________________
જૈનદર્શન પ્રત્યેક પદ વિશે સ્પષ્ટ વિવેચન કરે છે. એ શબ્દનો વ્યવહાર-જગતમાં થતો ઉપયોગ સ્વીકારીને ક્યાંય ચાલતું નથી. વિશેષ તો એના આધ્યાત્મિક અર્થને ઉપસાવવાનો એનો સદૈવ પ્રયત્ન હોય છે. શબ્દની આધ્યાત્મિક અર્થછાયાઓ જાણીને જ સાધક એની સાધનાના માર્ગે આગળ વધી શકે. પરિણામે ‘મંગલ' શબ્દ એમ ને એમ સ્વીકારવાને બદલે તેનો સાચો અર્થ અને મર્મ સમજાવવા દ્રવ્યમંગલ અને ભાવમંગલ એમ બે પ્રકાર દર્શાવ્યા છે.
II૭ll સર્વ મંગલોમાં પ્રધાન મંગલ
‘મંગલાણં ચ સવ્વસિં
પઢમં હવઈ મંગલ.' શ્રી નમસ્કાર મહામંત્રના પ્રત્યેક શબ્દમાં ભવ્ય ભાવના અને ગહન આધ્યાત્મિક અનુભૂતિ તાણાવાણાની જેમ વણાઈ ચૂકી છે. આથી જ એને જૈન ધર્મનો સાર કે સમસ્ત શ્રુતજ્ઞાનનું નવનીત કહેવામાં આવે છે.
ઉપરના પદમાં રહેલ ‘મંગલ' શબ્દનો અર્થ શું ? આપણે વ્યવહારમાં વારંવાર ‘મંગલ' શબ્દનો પ્રયોગ કરીએ છીએ. આવી મંગલદાયક આઠ વસ્તુઓના સમૂહને “અષ્ટમંગલ' કહીએ છીએ અને ધાર્મિક પ્રસંગોએ આ અષ્ટમંગલનું આલેખન થાય છે. જૈન ધર્મના પ્રથમ તીર્થંકર શ્રી ઋષભદેવ ભગવાનના જન્મના અભિષેક પ્રસંગે ઇન્દ્ર મહારાજે આવા અષ્ટમંગલનું આલેખન કર્યું હતું. આ અષ્ટમંગલ છે : (૧) સ્વસ્તિક (૨) શ્રીવત્સ (૩) શ્રી નંદ્યાવર્ત (૪) વર્ધમાનક (શરાવ-સંપુટ) (૫) ભદ્રાસન (૯) કલશ (૭) મત્સ્ય યુગલ અને (૮) દર્પણ.
દ્રવ્યમંગલ એટલે આપણા સામાજિક વ્યવહારમાં મંગલરૂપ ગણાતી ચીજવસ્તુઓ, જેમાં દહીં, અક્ષત, ચંદન વગેરેનો સમાવેશ થાય છે. દૂર્વા (ધરો), શ્રીફળ, પૂર્ણકળશ અને સ્વસ્તિક વગેરે પણ મંગલરૂપ મનાય છે. આ પદાર્થ દુઃખ કે અનિષ્ટનું નિવારણ કરીને સુખ આપે છે તેવી માન્યતા પ્રવર્તે છે. • આ પદાર્થો નિશ્ચિતપણે આ કાર્ય કરે તેવું હોતું નથી, આથી એને સંદિગ્ધ સાધન તરીકે ગણવામાં આવ્યા છે. એનાથી સુખ મળે કે ન પણ મળે. વળી જે સુખ મળે તે પૂર્ણ સુખ ન હોય.
આ પ્રકારના દ્રવ્યમંગલ કરતાં ભાવમંગલનું વિશેષ મહત્ત્વ છે. આ ભાવમંગલ દ્વારા પૂર્ણ અને અવિનાશી સુખની પ્રાપ્તિ થાય છે. અહિંસા, સંયમ અને તપને ભાવમંગલ કહ્યાં છે. સ્વાધ્યાય, ધ્યાન અને જ્ઞાનાદિ ગુણોનો આમાં સમાવેશ થાય છે. મતિ, શ્રત, અવધિ, મન:પર્યવ અને કેવલ – એ પાંચ જ્ઞાનના સમૂહને ભાવમંગલ કહ્યા છે. ધર્મશાસ્ત્રોમાં પણ અરિહંત, સિદ્ધ વગેરે દ્વારા પ્રણિત ધર્મની ગણના ભાવમંગલમાં કરવામાં આવી છે.