________________
૧૬
પ્રબુદ્ધ જીવન
જૈન કથાસાહિત્ય-એક વિહંગદર્શન
ઘડૉ. કાન્તિભાઈ બી. શાહ
કથાસાહિત્ય વિશેના આ નિબંધનો આરંભ પણ નાનકડાં દૃષ્ટાંતોથી જ કરું.
એક ધર્માનુરાગી શ્રેષ્ઠીનો પુત્ર અત્યંત નાસ્તિક. નગરમાં જૈન આચાર્ય પધાર્યા. શેઠની વિનંતીને ધ્યાનમાં લઈ મહાત્માએ પેલા શ્રેષ્ઠીપુત્ર સમક્ષ શાસ્ત્રકથિત સિદ્ધાંતો ઠાલવવા માંડ્યા. પેલાએ એક કાનેથી સાંભળી બીજે કાનેથી કાઢી નાંખ્યા. મહાત્માને થયું કે ‘ઉજ્જડ ધરતી પર મેઘવર્ષા વ્યર્થ છે.’ થોડા સમય પછી બીજા એક મહાત્માએ એ બીડું ઝડપ્યું. એમણે પેલા શ્રેષ્ઠીપુત્રને પાસે બેસાડી એક રસિક કથાથી આરંભ કર્યો. નાસ્તિક પુત્રને રસ પડવા માંડ્યો. ચોત્રીસ દિવસ સુધી મહાત્માએ રોજ એકેકી કથા કહી અને શ્રેષ્ઠીપુત્ર નાસ્તિકમાંથી આસ્તિક-ધર્માનુરાગી બની ગયો. આ છે ‘વિનોદ ચોત્રીસી'નો કથાદો૨.
X X X
સંસ્કૃતની એક જાણીતી કથા ‘શુકસપ્તતિ'માં વિદેશ ગયેલા યુવાનની પત્ની જારકર્મ અર્થે રાત્રે બહાર જવા નીકળી. પાળેલા પોપટે સ્ત્રીનો ઈરાદો પારખી જઈને એને એક કથા સાંભળવા કહ્યું. સ્ત્રીને કથામાં રસ પડ્યો. રાત વીતી ગઈ. સ્ત્રીએ એની ભોગેચ્છા કાલ ઉપર મુલતવી. પેલા પોપટે પ્રત્યેક રાત્રીએ એકેકી કથા કહીને ૭૦ રાતો સુધી એને રોકી રાખી. પતિ પાછો આવ્યો. એની પત્ની શીલભ્રષ્ટ થતી બચી ગઈ.
X X X
શૈવધર્મી કુમારપાળ રાજાને હેમચંદ્રાચાર્યે જૈન ધર્મથી અવગત કરાવવા ૫૪ કથાઓ કહી. એ કથાશ્રવણ દ્વારા કુમારપાળ રાજા જૈન ધર્મથી પ્રભાવિત અને પ્રતિબોધિત થયા.
પહેલા દૃષ્ટાંતમાં જોઈ શકાશે કે સીધી સિદ્ધાંતચર્યા કે સીધા ધર્મોપદેશ જે ન કરી શક્યાં તે કથાએ કરી બતાવ્યું. બીજા દૃષ્ટાંતમાં કથાશ્રવણ આગળ પેલી સ્ત્રીનું જારકર્મનું પ્રયોજન ગૌણ બની ગયું. કથારસે એને શીલભ્રષ્ટતામાંથી ઉગારી લીધી. ત્રીજામાં કુમારપાળ રાજાને અહિંસા, દાન, દેવપૂજા, ચારિત્રવ્રતની કથાઓએ પલટાવી
દીધા.
તા. ૧૬ ફેબ્રુઆરી, ૨૦૦૯
કથાનું માધ્યમ : આ છે કથાના માધ્યમની પ્રબળતા અને સક્ષમતા. એ માનવીના હૃદયને સોંસરી સ્પર્શે છે. મર્મસ્થલને ચોટ આપી વીંધી નાંખે છે. હા, શરત એટલી કે આ કથામાધ્યમ શુભ ઈરાદાથી પ્રયોજાયું હોય તો એની સત્ત્વશીલતા અને અસરકારકતા નિરપવાદ છે. અને તેથી જ જૈન, બ્રાહ્મણ કે બૌદ્ધ પરંપરામાં ધર્મકથાનું માધ્યમ પ્રચુર માત્રામાં પ્રયોજાયેલું જોવા મળે છે.
