Book Title: Samaro Mantra Bhalo Navkar
Author(s): Kumarpal Desai
Publisher: Jaibhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 22
________________ મોક્ષ અપાવનાર ઉત્તમ ભાવમંગલ છે. આને કારણે જ શ્રી નમસ્કાર મહામંત્રને સર્વ મંગલોમાં પ્રથમ મંગલ કહ્યો છે. એક જિજ્ઞાસા એ જાગે કે આ ‘મંગલ' શબ્દનો અર્થ અને કાર્ય શું ? માત્ર શબ્દાર્થનો જ વિચાર કરીએ. તો “” એટલે ‘મન’ અને ‘ગલ' એટલે ગાળે. આનો અર્થ એ કે જે મને આ ભવસમુદ્રમાંથી ગાળે એટલે કે પેલે પાર ઉતારે તે મંગલ કહેવાય. અધ્યાત્મ-રસિક ગાળવાની ક્રિયાનો વિચાર કરવો ઘટે. જેમ ચા પીવી હોય તો એને ગળણીથી ગાળવામાં આવે છે. આને પરિણામે ચાની નકામી ભૂકી અને ચાનું પીણું જુદાં પડી જાય છે. પરિણામે કચરા વિનાની ચોખ્ખી ચા પીવા સાંપડે છે. આ આત્માની આસપાસ કર્મરૂપી કચરો લાગેલો છે. આત્મા પરથી એ કચરાને કોણ જુદો પાડી શકે ? આ શક્તિ છે નમસ્કાર મહામંત્રની. જે નમસ્કાર આ આત્માને કર્મરૂપી કચરાથી ગાળીગાળીને ચોખ્ખો બનાવે તે નમસ્કાર મંગલ કહેવાય છે. એક એવી પણ જિજ્ઞાસા જાગે કે જેઓ અરિહંત, સિદ્ધ પદ પામ્યા નથી પરંતુ તીર્થકર થયા વિના ઘાતી કર્મો ખપાવીને, કેવળજ્ઞાની બનીને આ ભૂમિ પર વિચરે છે તેમનો શેમાં સમાવેશ થાય ? આના ઉદાહરણરૂપે આપણે શ્રી સુધર્માસ્વામી, શ્રી જંબુસ્વામી વગેરે વિશે વિચારી શકીએ. એ જ રીતે જિનશાસનમાં ભરત મહારાજા, ચિલાતીપુત્ર વગેરે ગૃહસ્થરૂપે અને સંસારી વસ્ત્રમાં કેવળજ્ઞાન પામ્યા હતા તેમનું શું ? વળી જે ઓ આચાર્ય કે ઉપાધ્યાય નહોતા પરંતુ ગણિ (ગણના નાયક), પંન્યાસ (વિશિષ્ટપદે બિરાજમાન), સ્થવિર (જ્ઞાનાદિમાં વૃદ્ધ) જેવી પદવીઓવાળા મહાત્માને નમસ્કાર ક્યાં ? આને માટે શ્રી નમસ્કાર મહામંત્રનું પાંચમું પદ ખૂબ સૂચક છે. આ પદમાં બીજા પદ કરતાં ‘સવ' એવો એક અધિક શબ્દ મળે છે. એનો અર્થ જ એ કે અરિહંત, સિદ્ધ, આચાર્ય અને ઉપાધ્યાયમાં જેમનો સમાવેશ ન થયો હોય તેવા તમામ પરમેષ્ઠી પુરુષનો પાંચમા પદમાં સમાવેશ થાય છે. આમ સર્વ પ્રકારના શેષ મહાત્માઓના સમૂહ માટે ‘સવ' શબ્દ યોજવામાં આવ્યો છે. આ દર્શાવે છે કે આ મહામંત્ર જેટલો સૂક્ષ્મ છે તેટલો જ વ્યાપક છે. એથી જ એને ‘સલ્વ-પાવ-પ્પણાસણો' કહ્યો છે. આમાં ‘સવ” એટલે ‘સર્વ', ‘પાવ' એટલે ‘પાપ’ અને ‘પ્પણાસણો' એટલે ‘પ્રણાશક'. બધાં પાપોનો પ્રકર્ષથી નાશ કરનાર અથવા વિધ્વંસક. સર્વ શબ્દ એ તમામ પ્રકારનાં અધર્મ અને અશુભ કર્મોને આવરી ) લે છે. પ્રણાશન શબ્દ અત્યંત નાશ કે સર્વથા નાશનો અર્થ દર્શાવે () છે. આ રીતે આનો અર્થ થશે સર્વ અધર્મનો કે અશુભ કર્મનો અત્યંત નાશ કરનાર. આવો, સર્વ પાપનો નાશ કરનાર આ મંત્ર હોવાથી ‘ઉપદેશતરંગિણી' ગ્રંથમાં કહ્યું છે કે ભોજન સમયે, શયન સમયે, જાગવાના સમયે, પ્રવેશ સમયે, ભય કે કષ્ટના સમયે અને સર્વ સમયે નવકારમંત્રનું સ્મરણ કરવું જોઈએ. વળી મૃત્યુ વેળાએ જેઓ આ મહામંત્રનું સ્મરણ કરે છે, તેની ભવાંતરને વિશે સદગતિ થાય છે.

Loading...

Page Navigation
1 ... 20 21 22 23 24 25 26 27 28 29 30