Book Title: Shabdaratnamahodadhi Part 1
Author(s): Muktivijay, Ambalal P Shah
Publisher: Vijaynitisurishwarji Jain Pustakalaya Trust Ahmedabad
View full book text
________________
३१
અભિધાનરાજેન્દ્રકોશ
આચાર્ય વિજયરાજેન્દ્રસૂરિજીએ સાડા ચાર લાખ શ્લોકપ્રમાણ “અભિધાનરાજેન્દ્ર નામક કોશગ્રંથની રચનાનો આરંભ વિ. સં. ૧૯૪૬માં સિયાણામાં કર્યો હતો અને સં. ૧૯૬૦માં સૂરતમાં તેની પૂર્ણાહુતિ કરી હતી. આ કોશ સાત વિશાલકાય ભાગોમાં છે. આમાં ૬૦૦૦૦ પ્રાકૃત શબ્દોના મૂળની સાથે સંસ્કૃતમાં અર્થ આપ્યા છે અને તે શબ્દોનાં વ્યવહત સ્થાન તથા અવતરણો સંસ્કૃતમાં આપ્યાં છે. ક્યાંય ક્યાંય તો અવતરણોમાં પૂરો ગ્રંથ ઉધૃત કર્યો છે. એની સંકલના આધુનિક પદ્ધતિએ કરેલી છે. એક હાથે આવડો મોટો ગ્રંથ માત્ર ૧૪ વર્ષના ગાળામાં સાધુજીવનની કડક આચાર પદ્ધતિ, બીજી ગ્રંથરચના, ઉપદેશ, આગંતુક ભક્તગણ સાથે વાતચીત વગેરે કાર્ય કરતાં કરતાં કરી છે એ ખરેખર આશ્ચર્યકારક ઘટના છે. સૂરિજીએ આ ગ્રંથરચના કરીને જૈન સમાજનું અને સાહિત્યિક જગતનું મુખ ઉજ્વળ બનાવ્યું એટલું જ નહિ એને પ્રતિષ્ઠા અપાવી છે.
આ જ વિજયરાજેન્દ્રસૂરિજીએ આ રીતે હિંદી અર્થ સાથેનો પ્રાકૃત શબ્દકોશ પાઈયસદંબુહી' નામે રચ્યો છે. તે હજી સુધી પ્રકાશિત થયો નથી. એ પ્રકાશિત થાય તો અનેક વિદ્વાનોને ઉપયોગી થાય તેમ છે, એટલું સૂચન આવશ્યક સમજું છું.
અંતે- પ. પૂ. આ. શ્રી. વિજયમહેન્દ્રસૂરીશ્વરજીના શિષ્યરત્ન પૂ. પં. શ્રી. હેમપ્રભવિજયજી મ. સા. મારા કાર્યમાં પ્રેરણા આપતા રહ્યા છે તે બદલ તેમના પ્રતિ હું મારો કૃતજ્ઞ ભાવ દર્શાવું છું. વિદ્ધપ્રવર મુનિરાજ શ્રી. મણિપ્રભવિજયજી મહારાજશ્રી મને પ્રેરણા આપતા રહ્યા છે તે બદલ તેમનો આભાર માનવાનું હું ભૂલતો નથી. વળી, આ સંસ્થાના મુખ્ય ટ્રસ્ટી શ્રી. ચારુચંદ્રભાઈએ મારા કાર્ય પ્રત્યે નિજી પ્રેમદ્વારા મને ઉત્સાહિત કર્યે રાખ્યો છે અને બધી સગવડો આપી છે, જેથી હું મારું કાર્ય મોકળાશથી કરી શક્યો છું. તેમની આવી ઉદારતા ભરી લાગણી માટે હું તેમનો ખૂબ ખૂબ આભારી છું.
–અંબાલાલ પ્રેમચંદ શાહ
૬બી, વીરનગર સોસાયટી, નવા વાડજ, અમદાવાદ–૧૩. તા. ૧-૨-૮૫.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org