Book Title: Lakhi Rakho Aarasni Takhti Par
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 39
________________ દઉં છું કે તમારા બેના ઝઘડામાં તમારે મને વચ્ચે નાખવો નહીં. તબેલામાં બે ભેંસ સાથે રહી શકે છે મસ્તીથી અને ઘરમાં તમને બન્નેને સંપીને રહેતાં કોણ જાણે કેમ આવડતું જ નથી. મહારાજસાહેબ, હું બરાબર સમજું છું કે મારો આ અભિગમ બરાબર નથી. મારે આમાંથી કોઈક સમ્યક્ રસ્તો કાઢવો જ જોઈએ. જેનો મારા પર અનંત ઉપકાર છે એ મમ્મી પર પત્ની દ્વારા ગલત આરોપો મુકાતા હોય કે પત્ની દ્વારા એની બિનજરૂરી કનડગત થતી હોય તો મારે મમ્મીના પક્ષે રહીને પત્નીને સમ્યક્ શિખામણ આપવી જ જોઈએ. અને પત્ની કે જેણે મારે ભરોસે પોતાનાં મા-બાપ છોડ્યાં છે, ઘર છોડ્યું છે એના પર મમ્મી દ્વારા ગમે તેવા આક્ષેપો થયા કરતા હોય કે એની જરૂરિયાતો પર પણ મમ્મી દ્વારા બિનજરૂરી કાપ મુકાતો હોય તો પત્નીના પક્ષે રહીને મમ્મીને મારે કડક શબ્દોમાં કંઈક કહેવું જ જોઈએ. હું આ સમજું છું છતાં એનો અમલ નથી કરી શકતો. સાધુજીવનની મર્યાદામાં રહીને આપ આ અંગે કંઈક માર્ગદર્શન આપી શકો ? ૫૯ દર્શન, શી સલાહ આપવી તને આ વિષયમાં, એ વિચારવામાં ને વિચારવામાં જ ત્રણ દિવસ નીકળી ગયા. પછી જે કાંઈ સૂઝ્યું છે એ તને આ પત્ર દ્વારા જણાવી રહ્યો છું. એ વાતમાં તો તું સંમત છે ને કે પત્ની પસંદ કરી શકાય છે પણ મમ્મી તો જે મળી હોય છે એને પસંદ કરવી જ પડે છે. અર્થાત્ પત્ની માટે પસંદગીનો વિકલ્પ ઊભો છે પણ મમ્મી માટે તો પસંદગીનો કોઈ વિકલ્પ જ ઊભો જ નથી. એક આડ વાત તને પૂછું ? માની લે કે તારી ઇચ્છા હતી કે મમ્મીનો અવાજ બિલકુલ સ્પષ્ટ હોય પણ બન્યું છે એવું કે મમ્મીની જીભ તોતડી છે, એ બોલે છે ત્યારે ખચકાય છે. તું શું કરે ? મમ્મીની તોતડી જીભ તારે ચલાવી જ લેવી પડે છે ને ? જો હા, તો મારે તને એટલું જ કહેવું છે કે નાપસંદ એવી પણ તોતડી જીભ જો માન્ય તો પછી નાપસંદ એવી પણ તોછડી જીભ અમાન્ય કેમ ? એ તોછડી જીભ બદલ મમ્મી સાથે રોજનો સંઘર્ષ કેમ ? એ તોછડી જીભ બદલ મમ્મી ૭૭ પ્રત્યે મનમાં સતત દુર્ભાવ કેમ ? અલબત્ત, મને ખ્યાલ છે કે તોતડી જીભને શરીરની ખામી માનીને સ્વીકારી શકાય છે પણ તોછડી જીભ તો મનનો દોષ હોવાથી એનો સ્વીકાર કરવો મુશ્કેલ બને છે. જગતમાં, દેશમાં, રાજ્યમાં, શહેરમાં, ગામડામાં, સમાજમાં કે ઘરમાં થતા ઝઘડાઓમાં મોટાભાગના ઝઘડાઓનો યશ (?) તોછડી અને કર્કશ જીભને ફાળે જાય છે. બોલાયેલા શબ્દોના સરવાળા-બાદબાકી, કરતું રહ્યું છે આ મન; પ્રત્યેક વાતમાં સોગંદ લેવા પડે છે, કેવું આ આપણું જીવન ?’ કો’ક શાયરની આ પંક્તિઓ પણ આ જ વાત કરે છે કે શબ્દો અત્યંત પ્રભાવશાળી છે. દૂધ સાકર વિનાનું ચલાવી લેવાય પણ રાખવાળું શું ચાલે ? શબ્દો લાગણી વિનાના સ્વીકારી લેવાય પણ કડવાશ ભરેલા શેં ચાલે ? મમ્મીના મુખમાંથી આવા જ શબ્દો નીકળ્યા કરતા હોય અને એને કારણે તારી પત્ની અકળાઈ જતી હોય તો એમાં આશ્ચર્ય નથી છતાં હું એમ માનું છું કે તારી પત્ની મમ્મીના આવા શબ્દોને ‘સ્વભાવ’ ખાતે ખતવી દેવાનું સત્ત્વ દાખવી શકે તો સંયુક્ત કુટુંબ તૂટતું અચૂક બચી જાય, મમ્મીના દિલને તૂટતું પણ બચાવી શકાય. બાકી એક વાત ખાસ યાદ રાખજે કે શરીરક્ષેત્રે પુરુષ બહાદુર જરૂર છે પણ મનક્ષેત્રે સ્ત્રી જેવી સહનશીલતા તો કોઈનીય પાસે નથી. કબૂલ, તારી મમ્મી સ્ત્રી છે પણ તારી પત્નીય સ્ત્રી જ છે ને ? એક સ્ત્રી બીજી સ્ત્રીને અપનાવી લે એમાં જ સ્ત્રીત્વનું ગૌરવ છે. ૭૮

Loading...

Page Navigation
1 ... 37 38 39 40 41 42 43 44 45 46 47