Book Title: Krushna Rukmini Sambandh Author(s): Kanubhai V Sheth Publisher: Z_Nirgrantha_1_022701.pdf and Nirgrantha_2_022702.pdf and Nirgrantha_3_022703.pdf View full book textPage 3
________________ Vol. III - 1997-2002 વાચક લબ્ધિરત્નકૃત.... ૨૨૩ ત્યાર બાદ નારદે એક ચિત્રકાર પાસે રુક્મિણીનું ચિત્ર તૈયાર કરાવ્યું. પછી તે ચિત્ર લઈને નારદ આકાશમાર્ગે દ્વારિકા શ્રીકૃષ્ણ પાસે આવ્યા. એમણે પેલું ચિત્ર શ્રીકૃષ્ણને બતાવ્યું. શ્રીકૃષ્ણે તે અંગે નારદને પૃચ્છા કરતાં એમણે કહ્યું કે તે કુંડિનપુરના રાજા રુક્ષ્મીની નાની બહેન રુક્મિણીનું ચિત્ર છે. નારદે રુક્મિણીનાં રૂપ અને ગુણનું વર્ણન કરતાં કૃષ્ણે કહ્યું કે ‘એ રુક્મિણી મારા ગૃહે આવે તેમ કરો.’ નારદે કહ્યું, ‘તમારો મનોરથ પૂર્ણ થાય તેમ હું કરીશ.' આ પછી શ્રીકૃષ્ણે કુંડિનપુરના રાજા રુક્મીની પાસે દૂત મોકલી રુક્મિણીનું ‘માગું’ કર્યું. દૂતને રુક્મીએ કહ્યું, ‘શું હું મારી બહેન ગોવાળિયાના પુત્ર કૃષ્ણને આપું ? મારી બહેન તો મેં સર્વગુણસંપન્ન એવા શિશુપાલને આપી છે, કેમકે રત્ન તો સુવર્ણની સાથે જ શોભે, પિત્તળ સાથે નહિ !' આમ કહી રુક્મી રાજાએ દૂતને પાછો કાઢ્યો. આ દૂત અને રુક્મીના સંવાદને ગુપ્તપણે સાંભળી ગયેલી રુક્મિણીએ તે અંગે પોતાની ફોઈને વાત કરી. તે સાંભળી ફોઈએ કહ્યું, ‘અતિમુક્ત મુનિએ કહ્યું છે કે રુક્મિણી શ્રીકૃષ્ણની પટરાણી થશે. એ વચનો અસત્ય કેમ ઠરે ?' આ સાંભળી રુક્મિણીએ હૃદયમાં ધીરજ ધરી. ફોઈએ એક છાનો દૂત મોકલી શ્રીકૃષ્ણને કહેવડાવ્યું કે ‘જો તમે રુક્મિણીને વરવાની ઇચ્છા ધરાવતા હો તો ગુપ્તપણે કૃષ્ણ પક્ષની આઠમે કુંડિનપુર આવજો અને હું પણ રુક્મિણીને લઈને નાગપૂજાને બહાને નગર બહાર આવેલ ઉદ્યાનમાં નાગમંદિરે આવીશ.' સંકેત પ્રમાણે શ્રીકૃષ્ણ ભાઈ બલભદ્રને લઈને કુંડિનપુર આવ્યા. આ બાજુ શિશુપાલ પણ પરણવા અર્થે પોતાના પરિવાર સહિત આવ્યો. આ અંગે નારદે શ્રીકૃષ્ણને માહિતી આપી એટલે શ્રીકૃષ્ણ બલભદ્ર સહિત રથમાં બેસી સંકેત અનુસાર ઉદ્યાનમાં આવ્યા. રુક્મિણીને લઈને ફોઈ પણ નાગપૂજા કરવા ત્યાં આવ્યાં. રુક્મિણીને જોઈને શ્રીકૃષ્ણે વિચાર્યું, ‘નારદે જે રૂપનું વર્ણન કર્યું હતું, તેથી પણ આ તો અધિક રૂપવતી છે.’ પછી કૃષ્ણે રુક્મિણીને કહ્યું, ‘તારી પ્રીતિથી વશ થયેલો એવો હું દૂરથી આવ્યો છું. તો હવે વિલંબ કર્યા વગર રથમાં બેસી જા.’ ફોઈનો આદેશ લઈને તે રથમાં બેસી ગઈ. પોતાના પર આળ ન આવે એટલે ફોઈએ પોકાર પાડ્યો, ‘અરે ! વીરો ! દોડો, દોડો ! આ કૃષ્ણ રુક્મિણીને હરી જાય છે.' આ વખતે પ્રગટ થવા માટે શ્રીકૃષ્ણે પોતાનો ‘પાંચજન્ય' શંખ વગાડ્યો. શંખનાદ સાંભળી રાજા રુમ્મી અને શિશુપાલ સૈન્ય લઈને શ્રીકૃષ્ણની પાછળ પડ્યા. આ જોઈ રુક્મિણીએ કૃષ્ણને કહ્યું, ‘તમે તો માત્ર બે જણ છો, જ્યારે સામે તો આખું કટક છે, તો હવે શું થશે ?’ આ વખતે કૃષ્ણે રુક્મિણીને ભય ન પામવા જણાવ્યું. પછી પોતાનું બળ બતાવવા એમણે એક જ તીર વડે તાડનાં ઘણાં વૃક્ષો છેદી નાંખ્યાં. વળી હાથમાં પહેરેલી અંગૂઠીનો હીરો હાથમાં રાખી એનો કપૂરની માફક ચૂરો કરી નાંખ્યો. યુદ્ધ કરવા સજ્જ થયેલા કૃષ્ણને બલભદ્રે કહ્યું, ‘હે ભાઈ, તમે જલદીથી વહુને લઈ આગળ જાવ. હું પછીથી આવીશ' એમ કહી બલભદ્ર ત્યાં હાથમાં મુશલ લઈને યુદ્ધ કરવા ઊભા રહ્યા અને શ્રીકૃષ્ણ રુક્મિણીને લઈને આગળ ચાલ્યા. આ વખતે રુક્મિણીએ કૃષ્ણને કહ્યું, ‘બલભદ્રજીને કહો કે રુક્મી રાજા ક્રૂર છે. પણ દયા કરીને એને હણતા નહીં.' આ પછી શ્રીકૃષ્ણ રુક્મિણીને લઈને ત્યાંથી ચાલ્યા ગયા. પછી સૈન્ય આવી પહોંચતાં બલભદ્ર એના પર મુશળ લઈને તૂટી પડ્યા. તેમણે અનેક સૈનિકોનો નાશ કર્યો. રથમાં બેઠેલા સુભટોને નસાડ્યા. શિશુપાલ નાસવા લાગ્યો. તે વખતે આકાશમાં ઊભા રહીને યુદ્ધનું નિરીક્ષણ કરતા નારદ ઉપાલંભ આપતા શિશુપાલને કહેવા લાગ્યા, ‘અરે કાયર, નાસી જા, નાસી જા.' Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20