________________
૧૮૫
શ્રીમદ્ રાજચંદ્ર હેન્ડબુક
અપૂર્વ અવસર પૂર્વપ્રયાગાદિ કારણના યોગથી, ઊર્ધ્વગમન સિદ્ધાલય પ્રાપ્ત સુસ્થિત જો; સાદિ અનંત અનંત સમાધિસુખમાં, અનંત દર્શન, જ્ઞાન અનંત સહિત જો. અપૂર્વ. ૧૯
જે પદ શ્રી સર્વ દીઠું જ્ઞાનમાં, કહી શક્યા નહીં પણ તે શ્રી ભગવાન જો; તેહ સ્વરૂપને અન્ય વાણી તે શું કહે ? અનુભવગોચર માત્ર રહ્યું તે જ્ઞાન જો. અપૂર્વ. ૨૦ એહ પરમપદ પ્રાપ્તિનું કર્યું ધ્યાન મેં, ગજા વગર ને હાલ મનોરથરૂપ જો; તોપણ નિશ્ચય રાજચંદ્ર મનને રહ્યો, પ્રભુઆજ્ઞાએ થાશું તે જ સ્વરૂપ જો. અપૂર્વ. ૨૧
સપુરુષ અન્યાય કરે નહીં, પુરુષ અન્યાય કરશે તો આ જગતમાં વરસાદ કોના માટે વરસશે ? સૂર્ય કોના માટે પ્રકાશશે ? વાયુ કોના માટે વાશે ?
આત્મા કેવી અપૂર્વ વસ્તુ છે ! જ્યાં સુધી શરીરમાં હોય, ભલેને હજારો વરસ, ત્યાં સુધી શરીર સડતું નથી, પારાની જેમ આત્મા, ચેતન ચાલ્યું જાય અને શરીર શબ થઈ પડે અને સડવા માંડે !
જીવમાં જાગૃતિ અને પુરુષાર્થ જોઈએ. કર્મબંધ પડ્યા પછી પણ તેમાંથી (સત્તામાંથી ઉદય આવ્યા પહેલાં) છૂટવું હોય તો અબાધાકાળ પૂર્ણ થતાં સુધીમાં છૂટી શકાય.
પુણ્ય, પાપ અને આયુષ્ય એ કોઈ બીજાને ન આપી શકે. તે દરેક પોતે જ ભોગવે.
સ્વચ્છંદ, સ્વમતિકલ્પનાએ, સદ્ગુરુની આજ્ઞા વિના ધ્યાન કરવું એ તરંગરૂપ છે અને ઉપદેશ, વ્યાખ્યાન કરવું એ અભિમાનરૂપ છે.
દેહધારી આત્મા પંથી છે અને દેહ એ ઝાડ છે. આ દેહરૂપ ઝાડમાં (નીચે) જીવરૂપી પંથી વટેમાર્ગ થાક લેવા બેઠો છે. તે પંથી ઝાડને જ પોતાનું કરી માને એ કેમ ચાલે ?