Book Title: Shabdaratnamahodadhi Part 1
Author(s): Muktivijay, Ambalal P Shah
Publisher: Vijaynitisurishwarji Jain Pustakalaya Trust Ahmedabad
View full book text
________________
નિવેદન [પ્રથમ આવૃત્તિનું]
આજે વર્ષોની જહેમત પછી વિદ્વાન સાક્ષર વર્ગ તેમજ સામાન્ય જનતા અને સંસ્કૃત સાહિત્યના અભ્યાસીઓ માટે ‘શબ્દરત્નમહોદધિ’ કોષ પ્રકાશિત કરતાં આનંદ થાય છે.
આજ સુધીમાં તો ઘણાયે કોષો બહાર પડી ચૂક્યા છે. અંગ્રેજી ભાષાના અભ્યાસની આવશ્યકતા જેમ જેમ વધી તેમ તેમ દિન પ્રતિદિન નવી નવી જાતના જોડણી કોષો નીકળવા લાગ્યા છે. એન્સાઇક્લોપીડિયા બ્રિટાનિકાથી માંડી જેમ્સ પોકેટ ડીક્ષનેરી જેવા અનેક સંગ્રહો બહાર પડી ચૂક્યા છે અને વિદ્યાર્થી જગત્, અભ્યાસીવર્ગ તથા સાહિત્યકારોમાં તેની આવશ્યકતા પુરવાર થઈ છે.
સંસ્કૃત કોષો માત્ર વિદ્વાનવર્ગ અને સંસ્કૃત ભાષાના અભ્યાસીઓને જ ઉપયોગી હોવાથી તે અમુક સંખ્યા પૂરતા જ બહાર પડ્યા છે. એમ તો ઘણા ઉપયોગી અને મહત્ત્વના કોષો આજ સુધીમાં બહાર પડ્યા કહેવાય. ‘શબ્દકલ્પદ્રુમ’, ‘વાચસ્પત્યબૃહદભિધાન’, ‘શબ્દસ્તોમમહાનિધિ’, અભિધાનચિંતામણિ, અમરકોષ, હૈમકોષ, પાઈયસદ્દમહષ્ણવો, સંસ્કૃત શબ્દાર્થકૌસ્તુભ ઉપરાંત મરાઠી કોષ વગેરે અનેક કોષો પ્રસિદ્ધ થયા છે. આ કોષો સાહિત્યના અભ્યાસ માટે અનુપમ છે, તેમાં તો કોઈથી ના પાડી શકાય તેમ નથી. કેટલાક કોષો પાછળ તો કર્તા અને સંગ્રાહકોએ જિંદગીનાં વર્ષોના વર્ષો આપ્યાનો અને તે માટે જ જીવન સમર્પણ કર્યાનાં દૃષ્ટાંતો છે, અને ત્યારે જ કોષનું મૂલ્યાંકન સામાન્ય પુસ્તક કે કાવ્યગ્રંથ કરતાં વિશિષ્ટ છે.
રાષ્ટ્ર, દેશ કે સમ્રાટનો વૈભવ જેમ દ્રવ્ય કોષથી જ અબાધિત ચાલે છે. લક્ષ્મી વિના કોઈ પણ વ્યવહાર ચાલી શકતો નથી. યુદ્ધની તૈયારી કરવી હોય કે રાજ્યનું શાસન ચલાવવું હોય, નવનવી શોધો કરવી હોય કે વિજ્ઞાનના પ્રયોગો કરવા હોય, રાષ્ટ્રની ઉન્નતિ સાધવી હોય કે હકૂમત જમાવી રાખવી હોય, આ પ્રત્યેક કાર્ય દ્રવ્યકોષથી જ થઈ શકે છે. દ્રવ્યકોષ વિના આ બધાં કાર્યો અટકી પડે, રાષ્ટ્ર પરાધીન બને અને દેશ બરબાદ થઈ જાય.
એ જ પ્રમાણે જ્ઞાનકોષની પ્રતિષ્ઠા મહામૂલ્યવાન છે, એટલું જ નહિ પણ દ્રવ્યકોષથી વિશિષ્ટ છે. ઇતિહાસનાં પૃષ્ઠો પર એવાં દૃષ્ટાંતો પણ છે કે દ્રવ્યસામગ્રી હોવા છતાં મૂર્ખજનો જ્ઞાનના અભાવે દુર્દશા પામ્યા છે. જ્ઞાનકોષ એ એક જીવંત વસ્તુ છે, દીપક સમાન અને અજ્ઞાનીજનોને મશાલ રૂપ છે.
આજથી પચાસ વર્ષ પહેલાં સંસ્કૃત ભાષાનો અભ્યાસ વ્યાકરણ-સૂત્રો અને ટીકાઓ દ્વારા થતો હતો, વર્ષોના નિરંતર અભ્યાસ પછી ગદ્ય-પદ્ય શીખવવામાં આવતું અને તે અભ્યાસ એવો ઊંડાણથી થતો કે એક બે ગદ્ય-પદ્યના અભ્યાસથી સંસ્કૃત ભાષાનો સારો બોધ થતો અને બીજાં પુસ્તકો તે સરળતાથી લખાવી શકતા. અંગ્રેજી અભ્યાસમાં અંગ્રેજી ભાષા પાછળ જ વર્ષોનાં વર્ષો ગાળવા પડતાં હોઈને તથા સંસ્કૃત ભાષા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org