Book Title: SubhashitSangraha Samucchay
Author(s): Nilanjana Shah
Publisher: Kalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad

View full book text
Previous | Next

Page 5
________________ મનભાવન સ્વાધ્યાય સુભાષિતોની એક નિરાળી દુનિયા છે – સંસ્કૃત સાહિત્યજગતમાં. અત્યંત અલ્પ શબ્દોમાં, અને અત્યંત સરળતાપૂર્વક, એકદમ કઠિન વાતને કે ઘણી લાંબી વાતને કહી દેવાની કળા એટલે સુભાષિત. લોકોક્તિઓ તેમજ અન્યોક્તિઓનો સમાવેશ પણ આ જ કાવ્યપ્રકારમાં થઈ શકે. અસંખ્ય કવિઓ, વિદ્વાનો અને મહાનુભાવોના ભાવજગતની અલપઝલપ ઝાંખી આપણને આ ‘સુભાષિત’ કરાવે છે. સુભાષિતોનો સંગ્રહ કરવાની એક ખાસ પ્રથા, સંસ્કૃત સાહિત્યમાં પરંપરાગત રહી છે. આવા કેટલાક સંગ્રહોનો ક્રમપૂર્વકનો નિર્દેશ નીલાંજનાબેને પોતાની અભ્યાસપૂર્ણ પ્રસ્તાવનામાં કર્યો છે. આમાં જૈન મુનિ-સંપાદિત ‘સુભાષિત પદ્યરત્નાવલી'ના ચારેક ભાગો તથા નિર્ણયસાગરની ‘સમયોચિતપઘમાલિકા’ વગેરેનો તેમજ અર્વાચીન વિવિધ નાના-મોટા (પ્રકાશિત) સંગ્રહોનો ઉમેરો કરી શકાય. ઉપરાંત, હજુ પણ આપણા હસ્તપ્રત-ભંડારોમાં સચવાયેલા, અપ્રગટ તેમજ અજ્ઞાત એવા, અનેક સુભાષિતસંગ્રહોની પણ નોંધ લેવી જોઈએ. પ્રસ્તુત સમુચ્ચય ગ્રંથનું મૂલ્ય બે દૃષ્ટિએ વિશેષ ગણાય : એક તો તેમાંના પાંચે લઘુ-સંગ્રહો હજી સુધી અપ્રકાશિત છે, અને બીજું કે તે પાંચે સંગ્રહો તાડપત્રીય પોથીમાંથી પ્રાપ્ત થયા છે. સંભવતઃ ચૌદમા શતકની એ પોથી હશે. એના પરથી આવું ઉત્તમ સંપાદન આપવા બદલ ડૉ. નીલાંજનાબેનને ઘણા સાધુવાદ ઘટે છે. તેઓ સંસ્કૃત સાહિત્યના ખંતીલા અને સજ્જ અભ્યાસી છે, તેની પ્રતીતિ તેમના આ સંપાદનમાં તથા તેમના પ્રસ્તાવનાલેખમાં સુપેરે થાય છે. તેઓ વધુ ને વધુ આવાં સંપાદનો આપણને આપતાં રહે તેવી અભિલાષા છે. તેમણે ઘણાં વર્ષો અગાઉ આ સંપાદન કરેલું. તેનું પ્રકાશન કરાવવાની વેળા આવતાં તાડપત્રની ઝેરોક્સના સાદ્યંત વાંચનમાંથી મારે પણ પસાર થવાનું બન્યું, જે એક મનભાવન સ્વાધ્યાય બની રહ્યો. ‘શ્રી હેમચન્દ્રાચાર્ય નિધિ' દ્વારા થતાં પ્રકાશનોમાં વિશિષ્ટ તજ્ઞો દ્વારા સંપાદિત પ્રાચીન ગ્રંથો પ્રકાશિત થતાં રહે છે, તે મારા માટે પરિતોષની બાબત છે, તો ટ્રસ્ટ માટે તે ગૌરવપ્રદ ઘટના છે. આ પ્રકાશનયાત્રા, વિદ્વજ્જનોના સહકારથી, નિરંતર ચાલતી રહો એવી અભ્યર્થના સહ - શીલચન્દ્રવિજય ચૈત્ર શુદ ૮, સં. ૨૦૬૩ ૨૬-૩-૦૭ સાવરકુંડલા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 138