________________
૪ પરમનો સ્પર્શ
કરીએ છીએ. એ સમયે આપણી પોતાની વિશિષ્ટ' એવી કુશાગ્ર બુદ્ધિનો અહંકાર ચિત્તમાં ઘૂમરાતો હોય છે અને પછી જ્યારે એ કાર્યમાં મુશ્કેલી આવે ત્યારે તત્કાળ ઈશ્વરનું સ્મરણ કરવા માંડીએ છીએ.
પહેલાં એને એ કાર્યને અંગે કશું પૂછવાની લેશમાત્ર જરૂર જણાઈ નહોતી, એ ઉચિત કે અનુચિત છે એ વિશે ઈશ્વરને સાક્ષી રાખીને – સાથે રાખીને કશી વિચારણા કરી નહોતી, પરંતુ હવે જ્યારે મુશ્કેલીમાં ખરેખરા ફસાયા છીએ ત્યારે, દૂર ઊભેલા બધિરને બોલાવવા માટે જેમ જોરથી સાદ પાડીએ એમ ઈશ્વરને સાદ પાડીએ છીએ. રૂંધાયેલા કંઠે અને આંખમાં અશ્રુ સાથે એની સમક્ષ પ્રાર્થના કરીએ છીએ. પોતાનું કાર્ય સિદ્ધ થાય તે માટે ઈશ્વર સાથે ત્રાગું કરવામાં આવે છે. કોઈક તો ઈશ્વરને
એમ પણ કહે છે કે “જો તું મારું આ કામ કરી આપીશ તો હું તને જ સોના-રૂપાથી મઢી દઈશ કે પછી આટલી બાધા-માનતા કરીશ.' કેટલાક
સ્વયં ઈશ્વરને પડકાર કરતાં મનોમન કહે છે કે ‘જો મારું આ કામ સફળ નહીં કરી આપે, તો તારી કદી પૂજા કરીશ નહીં કે તારી મૂર્તિને પ્રણામ પણ નહીં કરું.' આથી આગળ વધીને કોઈક પોતાની નબળી શ્રદ્ધાને દાવ પર લગાવે છે અને કહે છે કે જો “મારી આ ઇચ્છા તું સિદ્ધ નહીં કરી આપે, તો હું તને બાજુએ મૂકીને અન્ય ચમત્કારિક દેવની પૂજાઉપાસના કરીશ.'
દંભી ભક્ત કે બનાવટી ઉપાસક જ્યારે ભગવાનને આવું કહેતો હશે, ત્યારે ભગવાન શું વિચારતો હશે ? એણે નજરોનજર જોયું છે કે આ માનવી પોતાના હેતુને સિદ્ધ કરવા માટે કેવા પ્રપંચો નિર્ભય રીતે ખેલતો હતો ! એને ખ્યાલ છે કે “સ્વયં મને અને મૂલ્યને ભૂલીને એ કેવાં પયંત્રો રચતો હતો, ભિન્ન ભિન્ન દાવપેચ અજમાવીને પોતાની કાબેલિયતનાં સાચાં-ખોટાં બણગાં ફૂંકતો હતો, પરંતુ પગ તળેથી ધરતી ખસી એટલે હવે એ મારા દ્વારે યાચનાપાત્ર લઈને ઊભો છે !'
ઈશ્વર આ જાણે છે, નિરાંતે જુએ છે અને મરક મરક હસે છે. એ વિચારે છે કે પહેલાં તો તું તારા મનમાં આવેલા પ્રાપ્તિના તરંગોથી ઇચ્છાઓનો સાગર પાર કરવા નીકળ્યો હતો. પોતાના અહમ્ પર આસ્થા રાખીને આંધળુકિયાં કરતો હતો. એક સમયે તને એવું પણ હતું કે આ સિદ્ધિ મેળવીને હું જગતનો સમ્રાટ બની જઈશ. એનો નિયંતા બનીશ. એમાં નિષ્ફળતા સાંપડતાં હવે તું નાછૂટકે મારે શરણે આવ્યો છે.” અહંકારનું