જૈન કથાસાહિત્યનો આધારસ્રોત : જેમ જૈન દર્શન અને જૈન જીવનશૈલીનો આધારસ્રોત આપણાં આગમો છે તેમ જૈન કથા
સાહિત્યનો મુખ્ય આધારસ્રોત પણ આપણું આગમસાહિત્ય છે. આપણાં આગમસૂત્રો સમજવા માટે ચાર અનુયોગો પ્રસ્થાપિત થયા છે. ચરણકરણાનુયોગ, દ્રવ્યાનુયોગ, ગણિતાનુયોગ અને ધર્મકથાનુયોગ. આમ આપણા શ્રુતાભ્યાસમાં ધર્મકથાનું પાસું એક મહત્ત્વનું પરિબળ બની રહ્યું છે. આપણી દ્વાદશાંગીમાં છઠ્ઠું અંગ ‘જ્ઞાતાધર્મકથાંગ’ છે. જેમ આચારાંગસૂત્રમાં ચરણકરણાનુયોગની મુખ્યતા સ્વીકારાઈ છે તેમ આ છઠ્ઠા અંગમાં ધર્મકથાનુયોગની મુખ્યતા છે. પણ એનો અર્થ એ નથી કે અન્ય આગમગ્રંથોમાં ધર્મકથાનું આલેખન નથી થયું. તીર્થંકરો, ચક્રવર્તીઓ, સાધુમહાત્માઓ, સાધ્વીજીઓ, રાજાઓ, મંત્રીઓ, શ્રેષ્ઠીઓ, સતી સ્ત્રીઓ આદિ નિજી જૈન પરંપરાની તેમજ બ્રાહ્મણધારાની પુરાણકથાઓથી માંડીને લૌકિક સ્વરૂપની કથાઓ આપણાં એકાધિક આગમોમાં સમાવિષ્ટ થઈ છે.
પ્રથમ અંગ ‘આચારાંગસૂત્ર'ની ત્રીજી ચૂલિકામાં ચ્યવનથી માંડી નિર્વાણ સુધીની શ્રી મહાવીરની જીવનઘટના પ્રાપ્ત થાય છે. પાંચમા અંગ ‘વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ’માં જમાલિ અને ગોશાલકનાં ચરિત્રકથાનકો મળે છે. ‘જ્ઞાતાધર્મકથાંગ’ નામક છઠ્ઠા અંગમાં મહાવીરમુખે કહેવાતી કથાઓ છે. દૃષ્ટાંતકથાઓ, રૂપકકથાઓ, સાહસશૌર્યની કથાઓ, પુરાણકથાઓથી એ આગમ-અંગ સભર બન્યું છે. સાતમા અંગ ‘ઉપાસકદશા’માં મહાવીરપ્રભુના આનંદ, કામદેવ, ચુલણીપિયા, સુરાદેવ આદિ દશ શ્રાવકોની કથાઓ ઉપલબ્ધ છે, જેઓ વિવિધ પ્રલોભનો અને ભૂત-પિશાચો દ્વારા પેદા કરાયેલાં વિઘ્નોને પાર કરીને દેવત્વને પ્રાપ્ત કરે છે. આ શ્રાવકો પોતાના ભોગ અને વ્યવસાયની મર્યાદા સ્વીકારીને એમનું સાત્ત્વિક જીવન જીવ્યા છે. આઠમા અંગ ‘અંતકૃતદશા’માં જેમણે કર્મોનો અને એના ફલસ્વરૂપ સંસારનો નાશ કર્યો છે એવા ૧૦ અંતકૃત કેવલીના ચરિત્રોનું આલેખન થયું છે. એમાં ગજસુકુમાલ, અર્જુનમાલી, સુદર્શન વગેરેની રોચક કથાઓ છે. નવા અંગ ‘અનુત્તરોપયાતિકદશા'માં પોતાનાં તપ-સંયમ દ્વારા અનુત્તર વિમાનલોકમાં પહોંચેલા વારિષણ, અભયકુમાર, ધન્યકુમાર આદિ ૩૩ રાજકુમારોનાં કથાનકો નિરૂપાયાં છે. અગિયારમા ‘કર્મવિપાક’ અંગમાં કર્મવિપાકની કથાઓ છે. દુઃખવિપાકની કથાઓમાં પૂર્વભવમાં કરેલાં દુષ્કૃત્યોના માઠા પરિણામ દર્શાવાયા છે. એમાં આવતી મૃગાપુત્રની કથા તો રૂંવાડાં ઊભા કરી નાખે એવી છે. આ મૃગાપુત્ર અત્યંત દુર્ગંધ મારતા, દેહાકૃતિ વિનાના કેવળ માંસપિંડ રૂપે જન્મ્યાં છે.
આગમ-અંગોની જેમ એનાં ઉપાંગોમાં પણ અજાતશત્રુ, અરિષ્ટ નેમિ, પ્રદેશી રાજા અને કેશી ગણધરના કથાનકો તેમજ