Book Title: Kshanno Utsav Author(s): Kumarpal Desai Publisher: Gurjar Sahitya Prakashan View full book textPage 7
________________ વહેતાં શીખીએ ઝરણાં પાસે પહાડ પરથી ખળખળ વહેતા ઝરણાને ક્યારેય કટાણે મોઢે એવી ફરિયાદ કરતાં સાંભળ્યું છે કે મને રસ્તા વચ્ચે પજવતા પાર વિનાના નાના-મોટા પથરાઓનું હું શું કરું ? ક્યારેય એણે કૉર્ટમાં ફરિયાદ નોંધાવી છે કે આસપાસ આવેલાં ખાબોચિયાંમાં એનું પાણી ભરાઈ જાય છે, તેનું શું ? કોઈ વાર એણે તમને એમ કહ્યું છે કે જામી ગયેલી લીલને કારણે મારા ચહેરાનું નિષ્કલંક, મનોહર અને પારદર્શક રૂપ નંદવાઈ જાય છે તેનું શું ? આવો કોઈ વાંધોવચકો કે દાદફરિયાદ કરવાને બદલે ઝરણું તો બસ, વહ્યા જ કરે છે, કારણ કે વહેવું એ એનું કાર્ય અને ધ્યેય છે. જીવનનું કાર્ય આમ જ વહેવાનું છે. જન્મથી માંડીને મૃત્યુ સુધી માનવીના જીવનનો પ્રવાહ વહેતો હોય છે. પણ એ ઝરણાની માફક રૂમઝૂમ ચાલવાને બદલે તંગ ચહેરાની સાથે અતિ બોજ હેઠળ લથડિયાં ખાતો ચાલે છે. ઊછળતાંકૂદતાં ઝરણાંની જેમ એ ખડખડાટ હસી-કૂદી શકતો નથી. ભૂતકાળના અનુભવોના બોજને કારણે એ વર્તમાનની રમતિયાળ ગતિને ગુમાવે છે. પોતાના નાનાશા પ્રવાહમાં આવતી એકેએક ચીજવસ્તુઓને ઝરણું જોતું રહે છે, જ્યારે માણસ એના વનની નાનીનાની બાબતોની ઉપેક્ષા કરીને જીવતો હોય છે. જીવનના નાનકડા અનુભવોમાંથી પ્રાપ્ત થતો આનંદ એ પામી શકતો નથી. વિસ્મયનો ભાવ અને મુગ્ધતા એના જીવનમાંથી વિદાય પામે છે. જેમજેમ જીવનમાં પ્રચાર, પ્રભાવ કે પ્રદર્શન આણતો જાય છે, તેમતેમ એના જીવનનો બોજ વધતો જાય છે અને પછી તો એ માત્ર પથરા, ખાબોચિયાં કે લીલની જ નહીં, પણ ખુદ ઝરણાની ફરિયાદ કરતો હોય છે. બીજું બધું તો ઠીક, એને પોતાના જીવન સામે જ સૌથી મોટી ફરિયાદ હોય છે. ક્ષણનો ઉત્સવ 3Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 82