________________
શ્રીમદ્ રાજચંદ્ર હેન્ડબુક
૧૦૧
હાલ જેને જિનસૂત્રોને નામે ઓળખવામાં આવે છે, તેમાં ‘ક્ષાયિક સમકિત નથી’ એવું સ્પષ્ટ લખેલું નથી, અને પરંપરાગત તથા બીજા કેટલાક ગ્રંથોમાં એ વાત ચાલી આવે છે, એમ વાંચેલું છે, અને સાંભળેલું છે; અને તે વાક્ય મિથ્યા છે કે તૃષા છે એમ અમારો અભિપ્રાય નથી, તેમ તે વાક્ય જે પ્રકારે લખ્યું છે તે એકાંત અભિપ્રાયે જ લખ્યું છે, એમ અમને લાગતું નથી. કદાપિ એમ ધારો કે તે વાક્ય એકાંત એમ જ હોય તો પણ કોઈ પણ પ્રકારે વ્યાકુળપણું કરવું યોગ્ય નથી. કારણ કે તે બધી વ્યાખ્યા જો સત્પુરુષના આશયથી જાણી નથી, તો પછી સફળ નથી. એને બદલે કદાપિ ધારો કે જિનાગમમમાં લખ્યું હોય કે ચોથા કાળની પેઠે પાંચમા કાળમાં પણ ઘણા જીવો મોક્ષે જવાના છે; તો તે વાતનું શ્રવણ કંઈ તમને અમને કંઈ કલ્યાણકર્તા થાય નહીં, અથવા મોક્ષપ્રાપ્તિનું કારણ હોય નહીં, કારણ કે તે મોક્ષપ્રાપ્તિ જે દશાને કહી છે, તે જ દશાની પ્રાપ્તિ જ સિદ્ધ છે, ઉપયોગી છે, કલ્યાણકર્તા છે, શ્રવણ તો માત્ર વાત છે, તેમજ તેથી પ્રતિકૂળ વાક્ય પણ માત્ર વાત છે; તે બેય લખી હોય અથવા એક જ લખી હોય અથવા વગર વ્યવસ્થાએ રાખ્યું હોય તોપણ તે બંધ કે મોક્ષનું કારણ નથી; માત્ર બંધદશા તે બંધ છે, મોક્ષદશા તે મોક્ષ છે, ક્ષાયિકદશા તે ક્ષાયિક છે, અન્યદશા તે અન્ય છે, શ્રવણ તે શ્રવણ છે, મનન તે મનન છે, પરિણામ તે પરિણામ છે, પ્રાપ્તિ તે પ્રાપ્તિ છે, એમ સત્પુરુષનો નિશ્ચય છે. બંધ તે મોક્ષ નથી, મોક્ષ તે બંધ નથી, જે જે છે તે તે છે, જે જે સ્થિતિમાં છે, તે તે સ્થિતિમાં છે; બંધબુદ્ધિ ટળી નથી, અને મોક્ષ-જીવન્મુક્તતા-માનવામાં આવે તો તે જેમ સફળ નથી, તેમ અક્ષાયિદકશાએ ક્ષાયિક માનવામાં આવે તો તે પણ સફળ નથી. માનવાનું ફળ નથી, પણ દશાનું ફળ છે.
જ્યારે એ પ્રકારે છે ત્યારે હવે આપણો આત્મા કઈ દશામાં હાલ છે, અને તે ક્ષાયિકસમકિતી જીવની દશાનો વિચાર કરવાને યોગ્ય છે કે કેમ, અથવા તેનાથી ઊતરતી અથવા તેથી ઉપરની દશાનો વિચાર આ જીવ યથાર્થ કરી શકે એમ છે કે કેમ ? તે જ વિચારવું જીવને શ્રેયસ્કર છે; પણ અનંત કાળ થયાં જીવે તેવું વિચાર્યું નથી, તેને તેવું વિચારવું યોગ્ય છે એવું ભાસ્યું પણ નથી, અને નિષ્ફળપણે સિદ્ધપદ સુધીનો ઉપદેશ જીવ અનંત વાર કરી ચૂક્યો છે; તે ઉપર જણાવ્યો છે, તે પ્રકાર વિચાર્યા વિના કરી ચૂક્યો છે, વિચારીને-યથાર્થ વિચાર કરીને-કરી ચૂક્યો નથી. જેમ પૂર્વે જીવે યથાર્થ વિચાર વિના તેમ કર્યું છે, તેમજ તે દશા (યથાર્થ વિચારદશા) વિના વર્તમાને તેમ કરે છે. પોતાના બોધનું બળ જીવને ભાનમાં આવશે નહીં ત્યાં સુધી હવે પછી પણ તે વર્ત્યા કરશે. કોઈ પણ મહાપુણ્યને યોગે જીવ ઓસરીને તથા તેવા મિથ્યા-ઉપદેશના પ્રવર્તનથી પોતાનું બોધબળ આવરણને પામ્યું છે, એમ જાણી તેને વિષે સાવધાન થઈ નિરાવરણ થવાનો વિચાર કરશે ત્યારે તેવો ઉપદેશ કરતાં, બીજાને પ્રેરતાં, આગ્રહે કહેતાં અટકશે. વધારે શું કહીએ ? એક અક્ષર બોલતાં અતિશય-અતિશય એવી પ્રેરણાએ પણ વાણી મોનપણાને પ્રાપ્ત થશે; અને તે મોનપણું પ્રાપ્ત થયા પહેલાં જીવને એક અક્ષર સત્ય બોલાય એમ બનવું અશક્ય છે; આ વાત કોઈ પણ પ્રકારે ત્રણે કાળને વિષે સંદેહપાત્ર નથી.
તીર્થંકરે પણ એમ જ કહ્યું છે; અને તે તેના આગમમાં પણ હાલ છે, એમ જાણવામાં છે. કદાપિ આગમને વિષે એમ કહેવાયેલો અર્થ રહ્યો હોત નહીં, તોપણ ઉપર જણાવ્યા છે તે શબ્દો આગમ જ છે, જિનાગમ જ છે. રાગ, દ્વેષ અને અજ્ઞાન એ ત્રણે કારણથી રહિતપણે એ શબ્દો પ્રગટ લેખપણું પામ્યા છે; માટે સેવનીય છે.
૩૯૭