________________
૧૮૮
હાથનોધ
આવ્યંતર પરિણામ અવલોકન-હાથનોંધ ૧ ઉપર બતાવેલાં મધ્યેનું એક પણ આ જીવનું નથી, છતાં પોતાનું માની બેઠો છે, તે સુધરવાને માટે અથવા તેનાથી જીવને વ્યાવૃત્ત કરવા માટે માત્ર માન્યતાની ભૂલ છે, તે સુધારવાથી બની શકવા યોગ્ય છે. તે ભૂલ શાથી થઈ છે? તે વિચારતાંરાગ દ્વેષ ને અજ્ઞાનથી. ત્યારે તે રાગાદિને કાઢવા. તે શાથી નીકળે ? જ્ઞાનથી. તે જ્ઞાન શી રીતે પ્રાપ્ત થાય ? - પ્રત્યક્ષ એવા સદ્ગરની અનન્ય ભક્તિ ઉપાસવાથી તથા ત્રણ યોગ અને આત્મા અર્પણ કરવાથી. તે જો પ્રત્યક્ષ સગુરુની હાજરી હોય તો શું કરવું ? ત્યાં તેમની આજ્ઞાનુસાર વર્તન કરવું.
પરમ કરૂણાશીલ, જેના દરેક પરમાણુમાં દયાનો ઝરો વહેતો રહે છે એવા નિષ્કારણ દયાળુને અત્યંત ભક્તિ સહિત નમસ્કાર કરીને આત્મા સાથે સંયોગમાં પામેલા પદાર્થનો વિચાર કરતાં છતાં અનાદિકાળથી દેહાત્મબુદ્ધિના અભ્યાસથી જેમ જોઈએ તેમ સમજાતું નથી, તથાપિ કોઈ પણ અંશે દેહથી આત્મા ભિન્ન છે એવા અનિર્ધારિત નિર્ણય ઉપર આવી શકાય છે. અને તે માટે વારંવાર ગવેષણા કરવામાં આવે તો અત્યાર સુધીમાં જે પ્રતીતિ થાય છે તેથી વિશેષપણે થઈ શકે તેમ સંભવે છે, કારણ કે જેમ જેમ વિચારની શ્રેણિની દઢતા થાય છે તેમ તેમ વિશેષ ખાતરી થતી જાય છે.
બધા સંજોગો અને સંબંધો યથાશક્તિ વિચારતાં એમ તો પ્રતીતિ થાય છે કે દેહથી ભિન્ન એવો કોઈ પદાર્થ છે.
આવા વિચાર કરવામાં એકતાદિ જે સાધનો જોઈએ તે નહીં મેળવવાથી વિચારની શ્રેણિને વારંવાર કોઈ નહીં તો કોઈ પ્રકારે વ્યાઘાત થાય છે ને તેથી વિચારની શ્રેણિ ચાલ થઈ હોય તે તૂટી જાય છે. આવા ભાંગ્યાત્રુટયા વિચારની શ્રેણિ છતાં ક્ષયોપશમ પ્રમાણે વિચારતાં જડ પદાર્થ (શરીરાદિ) સિવાય તેના સંબંધમાં કોઈ પણ વસ્તુ છે, ચોક્કસ છે એવી ખાતરી થાય છે. આવરણનું જોર અથવા તો અનાદિકાળના દેહાત્મબુદ્ધિના અધ્યાસથી એ નિર્ણય ભૂલી જવાય છે, ને ભૂલવાળા રસ્તા ઉપર દોરવાઈ જવાય છે.
શુદ્ધ એવા સ્ફટિકને વિષે અન્ય રંગનું પ્રતિભાસવું થવાથી તેનું જેમ મૂળ સ્વરૂપ લક્ષગત થતું નથી, તેમ શુદ્ધ નિર્મળ એવું આ ચેતન અન્ય સંયોગના તાદાત્મવત્ અધ્યાસે પોતાના સ્વરૂપનો લક્ષ પામતું નથી. યત્કિંચિત પર્યાયાંતરથી એ જ પ્રકારે જૈન, વેદાંત, સાંખ્ય, યોગાદિ કહે છે.
જીવના અસ્તિત્વપણાનો તો કોઈ કાળે પણ સંશય પ્રાપ્ત નહીં થાય. જીવનાં નિત્યપણાનો, ત્રિકાળ હોવાપણાનો કોઈ કાળે પણ સંશય પ્રાપ્ત નહીં થાય. જીવનાં ચૈતન્યપણાનો, ત્રિકાળ હોવાપણાનો કોઈ કાળે પણ સંશય પ્રાપ્ત નહીં થાય. તેને કોઈ પણ પ્રકારે બંધદશા વર્તે છે એ વાતનો કોઈ કાળે પણ સંશય પ્રાપ્ત નહીં થાય. તે બંધની નિવૃત્તિ કોઈ પણ પ્રકારે નિસંશય ઘટે છે, એ વાતનો કોઈ કાળે પણ સંશય પ્રાપ્ત નહીં થાય. મોક્ષપદ છે એ વાતનો કોઈ પણ કાળે સંશય નહીં થાય.