________________
1
રાજમહેલની રાણી સુખી નથી !
ગગનચુંબતો એક રાજમહાલય છે; અનેક ગોખગવાક્ષથી ભરેલો છે. સોનેરીરૂપેરી રસે રસાયેલા એના ખંડો છે. દ્વારે દ્વારે સશસ્ત્ર યવનીઓ ને ચોકીદારો ખડાં છે. આગળ મદગળતા માતંગ ઝૂમે છે.
સંધ્યાનો સમય છે. ગગન વિવિધ રંગે રંગાયેલું છે.
સંસાર માને છે કે રાજમહાલયમાં રહેનારાં સ્વર્ગનું સુખ ભોગવતાં હોય છે. પણ અહીં એવું નથી. ગ્લાનિનું એક મોજું બધે પથરાયેલું છે. બધાં હસે છે! પણ જાણે ખોટું. બધાં વાતો કરે છે, પણ જાણે સાવ ખોટેખોટી !
આ રાજમહાલયના એક ખંડમાં અપૂર્વ સૌંદર્યશાલિની એક રમણી ઊભેલી છે. જીવન-મૃત્યુનાં બે દ્વારમાંથી જે દ્વારેથી યુવાની આવી, એના સામેના દ્વારથી એ જાણે જવા માગે છે. જેના દેહ પર પ્રૌઢત્વ આવવાના કેટલાક સંકેતો રચાયા હોય, એવી નારી શણગારમાં બહુ ન રાચે; આ નારી પણ બહુ રાચતી હોય તેમ એની મુખમુદ્રા પરથી લાગતું નથી, છતાં આશ્ચર્યની વાત એ છે કે, રમણી અત્યારે સિંગાર કરી રહી છે !
દાસીઓ ઝવેરાતના દાબડાઓ, પટકૂળોની મંજૂષાઓ અને વિલેપનના કટોરાઓ લઈને સામે ઊભી છે.
એ સુંદર નાર સિંગાર કરતી કરતી દેહપ્રમાણ અરીસા સામે આવીને ઊભી રહી; એક વાર અરીસા સામે જોઈને જાણે મનોમન વિચારી રહી :
રે ! જે નયનો હરિણીને શરમાવતાં એ આજ કેમ ભારે ભારે છે ? ચંચળતામાં જે ચક્ષુઓ મીનને શરમાવતાં એ આજે કાં ચુસ્ત છે ? જે પગ પર અને પગની ચાલ પર અરમાન હતાં, એ આજે કાં ઢીલાંઢીલાં લાગે ? બિંબફળ જેવાં ઓષ્ઠનો