________________
૧૫૧
શ્રીમદ્ રાજચંદ્ર હેન્ડબુક આ જીવને દેહસંબંધ હોઈને મૃત્યુ ન હોત તો આ સંસાર સિવાય બીજે તેની વૃત્તિ જોડવાનો અભિપ્રાય થાત નહીં. મુખ્ય કરીને મૃત્યુને ભયે પરમાર્થરૂપ બીજે સ્થાનકે વૃત્તિ પ્રેરી છે, તે પણ કોઈક વિરલા જીવને પ્રેરિત થઈ છે, ઘણા જીવોને તો બાહ્ય નિમિત્તથી મૃત્યુભય પરથી બાહ્ય ક્ષણિક વૈરાગ્ય પ્રાપ્ત થઈ વિશેષ કાર્યકારી થયા વિના નાશ પામે છે; માત્ર કોઈક વિચારવાનું અથવા સુલભબોધી કે હળુકર્મી જીવને તે ભય પરથી અવિનાશી નિઃશ્રેય પદ પ્રત્યે વૃત્તિ થાય છે. મૃત્યુભય હોત તોપણ તે મૃત્યુ વૃદ્ધાવસ્થાએ નિયમિત પ્રાપ્ત થતું હોત તોપણ જેટલા પૂર્વે વિચારવાનો થયા છે, તેટલા ન થાત, અર્થાત્ વૃદ્ધાવસ્થા સુધી તો મૃત્યુનો ભય નથી એમ દેખીને, પ્રમાદ સહિત વર્તત; મૃત્યુનું અવશ્ય આવવું દેખીને, તથા તેનું અનિયમિતપણે આવવું દેખીને, તે પ્રસંગ પ્રાપ્ત થયે, સ્વજનાદિ સૌથી અરક્ષણપણું દેખીને, પરમાર્થ વિચારવામાં અપ્રમત્તપણે જ હિતકારી લાગ્યું, અને સર્વસંગનું અહિતકારીપણું લાગ્યું. વિચારવાન પુરુષોનો તે નિશ્ચય નિઃસંદેહ સત્ય છે; ત્રણે કાળ સત્ય છે. મૂછભાવનો ખેદ ત્યાગીને અસંગભાવપ્રત્યયી ખેદ વિચારવાનને કર્તવ્ય છે.
જો આ સંસારને વિષે આવા પ્રસંગોનો સંભવ ન હોત, પોતાને અથવા પરને તેવા પ્રસંગની અપ્રાપ્તિ દેખાતી હોત, અશરણાદિપણું ન હોત તો પંચવિષયનાં સુખસાધનનું કશું ન્યૂનપણું પ્રાયે નહોતું, એવા શ્રી ઋષભદેવાદિ પરમપુરુષો, અને ભરતાદિ ચક્રવર્યાદિઓ તેનો શા કારણે ત્યાગ કરત? એકાંત અસંગપણું શા કારણે ભજત?
૬૮૯
દુર્લભ એવો મનુષ્યદેહ પણ પૂર્વે અનંત વાર પ્રાપ્ત થયા છતાં કંઈ પણ સફળપણું થયું નહીં, પણ આ મનુષ્યદેહને કૃતાર્થતા છે, કે જે મનુષ્યદેહે આ જીવે જ્ઞાની પુરુષને ઓળખ્યા, તથા તે મહાભાગ્યનો આશ્રય કર્યો, જે પુરુષના આશ્રયે અનેક પ્રકારના મિથ્યા આગ્રહાદિની મંદતા થઈ, તે પુરુષને આશ્રયે આ દેહ છૂટે એ જ સાર્થક છે. જન્મજરામરણાદિને નાશ કરવાવાળું આત્મજ્ઞાન જેમને વિષે વર્તે છે, તે પુરુષનો આશ્રય જ જીવને જન્મજરામરણાદિનો નાશ કરી શકે, કેમ કે તે યથાસંભવ ઉપાય છે. સંયોગ સંબંધે આ દેહ પ્રત્યે આ જીવને જે પ્રારબ્ધ હશે તે વ્યતીત થયે તે દેહનો પ્રસંગ નિવૃત્ત થશે. તેનો ગમે ત્યારે વિયોગ નિશ્ચયે છે, પણ આશ્રયપૂર્વક દેહ છૂટે એ જ જન્મ સાર્થક છે, કે જે આશ્રયને પામીને જીવ તે ભવે અથવા ભાવિ એવા થોડા કાળે પણ સ્વરૂપમાં સ્થિતિ કરે.
શ્રી સદ્ગુરુએ કહ્યો છે એવા નિગ્રંથમાર્ગનો સદાય આશ્રય રહો.
હું દેહાદિ સ્વરૂપ નથી, અને દેહ સ્ત્રી પુત્રાદિ કોઈ પણ મારાં નથી, શુદ્ધ ચૈતન્યસ્વરૂપ અવિનાશી એવો હું આત્મા છું, એમ આત્મભાવના કરતાં રાગદ્વેષનો ક્ષય થાય.
- ૬૨
જ્ઞાનમાર્ગ દુરારાધ્ય છે; પરમાવગાઢદશા પામ્યા પહેલાં તે માર્ગે પડવાનાં ઘણાં સ્થાનક છે. સંદેહ, વિકલ્પ, સ્વચ્છંદતા, અતિપરિણામીપણું એ આદિ કારણો વારંવાર જીવને તે માર્ગે પડવાના હેતુઓ થાય છે; અથવા ઊર્ધ્વભૂમિકા પ્રાપ્ત થવા દેતાં નથી.