Book Title: Kshanno Utsav
Author(s): Kumarpal Desai
Publisher: Gurjar Sahitya Prakashan

View full book text
Previous | Next

Page 68
________________ ૧૨ કક્કો ખરો કરનાર બારાક્ષરી ગુમાવે છે પોતાનો કક્કો ખરો કરાવનારી વ્યક્તિ કોઈ સભામાં જાય, ત્યારે બીજાના વિચારો તરફ આદર આપવાને બદલે માત્ર પોતાના વિચારો જ ઝીંકે રાખે છે. પોતાની વાત કરતાં-કરતાં એ ઉશ્કેરાઈ જાય છે. ગુસ્સે થઈ જાય છે. ક્યારેક આંખમાં બનાવટી આંસુ લાવે છે, પરંતુ ગમે તેમ કરીને પણ એ પોતાનું ધાર્યું સિદ્ધ કરે છે. આવી ધાર્યું સિદ્ધ કરવાની એની ટેવ એના ઘરમાં પણ અખંડિત હોય છે. ઘરની બાબતોમાં પણ એ પોતાની વાત કોઈ પણ રીતે બીજાઓ પર ઠસાવવા માગે છે. આને માટે જરૂર પડે એ ધાકધમકીનો ઉપયોગ કરે છે અથવા તો પોતાના ક્રોધની મદદ લે છે. પરંતુ ઑફિસમાં હુકમ ચલાવવાની એની ટેવ ઘરમાં પણ બરકરાર રાખે છે. મનોમન એ ફુલાય છે કે એની કેટલી બધી ધાક છે અને એનો ગર્વ વિકસે છે, કારણ કે બધે જ એનું ધાર્યું થાય છે. સમય જતાં પરિસ્થિતિ પલટાય, તોપણ એ એનું વલણ છોડતો નથી અને પરિણામે ખૂબ દુ:ખી થાય છે. એ વાત ભૂલી ગયો હોય છે કે કોઈ પણ પ્રશ્નને અનેક બાજુ ઓ હોય છે અને કોઈ પણ સમસ્યાના ઘણા ઉકેલ હોય છે. એ માત્ર પોતાની ‘શૈલી' પ્રમાણે ઉકેલ વિચારતો હોય છે, પરંતુ એમ કરવા જતાં એ ઉકેલને યોગ્ય એવી બીજી શૈલીઓની ઉપેક્ષા કરે છે. વ્યવસાયમાં ધુંવાપુંવા રહેતી વ્યક્તિ ઘરમાં પણ એ જ રીતે વર્તતી હોય છે. એની છવાઈ જવાની કે ધાક બેસાડવાની ટેવ બધે સરખી પ્રવર્તતી હોય છે. પ્રભાવ પાડવાનો પ્રયત્ન ઘણી વાર માનવીની પામર વૃત્તિમાંથી પ્રગટતો હોય છે. પોતાની હાજરીની કોઈ પણ ભોગે નોંધ લેવાય તે માટે વિવાદો જ ગાવીને ક્ષુદ્ર વર્તન કરતો હોય છે. આમ કરવા જતાં એના જીવનની સાહજિકતા ગુમાવતો જાય છે અને પછી એ પોતે જ પોતાના પ્રભાવક પાંજરામાં પુરાઈ જાય છે. - ૧૨૩ - જીવનભર જળવાય એ બાળપણની મસ્તી ! બાલ્યાવસ્થા જીવનનો સૌથી ઉત્કૃષ્ટ સુવર્ણકાળ ગણાય છે. માનવી વિચારે છે કે બાલ્યાવસ્થામાં એ જેટલો સુખી અને પ્રસન્ન હતો તેટલો સુખી અને પ્રસન્ન જીવનમાં પછી ક્યારેય ન હતો. યુવાની આવી અને આથમી ગઈ. ઉબરે ઊભેલો બુઢાપો જીવનપ્રવેશ પામ્યો, પરંતુ આ સમગ્ર જીવનકાળ દરમિયાન એક જ વસવસો થતો રહ્યો કે બાળપણમાં જીવન કેટલું બધું આનંદથી ઊછળતું હતું ! ચોતરફ ઉલ્લાસની કેવી ભરતી ચડતી હતી ! બાળપણનું એ સુખ જુવાનીમાં નંદવાઈ ગયું અને બુઢાપામાં તો ભૂતકાળની યાદ રૂપે માત્ર ટકી રહ્યું. આથી સવાલ એ જાગે છે કે બાળપણમાં જે સુખ અને આનંદ હતાં, જે નિર્દોષતો અને મસ્તી હતી એ બધું વય વધતાંની સાથે ક્યાં વિલીન થઈ ગયાં ? જીવનની ગતિ તો એવી હોવી જોઈએ કે ઉંમર વધવાની સાથે આનંદ વધવો જોઈએ. આને બદલે જેમ ઉંમર વધે છે તેમ આનંદને બદલે શોક વધતો જાય છે. અને બાળપણની મસ્તી સ્મૃતિશેષ બની રહે છે. પ્રસન્નતા તો હાથતાળી આપીને ક્યાંક ભાગી ગઈ હોય છે. આવું થવાનું કારણ આપણી ખોટી જીવનશૈલી છે. એ જીવનશૈલી આપણને ભીતરથી સમૃદ્ધ કરવાને બદલે ધીરેધીરે આપણા ભીતરમાંથી શાંતિ અને આનંદનો નાશ કરે છે. એક અજંપાભર્યો ખાલીપો રાચે છે. સવાલ એ જાગે કે માણસના જીવનનું આવું પતન કેમ થયું ? આવી અવળી ગતિ શાને ? આવે સમયે જીવન વિશે પુનઃ વિચાર કરવાની જરૂર છે. બાળપણનું સુખ, આનંદ અને મસ્તી બુઢાપામાં સર્વાધિક હોય તેવી જીવન-ગતિ હોવી જોઈએ. જીવનને પ્રવાહરૂપે જોવાને બદલે અવસ્થાઓમાં વહેંચી દઈએ છીએ અને જેમજેમ વૃદ્ધાવસ્થા આવતી જાય છે, તેમતેમ જીવનના આનંદ અને ઉત્સાહમાં આવતી થોડી ઘણી ખોટનો વસવસો કરીને નિરાશા અને નિષ્ક્રિયતા ઓઢી લે છે. 124 સણનો ઉત્સવ ક્ષણનો ઉત્સવ 125

Loading...

Page Navigation
1 ... 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82