અંગને લૂછવાનો વિધિ સમાપ્ત કરવો.
હવણ પછી સુગંધી પદાર્થો વડે ભગવાનને વિલેપન કરવું જોઇએ. વિલેપન શીતલ હોય છે. ભગવાનને કરાતું શીતલ વિલેપન આત્માને શીતલતા અર્પનારું બને છે, એવી ભાવના સાથે તે પૂજા કરવી.
ત્યારબાદ પ્રભુની અંગરચનાનો-આભૂષણ-અલંકારઅર્પણનો ક્રમ આવે છે. તીર્થની યાત્રામાં ભાવુકોએ શરીર પર રહેલાં ઘરેણા ભગવાનને ચડાવી દીધા, એવા સેંકડો દાખલા મળે છે. સોના-ચાંદીના વરખ, ઉત્તમ બાદલું જેવા ઉત્તમોત્તમ દ્રવ્યોથી ભગવાનના શરીરનો શણગાર કરવો જોઇએ. તીર્થયાત્રા આદિ પ્રસંગવિશેષ સિવાય જ્યાં રોજિંદી પૂજા કરવાની છે, ત્યાં ભગવાન માટે નવા ઘડાવેલા આભૂષણ ચડાવવા જયોગ્ય લાગે છે. પ્રાચીનકાળમાં આભૂષણનો અલંકાર કરી વસ્ત્રયુગલ અર્પણ કરતા હતા. આજે એવો વિધિ નથી. પરંતુ ભગવાનના હાથ ખાલી ન રહેવા જોઇએ. સોના-રૂપાનું બીજોરુ, સોનામહોર, વીંટી, શ્રીફળ, સોપારી, નાગરવેલના પાન કે મોદક-આમાંનું કાંઇ પણ અત્યારે ભગવાનના હાથમાં સ્થાપવું જોઇએ. શ્રીપાલચરિત્રમાં ઉલ્લેખ છે કે શ્રીપાલે પ્રથમ જ વખત આદીશ્વર પ્રભુના દર્શન કર્યા ત્યારે પ્રભુના હાથમાં રહેલું બીજોરું ઉછળીને એના હાથમાં આવી ગયું.
ત્યારબાદ નવાંગી પૂજાનો વિધિ આવે છે. પૂજા માટેનું કેસર ઉત્તમ હોવું જોઇએ. સુખડ પણ સારું જોઇએ. આજે કેસર બનાવટી આવે છે. સુખડનાં નામે લાકડાના વપરાશ થાય છે. આવા ચંદનથી મિશ્રિત કેસરનું પાણી પ્રતિમાજી પર લાંબો સમય પડ્યું રહેતા પ્રતિમામાં ખાડા પડી જાય છે, કાણાં થઇ જાય છે. માટે વ્યવસ્થાપકો તે ભાગમાં ચાંદી કે ધાતુનાં ટીકા જડી દે છે. પરંતુ એનાથી પ્રતિમાની શોભા હણાય છે. માટે શુદ્ધ દ્રવ્યો વાપરવા. છતાંય પ્રતિમાની હાનિનો ભય રહેતો હોય, તો દસ દસ મિનિટે ભગવાનનાં અંગોને કોમળ વસ્ત્રોથી લૂંછી લેવા. બીજા ઉપાયો કરવા, જેથી આશાતનાથી બચી શકાય. યાત્રાઃ ભક્તિથી મુક્તિની જગમાં ૬૭