Book Title: Lakhi Rakho Aarasni Takhti Par
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 30
________________ આપવાનો હોય છે, ઘરાક પાસેથી ઉઘરાણી પતાવવાની હોય છે, મિત્રોને હૉટલમાં મળવાનું હોય છે, ધંધો વિકસાવવા અનેક માણસો સાથે સંપર્ક કરવાનો હોય છે. આ સ્થિતિમાં મમ્મી-પપ્પાને હું સમય ક્યાંથી આપી શકું ? હું એમને સ્પષ્ટ કહી દઉં છું કે તમારે સમય સિવાય મારી પાસે જે માગવું હોય તે માગી લેવું કારણ કે મારી પાસે આજે યુવાની છે, ગરમ લોહી છે, મનમાં અદમ્ય ઉત્સાહ છે. આ સ્થિતિમાં હું ધંધાના વિકાસ પાછળ સમય ન આપતાં તમને જ સમય આપ્યા કરું તો મારું ભાવિ શું? મારી સલામતીનું શું ? અને આમેય હું તમારી પાસે બેસું કે ન બેસું, તમને શો ફેર પડે છે? તમારી સગવડો તો બધીય સચવાઈ જાય છે ને? કપડાં તમારાં ધોવાઈ જાય છે, જમવાનું તમારું સચવાઈ જાય છે, માંદા પડો તો દવા સમયસર આવી જાય છે, ગાદી તમારી બરાબર પથરાઈ જાય છે, બપોરની ચા તમને સમયસર મળી જાય છે, ધરમધ્યાન કરવાની અનુકૂળતા તમને આપેલા સ્વતંત્ર રૂમમાં બરાબર સચવાઈ રહે છે. આથી વધીને તમારે બીજું જોઈએ પણ શું? મહારાજસાહેબ! પપ્પાની સામે મારી દલીલો આવી હોય છે તો મારી પત્નીની દલીલો પણ મમ્મી સામે આવી જ હોય છે. ઘરનાં કામો પતી ગયા પછી મમ્મી જો એને પોતાની પાસે બેસવાનું કહે છે તો છણકો કરીને મમ્મીને એય આવું જ કંઈક સંભળાવી બેસે છે. ‘મારે ખરીદી કરવા બજારમાં જવાનું છે, મારી બહેનપણીને એમાં સાથે રાખવાની છે, મહિલામંડળની મિટિંગમાં મારે હાજર રહેવું પડે તેમ જ છે, ઘણા વખતથી પિયર ગઈ નથી તો ત્યાં એકાદ આંટો લગાવી આવવાની ઇચ્છા છે. આજે સાડીનું સેલ જાહેર થયું છે તો ત્યાં જઈને થોડીક સાડીઓ જોઈ લેવી છે. બાકી, આ ઉંમરે તમારી સાથે બેસીને મારે કરવાનું શું ? માળા ગણવાની ઉંમર તમારી છે તો હરવાફરવાની ઉંમર મારી છે.” મહારાજસાહેબ! પત્નીની આ તડાફડી સામે મમ્મી મૌન તો થઈ જાય છે પણ ક્યારેક એની આંખના ખૂણે આંસુનાં બે બુંદ પણ બાઝી જતાં હોય છે. દર્શન, તારો પત્ર વાંચ્યો, એક વાત તને કહું કે બાલ્યાવસ્થા અને વૃદ્ધાવસ્થા-આ બે અવસ્થા એવી છે કે જેમાં સામગ્રી કરતાં સમય વધુ તાકાતવાન પુરવાર થતો હોય છે. હું તને પૂછું છું. તારી બાલ્યાવસ્થામાં તારી મમ્મીએ તને માત્ર દૂધ જ આપ્યું હોત અને સમય ન આપ્યો હોત તો? પપ્પાએ તને રમકડાં જ લાવી દીધાં હોત અને તારી સાથે રમવા માટેનો સમય ન ફાળવ્યો હોત તો ? તારી બીમાર અવસ્થામાં નોકર સાથે તને દવાખાને મોકલી દીધો હોત અને પોતે સાથે ન આવ્યા હોત તો ? પોતાના ધંધાને વિકસાવવાની લાલચમાં પૈસા આપીને તારા મોજશોખ પૂરા કર્યા હોત પણ તારે માથે હાથ ફેરવીને વાત્સલ્ય ન આપ્યું હોત તો ? શિક્ષણ માટેની તારી વ્યવસ્થા કરી દીધી હોત પણ સંસ્કરણ માટે તારી વ્યક્તિગત કાળજી ન લીધી હોત તો? તને સૂવા માટે સરસ મજાની ગાદી આપી દીધી હોત પણ મમ્મીએ પોતાની ગોદ આપવાનો ઇનકાર કરી દીધો હોત તો? ટટ્યૂશન રાખીને તને બોલતો કર્યો હોત પણ શું બોલવું, એની સમજ આપવા માટેનો સમય ન ફાળવ્યો હોત તો ? શું કહું તને ? તો તું આજે ઉંમરલાયક બની ગયો હોત પણ લાયક ન બની શક્યો હોત. તું મોટો બની ગયો હોત પણ ડાહ્યો ન બની શક્યો હોત. | દર્શન, મમ્મી અને નર્સ વચ્ચે આ જ તો તફાવત હોય છે. પપ્પા અને નોકર વચ્ચે આ જ તફાવત હોય છે. નર્સ દૂધ આપીને અટકી જાય છે, મમ્મી દૂધ સાથે વાત્સલ્ય પણ આપે છે. નોકર કપડાં પહેરાવીને અટકી જાય છે, પપ્પા કપડાં પહેરાવવા સાથે પ્રેમ પણ આપે છે. મમ્મી શરીર સાફ કરતાં કરતાં એકાદ સ્મિત પણ આપી દે છે. નોકર ગાદી પાથરીને રવાના થઈ જાય છે, પપ્પા ઊંઘ નથી આવતી. ત્યાં સુધી બાળકના મસ્તકે હાથ ફેરવતા રહે છે. તું સમજી શકે છે મારી આ વાત? જો બાલ્યાવસ્થામાં મમ્મી-પપ્પાએ પોતાનાં તમામ કાર્યોન, તકોને અને ગણતરીઓને ગૌણ બનાવીને પણ તેને સમય આપ્યો જ છે તો પછી વૃદ્ધાવસ્થામાં મમ્મી-પપ્પાને તું જાતજાતનાં, સાચાં કે ખોટાં બહાનાં હેઠળ સમય આપવાનું ટાળતો જ રહે, તારી પત્ની સમય આપવાની બાબતમાં ગલ્લાં-તલ્લાં કરતી જ રહે એ કેટલું ઉચિત છે?

Loading...

Page Navigation
1 ... 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47